સાત ફેરા બાદ દુલ્હા સાથે વિદાય થઇ દુલ્હન, રસ્તા વચ્ચે પ્રેમી સાથે ભાગી, પકડાઇ જવા પર બોલી- મેં યુવકને ભગાવ્યો

દુલ્હા-દુલ્હન અને વો જેવી ફિલ્મી કહાની : લગ્ન બાદ દુલ્હા સાથે વિદાય થઇ, રસ્તામાં પ્રેમી સાથે થઇ ફરાર, પછી અચાનક જ

તમે ઘણી વાર પતિ, પત્ની ઔર વોની કહાની સાંભળી હશે. જો કે, આ પર તો એક ફિલ્મ પણ બની ગઇ છે, જેમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે જોવા મળ્યા હતા. જો કે, હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે પતિ પત્ની ઔર વોનો નહિ પરંતુ દુલ્હા-દુલ્હન ઔર વોનો છે. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ખૂબ જ ફિલ્મી કહાની સામે આવી છે. આ લવસ્ટોરીમાં સસ્પેન્સ અને રોમાંચ છે. સામાન્ય ફિલ્મી વાર્તાઓથી અલગ આમાં માત્ર એટલો જ તફાવત છે કે લવ બર્ડ્સ મળ્યા નથી. પોલીસે પ્રેમીને કસ્ટડીમાં લઈ યુવતીને તેના પરિવારજનોને સોંપી હતી. દંતેવાડાની રહેવાસી આરતી સહારે અને બસ્તરના બકવંદમાં રહેતા વિકાસ ગુપ્તા છેલ્લા પાંચ વર્ષથી પ્રેમમાં હતા.

પરિવારના સભ્યોને તેમનો સંબંધ મંજૂર ન હતો અને તેઓ લગ્ન માટે સંમત ન હતા. આરતી પુખ્ત થતાં જ તેના પરિવારના સભ્યોએ મહારાષ્ટ્રના એક યુવક સાથે તેના લગ્ન નક્કી કર્યા હતા. 6 ફેબ્રુઆરીએ વરરાજા જાન લઈને આરતીના ઘરે આવ્યો અને બંનેના લગ્ન થયા, પરંતુ કહાનીમાં ટ્વીસ્ટ ત્યારે આવ્યો જયારે દુલ્હન બનેલી આરતી સોમવારે વરરાજા સાથે તેના સાસરે જવા નીકળી. તેમની કાર રાજનાંદગાંવના માનપુર પાસે પહોંચી ત્યારે આરતીએ તેમને ટોયલેટ માટે રોકવા માટે કહ્યું. તે સમયે સવારના લગભગ ચાર વાગ્યા હતા.

તે બાદ આરતી પાછળથી આવતી કારમાં બેસી ગઇ જેમાં તેનો પ્રેમી હતો. વરરાજાને છોડીને આરતી તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. આરતીએ તેના પ્રેમી સાથે ભાગી જવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. લગ્નના મંડપમાંથી બહાર નીકળ્યા પછી, તેણે તેના પ્રેમીને તેનું લોકેશન મોકલવાનું ચાલુ રાખ્યું. જેની મદદથી પ્રેમી તેની પાછળ હતો. આરતીને મોકો મળતાની સાથે જ તે તેના પ્રેમીની સાથે કારમાં બેસીને ભાગી. હવે આરતીનો વર મૂંઝવણમાં હતો. તે તેની પત્ની સાથે ઘરે જવા નીકળ્યો હતો. દુલ્હન નાસી છૂટ્યા બાદ તે ઘરને બદલે માનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

કન્યાના ગુમ થયાની ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. બપોરે લગભગ એક વાગ્યે આરતી અને તેનો પ્રેમી કાંકેરમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલિસ બંનેને પોલીસ સ્ટેશન લઈ આવી અને આરતીને તેના પરિવારજનોને સોંપી. આરતીએ પોલીસને કહ્યું કે તેણે તેના પિતાને ઘણી વિનંતી કરી, પરંતુ તેમણે સાંભળ્યું નહીં. તેમને સમાજમાં પોતાના સન્માનની ચિંતા હતી. લગ્ન નક્કી થયા બાદ ઘરના લોકો તેની પર સતત નજર રાખતા હતા.

તેણે આગળ કહ્યુ કે, તેની કાકી ચોવીસ કલાક તેની સાથે રહેતી. આ ટેન્શનને કારણે આરતીની તબિયત પણ બગડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ત્યાં સુધીમાં જાન તેમના ઘરે આવી અને તેને હોસ્પિટલથી સીધા જ લગ્ન મંડપમાં બેસાડવામાં આવી. મંડપમાં પ્રવેશતા જ તે બેહોશ થઈ ગઈ. જ્યારે તે હોશમાં આવી ત્યારે તેણીના ગળામાં મંગળસૂત્ર હતું. આરતીએ દાવો કર્યો હતો કે તેણે વરરાજા સાથે ફેરા પણ લીધા નથી. તેણે પોલીસને એ પણ જણાવ્યું કે પ્રેમીએ તેને ભાગી જવા માટે મજબૂર નહોતી કરી, પરંતુ તેણે તેના પ્રેમીને ભાગી જવા માટે તૈયાર કર્યો હતો.

Shah Jina