આ દિવસોમાં સાઉથ સિનેમામાં એક પછી એક હાઈપ્રોફાઈલ ડિવોર્સના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા અને અભિનેતા ધનુષે 18 વર્ષના સંબંધો બાદ છૂટાછેડાની જાહેરાત કરી હતી. થોડા સમય પહેલા સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્ય એ પણ ડિવોર્સની જાહેરાત કરી હતી ત્યારે હવે અન્ય સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીની સૌથી નાની પુત્રી અને અભિનેતા રામ ચરણની બહેન શ્રીજાના છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીજાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેના પતિ અને અભિનેતા કલ્યાણનું નામ હટાવી દીધું છે. જો કે છૂટાછેડાને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. અટકળો ચાલી રહી છે કે શ્રીજા તેના પતિ કલ્યાણ દેવથી અલગ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ કપલે માર્ચ 2016માં લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી છે. શ્રીજાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું નામ શ્રીજા કલ્યાણથી બદલીને શ્રીજા કોનિડેલા કરી દીધું છે. અગાઉ સામંથા રૂથ પ્રભુએ પણ છૂટાછેડાની જાહેરાતના ઘણા સમય પહેલા તેની સરનેમ અક્કીનેકી છોડી દીધી હતી. જે બાદ બંનેએ સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કરીને લગ્નના અંતની જાહેરાત કરી હતી.છૂટાછેડાની અફવાઓ પર ચિરંજીવી અને શ્રીજા તરફથી અત્યાર સુધી કોઈ નિવેદન આવ્યું નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રીજાએ કલ્યાણને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. શ્રીજાએ માર્ચ 2016માં કલ્યાણ સાથે બેંગલુરુના દેવનાહલ્લી પાસેના પરિવારના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાં સંબંધીઓ, નજીકના મિત્રો અને દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સે પણ હાજરી આપી હતી. આ લગ્નની મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી.આ કપલ 2018માં એક પુત્રીના પેરેન્ટ્સ બન્યા હતા.
કલ્યાણ દેવ પહેલા શ્રીજાના લગ્ન સિરીશ ભારદ્વાજ સાથે થયા હતા. તે 19 વર્ષની હતી જ્યારે તેણે તેના કોલેજ મિત્ર સાથે લગ્ન કર્યા હતા. બાદમાં 2011માં શ્રીજાએ તેની સામે ઉત્પીડનનો કેસ નોંધાવ્યા બાદ તેમના સંબંધોનો અંત આવ્યો હતો. આ સંબંધથી તેને એક પુત્રી પણ છે. ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવાના સમાચાર વચ્ચે શ્રીજાના છૂટાછેડાના અહેવાલો સામે આવ્યા છે.