પાવી જેતપુરમાં પોલીસકર્મી પતિએ જ બસ કંડકટર પત્નીની જાહેરમાં ચપ્પુના ઘા મારી કરી દીધી હત્યા

છોટાઉદેપુરના પાવી જેતપુરમાં અચાનક પોલિસકર્મી બસમાં ચઢ્યો અને બસ કંડકટર પત્ની પર ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી કરી હત્યા, ભાગવા ગયો તો લોકોએ દબોચ્યો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના મામલાઓ સામે આવતા રહે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, કેટલીકવાર અવૈદ્ય સંબંધ તો કેટલીકવાર અંગત અદાવત તો કેટલીકવાર પતિ-પત્નીના ઝઘડા અને ઘરકંકાસ કારણ હોય છે. ત્યારે હાલમાં હત્યાનો ખૌફનાક મામલો છોટા ઉદેપુરમાંથી સામે આવ્યો છે. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ભીખાપુરા ખાતે એક મહિલાને તેના જ પતિએ જાહેરમાં ધોળા દિવસે ચપ્પાના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી. મૃતક મહિલા બસ-કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તેનો પતિ પોલિસ જવાન તરીકે ફરજ બજાવતો હતો.

મૃતક પાવી જેતપુરથી ભીખાપુરા રૂટની બસમાં ફરજ બજાવતી હતી. આ દરમિયાન સુરત પોલીસમાં ફરજ બજાવતો તેનો પતિ ભીખાપુર આવી પહોંચ્યો અને તે અચાનક દોટ મૂકી બસમાં ચઢ્યો અને પત્ની કાંઈ વિચારી શકે એ પહેલાં જ તેના પર ચપ્પાના ઉપરાછાપરી ઘા માર્યા. તેણે તેની પત્નીને પગમાં, પેટમાં અને ગળાના ભાગે તેમજ હાથની નસ કાપી નાખી અને તેને કારણે બસમાં જ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ભાગવા જઇ રહ્યો હતો

પરંતુ લોકોએ તેને પકડી પાડ્યો હતો અને અને પોલીસને જાણ કરતાં તેઓએ પહોંચી હત્યારાને કસ્ટડીમાં લીધો હતો. આ ઉપરાંત મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની પણ તજવીજ હાથ ધરી હતી. આ બાબતે એવી માહિતી સામે આવી છે કે, હત્યારો પતિ અમૃત રાઠવા બસ કંડક્ટર પત્ની મંગુના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને પ્રાથમિક કારણ એ સામે આવ્યુ છે કે તેને કારણે તેણે પત્નીની હત્યા કરી હોઈ શકે છે.

પાવી જેતપુરમાં કંડા ગામની મંગુબેન રાઠવા બસ-કંડકટર તરીકે નોકરી કરતી અને તેનો પતિ અમૃત રાઠવા પોલીસમાં સુરત ખાતે નોકરી કરે છે. જ્યારે મંગુબેન નોકરી ફરજ પર હતા ત્યારે બપોરના સમયે પતિ દોડીને બસમાં ચઢ્યો અને પત્નીને ચપ્પુના ઉપરા છાપરી ઘા માર્યા, જેમાં ગળાના ભાગે, પગના ભાગે, પેટના ભાગે તેમજ ડાબા હાથની નસ કાપી નાખતા તેનું કરુણ મોત નિપજ્યુ હત.

Shah Jina