ખબર

ગુજરાતના આ ગામમાં કોરોનાએ હાજા ગગડાવી નાંખ્યા: 20 દિવસમાં 90થી પણ વધુ લોકોના થયા મોત

ગુજરાતના ગામોને કોરોના મુક્ત કરવા 1 મે ગુજરાત સ્થાપના દિવસથી પ્રારંભ થયેલા મારૂં ગામ કોરોનામુક્ત રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાતના ગામડાઓની કોરોના સ્થિતિ કાબૂ બહાર ગઈ છે. અનેક ગામડાઓમાં સંક્રમણ ફેલાવાથી અને પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં કાળો કહેર જોવા મળી રહ્યો છે. ચોગઠ ગામમાં છેલ્લા 20 દિવસમાં આશરે 90થી વધુ લોકોના મોત નિપજયા હોવાનું સામે આવ્યુ છે.

ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાના છેવાડે આવેલ અને 13-14 હજારની વસ્તી ધરાવતા નાનકડા એવા ચોગઠ ગામમા કોરોનોએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 20 દિવસમાં લગભગ 90થી વધુ લોકોનાં મોત થયા છે.

ચોગઠ ગામનાં સ્મશાનમાં છેલ્લા 20 વર્ષથી સ્મશાનમાં સેવા આપતા નિવૃત શિક્ષક જણાવે છે કે, આ ગામના છેલ્લા 20 દિવસમાં લગભગ 90 અંતિમ સંસ્કારો કરવામાં આવ્યા છે. 20 દિવસ બાદ આ સ્મશાનની આગ શાંત થઈ છે. હૃદય કંપાવી નાખે અને હૃદય ધબકારો ચુકી જાય એવી ભયાનક અને કરુણ પરિસ્થિતિના દ્રશ્યો સર્જાય ત્યારે પરિવારજનોને છાનું રાખવા વાળું મળતું નથી.

અહીંના લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે. લોકો જાતે જ નિયમોનું પાલન કરી રહ્યાં છે. ગુજરાત સરકારના પ્રોજેક્ટ અંતર્ગત પણ અહી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ નથી. ગામમાં ખરાબ સ્થિતી હોય ત્યારે રાજકીય લોકો મદદે પણ આવતા ન હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.