રાજસ્થાન રોયલ્સના RR ઝડપી બોલર ચેતન સાકરીયા ચેન્નાઇ સુપર કિંગ્સ CSK વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કરી ખૂબ ચર્ચામાં છે. સોમવારે રમાયેલ મેચમાં ચેતન સાકરીયાએ 4 ઓવરમાં 36 રન આપી 3 વિકેટ લીધી હતી.
સૌરાષ્ટ્રના ડાબા હાથના ઝડપી બોલર ચેતન સાકરીયા IPL 2021માં ખૂબ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. RR તરફથી રમતા 23 વર્ષના ચેતને CSKના 3 ખેલાડીઓની વિકેટ લીધી હતી. આમાં મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈના પણ સામેલ છે.
ચેતન સાકરીયાને પહેલીવાર IPLમાં રમવાનો મોકો મળ્યો છે. ચેન્નાઇની ટીમનો સ્કોર 13.1 ઓવરમાં 123 રન હતો. 14મી ઓવરમાં બીજા બોલ પર સાકરીયાએ પહેલા અંબાયતી રાયડુની વિકેટ લીધી અને તે બાદ પાંચમાં બોલ પર સુરેશ રૈનાની વિકેટ લીધી. ચેતન સાકરીયાએ તે બાદ CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પણ વિકેટ લીધી હતી.
ચેતન સાકરીયાની વાત કરીએ તો,ચેતન સાકરીયા આર્થિક રીતે બહુ નબળા બેકગ્રાઉન્ડમાંથી આગળ આવ્યો છે. પાંચ વર્ષ પહેલાં તેના ઘરમાં ટીવી પણ નહોતું અને તેણે રમવાનું શરૂ કર્યું ત્યારે તેની પાસે પહેરવા માટે બૂટ પણ નહોતાં. તે પોતાના મામાના ઘરે કામ કરતો હતો અને બાકીના સમયમાં ક્રિકેટ રમતો હતો. તેના પિતા ટેમ્પોચાલક હતા, પણ ત્રણ એક્સિડન્ટ પછી અત્યારે બેડ પર જ છે.
તમને જણાવી દઇએ કે, ચેતન પરિવાર ચલાવવા માટે નાની-મોટી નોકરી કરતો હતો. પરંતુ ક્રિકેટને કારણે તે મોટી નોકરી કરી શકતો ન હતો. ચેતન સાકરીયા 20 લાખના બેસ પ્રાઇઝ સાથે IPL ઓક્શનમાં આવ્યો, પરંતુ તેને તેની ટીમમાં સામેલ કરવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સમાં હોડ લાગી. આખરે રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડ રૂપિયા આપી તેને ટીમમાં સામેલ કરી લીધો.