Chhattisgarh Durg Accident : દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સતત સામે આવી રહી છે, ઘણા એવા અકસ્માતની ખબરો સામે આવે છે જે આખા દેશને હમચાવી દે. ત્યારે હાલ છત્તીસગઢના દુર્ગમાં એક મોટો રોડ અકસ્માત થયા હોવાની ખબરે ચકચારી મચાવી દીધી છે. દુર્ગ જિલ્લાના કુમ્હારીમાં એક બસ 50 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. મૃતકોમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. 15થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
મંગળવારે રાત્રે ડ્યુટી પરથી પરત ફરતી વખતે કર્મચારીઓથી ભરેલી બસ ખાઈમાં પડી હતી. બસમાં કેડિયા ડિસ્ટિલરી ફેક્ટરીના 40 જેટલા કર્મચારીઓ મુસાફરી કરી રહ્યા હતા. બસ ખાઈમાં પડી જતાં અત્યાર સુધીમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાંઈએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. છત્તીસગઢના ડેપ્યુટી સીએમ વિજય શર્મા ઘાયલોને મળવા મોડી રાત્રે રાયપુર એઈમ્સ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ અકસ્માતની ગંભીરતાથી મેજિસ્ટ્રેટ તપાસ કરવામાં આવશે. ઘાયલોએ ડેપ્યુટી સીએમને જણાવ્યું કે જે બસ ખાઈમાં પડી હતી તેની એક પણ લાઈટ સળગી નથી. રસ્તાની બંને બાજુ ખાડાઓ પડી ગયા હતા.
અકસ્માતમાં ઘાયલ થયેલા 15 લોકોની રાયપુર અને દુર્ગની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બે લોકોની હાલત નાજુક છે. અકસ્માત પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ ‘X’ પર કહ્યું, “છત્તીસગઢના દુર્ગમાં થયેલ બસ દુર્ઘટના અત્યંત દુઃખદ છે, જે લોકોએ તેમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે.” આ સાથે હું ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે.