“ચૂંદડી મહિયરની” અંતર્ગત પાલક પિતા મહેશ સવાણીએ દીકરીઓના લગ્ન બાદ ચોથા ગ્રુપને મોકલ્યું મનાલી, બરફ વચ્ચે ગરબા રમીને વ્યક્ત કરી ખુશી

હજારો દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી દર વર્ષે અનાથ અને પિતા વિહોણી દીકરીઓના ખુબ જ ધામધૂમથી લગ્ન કરાવે છે, છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે તેઓ દીકરીઓના લગ્ન કરાવી શક્યા નહોતા પરંતુ કોરોનાનો પ્રકોપ ઓછો થતા જ તેમને ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં “ચૂંદડી મહિયરની” અંતર્ગત 300 દીકરીઓના લગ્ન કરાવ્યા.

મહેશ સવાણી દ્વારા “ચૂંદડી મહિયરની”માં 300 દીકરીઓના લગ્નમાં ખુબ જ જાહોજલાલી જોવા મળી હતી, લગ્નની અંદર ઘણું બધું કરિયાવર પણ મહેશ સવાણી દ્વારા આપવામાં આવ્યું. આ ઉપરાંત દીકરીઓ અને જમાઈઓ માટે મનાલી પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની ઘણી તસવીરો અને વીડિયો દીકરીઓ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા.

મહેશ સવાણીએ દીકરીઓ અને જમાઈઓ માટે મનાલીમાં રહેવા જમવા ઉપરાંત ફરવાની પણ ખાસ વ્યવસ્થા કરી છે અને તેમના આવવા જવા માટે પણ સુંદર આયોજન કર્યું છે. દીકરીઓને મનાલીમાં પણ કોઈ ખોટ ના પડે તેની મહેશભાઈ સવાણી દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી છે.

દીકરીઓ દ્વારા મનાલી પ્રવાસ દરમિયાનની ખુશી પણ સોશિયલ મીડિયામાં વીડિયો અને તસવીરો દ્વારા શેર કરવામાં આવે છે. મહેશ સવાણી પણ તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર દીકરીઓની આ ખુશીને શેર કરતા હોય છે. તેમને પોતાના ફેસબુક ઉપર કેટલાક વિડીયો અને તસવીરો શેર કરી છે.

મહેશભાઈ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો અને વીડિયોમાં તે પોતે પણ મનાલીમાં દીકરીઓ અને જમાઈઓ સાથે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત મનાલીમાં ભારે હિમવર્ષા પણ જોવા મળી રહી છે. તેમજ મનાલી હનીમૂન માટે પહોંચેલા નવદંપતીઓ બરફની વચ્ચે ગરબા રમતા પણ જોવા મળી રહ્યા છે.

મનાલી હનીમૂન ઉપર પહોંચેલા આ નવ દંપતીઓએ મનાલીના નહેરુકુંડ પાસે ગરબા રમ્યા હતા, ભારે હિમવર્ષા વચ્ચે પણ તેમને અડધો કલાક સુધી કોઈપણ જાતના વાજિંત્રો વિના ફક્ત મોબાઈલ ફોનથી વાગતા ગુજરાતી ગરબાના આધારે ગરબાની રમઝટ બોલાવીને માહોલ રંગીન બનાવી દીધો હતો.

આ ઉપરાંત મનાલીમાં ભારે હિમવર્ષા હોવાના કારણે મનાલી પહોંચેલી દીકરીઓ રૂમમાં જ બેસીને એન્જોય કરતી હોવા મળી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે, જેમાં એક દીકરી વીડિયો બનાવતા જણાવી રહી છે કે મનાલીમાં ભારે હિમવર્ષા હોવાના કારણે તે રૂમમાં જ બેસીને એન્જોય કરી રહી છે. અને ચકલી ઉડે ફુરર જેવી રમત પણ રમી રહી છે.

Niraj Patel