દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

માતાજીએ વગર માનતાએ પોતાના વારસનો મેળાપ કરાવી આપ્યો એનો ખુબજ આનંદ ચુનીલાલના ચહેરા પર છલકાઈ રહ્યો હતો!! – વાંચો ભાવુક કરી દેતી આ વાર્તા “છેલ્લી માનતા”

ચુનીલાલ અને તેમનાં ધર્મપત્ની મંદાબેન સવારના પાંચેક વહેલા નીકળીને માતાના સ્થાનકે ચાલી નીકળ્યાં હતા. આજે તે એનાં જીવનની ચોથી અને છેલ્લી માનતા પૂરી કરવા નીકળ્યાં હતા. સાથે પાણીની બે બોટલ અને હાથમાં એક લાકડી લીધી હતી. ઉમર પચાસની આજુબાજુ હતી. આમ તો હમણાં સુધી એ કડેધડે હતાં પણ છેલ્લાં થોડા વરસોમાં જ એ રીતસરના ખળભળી ગયા હતાં. ધાર્મિક પ્રકૃતિના માણસ અને આખા ગામમાં ચુનીલાલની એક અનોખી છાપ હતી. ગામમાં તેનો કોઈ દુશ્મન જ નહોતો. સારા કામે કોઈ બહારગામ જતું હોય અને રસ્તામાં એને ચુનીલાલ મળે તો એ શુકન ગણવામાં આવતું!! ધંધામાં તો થોડી ઘણી ખેતી અને એક નાનકડી દુકાન! સમાજમાં પૂરી પ્રતિષ્ઠા સાથે જીવન વિતાવતા ચુનીલાલ આજે એના જીવનની ચોથી અને છેલ્લી માનતા પૂરી કરવા માટે નીકળ્યાં હતા!!

ગામથી લગભગ પંદર કિલોમીટર દૂર એક ટેકરીઓની હારમાળા હતી. એમાં એક વચ્ચેની ટેકરી સહુથી મોટી હતી. ત્રણસો પગથીયા ચડો એટલે ઉપર થોડું ખુલ્લું મેદાન આવે. મેદાનમાં એક ખૂણામાં નાનકડું એવું મંદિર હતું. મંદિરની બાજુમાં એક નાનકડી ઓરડી હતી. તેમાં એક વૃદ્ધ સાધુ રહેતા હતા અને મંદિરમાં આવેલ દેવીની મૂર્તિની સેવા પૂજા કરતાં હતાં!! મેદાનમાં એક આંબલીનું મોટું ઝાડ હતું એની નીચેની ડાળીઓ પર રંગબેરંગી કાપડના કટકા લટકતા હતાં. લોકો માનતા પૂરી કરવા આવે ત્યારે સાત રંગના કાપડના મીટર મીટરના લાંબા કટકાઓ ત્યાં આંબલીની ડાળીએ બાંધતા હતાં અને મનોમન ધન્યતાનો ભાવ અનુભવતા હતાં. મંદિરની બાજુમાં જે ખીજડાનું ઝાડ હતું તેની નીચે લોખંડનો એક ત્રિશુળ આકારનો મોટો સળીયો હતો. બાજુમાં એક મોટો શ્રીફળના છાલાનો મોટો ઢગલો હતો. દર્શને આવતાં લોકો શ્રીફળના છાલા પેલાં સળીયાની મદદથી કાઢતા અને પછી મંદિરમાં મૂર્તિની આગળ આવેલ એક છીપર પર શ્રીફળ વધેરતા હતાં. મંદિરના ગોખમાં ચપ્પાઓ અને છાલીયાઓ કાયમ રહેતા તેમાં વધેરેલ શ્રીફળનું પાણી ભેગું કરવામાં આવતું અને ચપ્પા વડે શેષ કરીને અગિયાર શેષ માતાજીને ધરાવવામાં આવતી અને બાકીની શેષ પ્રસાદી માટે લોકો ઘરે લઇ જતાં!!

Image Source

મંદિરની બરાબર સામે એક કૂવો હતો. ત્યાં એક ડોલ અને ચીચણીયુ પડ્યું હતું. બાજુમાં જ ચારેક મોટી મોટી માણો હતી. એમાં પાણી ભરેલું હતું. બાજુમાં આઠેક ગ્લાસ પડ્યા હતા. જેની મદદથી લોકો પાણી પીતા હતાં. આવનાર લોકો ડોલ અને ચીચણીયા વડે કુવામાંથી પાણી ખેંચતા અને ખાલી માણય હોય તો એમાં નાંખતા અથવા એ પાણી પેલા આંબલી અને ખીજડાના ઝાડને પાતા હતાં. ગમે તેવો દુષ્કાળ હોય કુવાનું પાણી ક્યારેય સુકાતું નહિ!! અને એને પરિણામે પેલી આંબલી અને ખીજડો પણ સદા કોળ્યમાં રહેતા. લોકો તેને માતાજીનો ચમત્કાર માનતા હતા અને કહેતા કે આ તો માતાજીનો સાચ છે બાકી નીચે બધા કુવા અને રીંગ દારમાં પાણી ડૂકી જાય પણ કુવાનું પાણી ક્યારેય ન ખૂટ્યું!! અને આવો સાચ ન હોય તો માતાજીને કોણ માને ભાઈ!!

ચુનીલાલ અને મંદાબેન હળવે હળવે ચાલતા હતાં. ચાલતાં તેના માનસપટ્ટ પર ભૂતકાળના દ્રશ્યો ફિલ્મની જેમ દેખાઈ રહ્યા હતાં. રસ્તામાં એક આંબલીનું ઝાડ આવ્યું ત્યાં બને પોરો ખાવા બેઠાં અને મંદાબેન બોલી ઉઠ્યા!! “યાદ છે તમને આપણા પંકજનો જન્મ થયો ત્યારે આપણે માનતા પૂરી કરવા આવી જ રીતે નીકળ્યાં હતા ત્યારે બેઠાં હતાં. પંકજને આપણે તેડીને પગપાળા જતા હતા નહિ. અને વારફરતી તેડવા માટે આપણે મીઠો ઝગડો પણ કરતાં.” કહીને મંદાબેન આંબલીના ઝાડ ઉપર જોઈ રહ્યા હતા.

“ યાદ તો હોય જ ને!! પંકજ હજુ છ મહિનાનો જ હતો. તારે આ આંબલીના કાતરા ખાવા હતા. મે આંબલી પર ચડીને કાતરા ઉતાર્યા હતા અને તે ખાધા હતા. કેવા સુખના દિવસો હતાં. આપણી એ પહેલી માનતા હતી દેવીના દર્શને પગપાળા ચાલીને જવાની” ચુનીલાલ બોલતા હતા અને એની આંખોમાં ગમગીની છવાઈ. થોડીવાર પછી દંપતી પાછુ એકમેકની હૂંફના સહારે રસ્તા પર આગળ ચાલવા લાગ્યું.

ચુનીલાલને લાંબા સમય સુધી કોઈ સંતાન નહોતું. એ માટે એણે માનતા રાખી હતી. એ પછી થોડા વરસો પછી પંકજનો જન્મ થયો. પ્રસુતિ વખતે મંદાને ખુબ તકલીફ પડી હતી. હોસ્પીટલની બહાર ચુનીલાલ આખી રાત બેસી રહ્યા હતા. નર્સ થોડી થોડી વારે આવતી હતી. ચુનીલાલને કાગળ આપતી ચુનીલાલ બાજુમાં જ રહેલા મેડીકલ સ્ટોરમાંથી દવાઓ લાવતાં હતા. અને નર્સને પૂછતાં હતા કે મારી મંદાને કશું નહિ થાય ને?? નર્સ સધિયારો આપતી કે બ્લડ પ્રેશરની વધઘટ થયા કરે છે નહીતર ડીલીવરી ક્યારનીય કરાવી દીધી હોત!! લગભગ રાતના ત્રણેક વાગ્યે હોસ્પીટલમાંથી બાળક રડવાનો અવાજ આવ્યો.. થોડી વાર પછી નર્સ દોડતી દોડતી બહાર આવી અને ચુનીલાલને ખુશખબરી આપી હતી અને ચુનીલાલ એકદમ રાજીના રેડ થઇ ગયા હતા નર્સને એણે સો રૂપિયા બક્ષિસના આપ્યાં હતા અને મનોમન દેવી માતાને યાદ કર્યા. રૂમની બારીમાંથી એણે મંદાનું મોઢું જોયું હતું. મંદાની આંખમાં આંસુ હતા પણ હરખના આંસુ હતા. અને પછી એ રૂમની બહાર આવેલ બાંકડા પર ઘસઘસાટ ઊંઘી ગયા. સવારે આઠ વાગ્યે એ જાગ્યા અને પેલી વાર પોતાના બાળકને હાથમાં લીધું હતું. આંખો મીંચીને સુતેલા બાળકને ચુનીલાલ ચૂમી રહ્યા હતા. પિતાના હાથમાં જયારે પહેલીવાર પોતાનું સંતાન આવે અને જે ખુશી હોય એવી ખુશી જીવનમાં બીજી કોઈ હોઈ જ ના શકે. બસ પછી તો છ માસનો પંકજ થયો એટલે માનતા પૂરી કરવા એ મંદા સાથે ચાલી નીકળ્યા હતાં. કેવા ખુશીના દિવસો હતા એ!! ટેકરી પર જઈને મંદાએ ખોળો પાથર્યો હતો. પંકજને સુવડાવ્યો હતો. વધેરેલા શ્રીફળનું પાણી પંકજને પાયું હતું. પછી તો બે ય પતિ પત્ની પંકજને તેડીને ક્યાય સુધી ટેકરી પર આંટા માર્યા અને મંદિરના પુજારીને મોટી એવી ભેટ ધરાવી હતી અને જીવનની પહેલી માનતા પૂરી કરી હતી.

ચુનીલાલ અને મંદાબેન ધીરે ધીરે ચાલ્યાં જતા હતા. એક નાનકડું ગામ આવ્યું ત્યાં એક પરબ હતું ત્યાં એ બેઠા અને ચુનીલાલ બોલ્યાં. “ યાદ છે પંકજના માધુરી સાથે લગ્ન કરીને સીધો આપણને મળવા આવ્યો હતો. આપણે તો એનો સંબંધ અને લગ્ન થાય એ માટે પાછી માનતા માની હતી પણ દીકરો એની મેળે જ પરણી ગયો હતો.” જવાબમાં મંદાબેનના મોઢા પર સહેજ સ્મિત આવી ગયું પણ એ કશું બોલ્યાં નહિ!! વળી બને થોડીવાર પછી ચાલવા લાગ્યા અને ભૂતકાળમાં ખોવાઈ ગયાં!!

Image Source

પ્રાથમિક શાળામાં પંકજ ભણવામાં હોંશિયાર હતો. ધોરણ આઠથી એ અમદાવાદ એના મામાને ત્યાં ભણવા ગયો હતો. ધોરણ બારમાં પંકજને સારા ટકા આવ્યાં હતા અને અમદાવાદમાં જ એક સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એને એડમીશન મળી ગયું હતું. પંકજ વેકેશનમાં જ ઘરે આવતો બાકી અમદાવાદ જ રહેતો. પંકજભાઈ દીકરાની પ્રગતિથી ખુબ જ ખુશ હતા. હવે ચુનીલાલ અને મંદાબેન પંકજ માટે યોગ્ય વેવિશાળ ગોતવા લાગ્યાં હતા. પંકજનું ફાઈનલ યર પૂરું થયું અને એક દિવસ એના સાળાનો ફોન આવ્યો ચુનીલાલ પર!!

“ચુનીલાલ ભાણીયો પરણી ગયો છે.. એની સાથેજ ભણતી એક છોકરી સાથે પરણી ગયો છે. છોકરીના પાપા સાથે મેં કાલે જ વાત કરી. ભાણીયો અને ભાણેજ વહુ કાલે જ તમને મળવા આવી રહ્યા છે.. ચુનીલાલ જમાનો બદલાયો છે. મારી બહેન અને તમે આ સ્વીકારી લે જો!! વહુ સારી એવી ગોતી છે નામ એનું માધુરી છે!! ચાલો ફોન મુકું છું” ચુનીલાલ અવાક બની ગયા. મન થોડું ખિન્ન થઇ ગયું. મંદાબેનને વાત કરી તો એ પણ સાંભળીને સ્તબ્ધ બની ગયા થોડી વાર રહીને ચુનીલાલ બોલ્યાં.

“દેવીમાએ માનતા બહુ જલદી પૂર્ણ કરી દીધી છે. આજની નવી પેઢી કહેવાય. ભાગીને પણ લગ્ન કરી લે. પણ એવું ના કર્યું.ભલે લગ્ન કરી લીધાં પણ મળવા તો આવે જ છે ને!! અને આમેય તારો ભાઈ કહેતો હતો કે છોકરી ખુબ સારી છે પછી શું વાંધો હોય આપણને???” મંદાબેન ત્યારે કશું પણ બોલ્યાં નહિ કે એ રાતે એ જમ્યા પણ નહિ!!

પણ જયારે પંકજ માધુરીને લઈને આવ્યો ત્યારે મંદાબેનનો ગુસ્સો ઉતરી ગયો.પોતે બધું જ ભૂલીને માધુરીના કંકુ પગલા કરાવ્યા. આજુ બાજુની સ્ત્રીઓને ભેગી કરીને મંદાબેને હરખના પેંડા પણ વહેંચ્યા અને ચા પણ પાઈ દીધી. બે દિવસ પછી માધુરીના પાપા પણ આવ્યાં. એ અહીંથી લગભગ ત્રીસેક કિલોમીટર દૂર આવેલ એક ગામડામાં રહેતા હતા.એને મળીને ચુનીલાલ વધારે ખુશ થયા. માધુરીના પિતા રણછોડભાઈ બોલ્યાં.

“ મારી દીકરીએ ચાર વરસ પહેલા મને વાત કરી હતી. પછી તો હું અમદાવાદ જઈ આવ્યો. જમાઈ મને એ વખતે જ ગમી ગયાં હતાં. વળી મારા જ ગામના પ્રાથમિક શાળાના બે સાહેબોનું વતન અમદાવાદ હતું. એને મેં પંકજ વિશેની માહિતી લેવાનું સોંપ્યું. એ બધાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો કે પંક્જમાં કોઈ જાતનો વાંધો નથી. છોકરો પોતાની રીતે આગળ વધી શકે એમ છે અને વળી હોંશિયાર પણ છે. એટલે મે માધુરીને લીલી ઝંડી આપી. તમારા વિષે પણ માહિતી મને મળી જ ગઈ હતી. તમે અને વેવાણ તો તમારા છોકરા કરતાં પણ સીધા નીકળ્યા. બસ અને માધુરીની ઈચ્છા લવ મેરેજની હતી એટલે મે જ એમને કહ્યું હતું કે તમે બને ખુશી થી પરણી જાવ પછી હું બધું સંભાળી લઈશ!!” અને પછી તો રણછોડભાઈ બે દિવસ ચુનીલાલ સાથે રોકાયા. ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. પંકજને એક જગ્યાએ જોબમાં પુના જવાનું હતું. કેમ્પસ સિલેકશનમાં એનો વારો આવી ગયો હતો. એ માધુરી સાથે પુના જવાનો હતો ત્યારે જ ચુનીલાલે માનતા સંભારી હતી!! પંકજ તો ના આવ્યો પણ માધુરી તૈયાર થઇ ગઈ!! સાસુ વહુ અને સસરા ત્રણેય ચાલીને દેવીમાતાના મંદિરે આવ્યાં હતા!! માધુરી મંદા બેનને ખુબજ સાચવતી હતી. જોઇને મંદા બહેન ધન્યતા અનુભવતા હતા. મંદિર ઉપર દર્શન કરીને મંદા બહેન બોલ્યા.

“ બેટા તારો ખોળો ભરાયને ત્યારે હું ફરીથી અહી ચાલતી આવીશ!!” ચુનીલાલ પણ રાજીના રેડ થઇ ગયા હતાં. પંકજ રવાના થયો ત્યારે માધુરીએ કહેલું કે પાપા અને મમ્મી ટૂંક સમયમાં જ તમને તેડાવી લઈશું. બસ હવે તમારે ત્યાં આરામ કરવાનો છે. અને પછી બને જણા પુના શિફ્ટ થઇ ગયા!!

Image Source

પુના ગયા પછી વરસ દિવસે પંકજ એકાદ વાર આવતો. સાતેક દિવસ રોકાય અને વળી પોતાની નોકરીએ વળગી જતો. માધુરીને ત્યાં સંતાનનો જન્મ થયો. સમાચાર મળ્યા કે તરત જ બીજે દિવસે ચુનીલાલ અને મંદાબેને દેવીમાની માનતા પૂરી કરી હતી.જીવનની આ તેની ત્રીજી માનતા હતી.માનતા પૂરીને તેઓ પુના ગયા હતા. એક આલીશાન ફલેટમાં પંકજ અને માધુરી રહેતા હતા. અઠવાડિયા સુધી છોકરાને રમાડ્યો અને પછી બને એ જવા માટે રજા લીધી હતી ત્યારે પંકજ બોલ્યો!!

“ પાપા કંપની મને પ્રમોશન આપી રહી છે બે મહિના પછી હું બેંગ્લોર શિફ્ટ થઈશ. ત્યાં મને એક બંગલો પણ મળશે પછી હું તમને તેડી જઈશ. ઉપરાંત કંપની માધુરીને પણ જોબ આપવાની છે. પછી અમે બને જોબ પર જઈશું અને અને નાના સ્મિતને તમે સાચવજો” સાંભળીને ચુનીલાલ અને મંદાબેન રાજીના રેડ થઇ ગયા હતા. ભવિષ્યના સોનેરી સુખમાં એ ખોવાઈ ગયા હતાં. બને વતનમાં પાછા આવ્યાં હતાં.

ત્રણ મહિના પછી અચાનક જ એક વખત રણછોડભાઈનો ફોન આવ્યો અને ચુનીલાલ ધ્રુજી ઉઠ્યા. રણછોડભાઈ ફોન પર બોલેલા. “ચુનીલાલ તમારા પુત્રે લખણ ઝળકાવ્યા છે. પુનામાં જ્યાં એ નોકરી કરે છે ત્યાની એક સ્ત્રી કર્મચારી સાથે એને લફરું થઇ ગયું છે. એ રાતે ઘરે મોડો આવતો અને પેલી છછુંદરને ત્યાં પડ્યો પાથર્યો રહેતો હતો!! માધુરીને રોજ રાતે મારતો હતો તમારો લખણવંતો નાલાયક. મારી દીકરી બિચારી બોલતી નહોતી આ તો હું શિરડી અને નાસિક ગયો હતો ફરવા અને મને થયું કે લાવને સરપ્રાઈઝ આપું અને ત્યાં ગયો અચાનક જ!! અને દીકરીની હાલત જોઇને દુઃખી થયો. માધુરીએ બહુ ઓછી વાત કરી પણ એના અંદર રહેલા દુઃખને હું ઓળખી ગયો. બાજુવાળા ને પૂછ્યું અને એણે જે વાત વાત કરી અને હું કાંપી ગયો. મારી દીકરીના શરીર પર બેલ્ટના નિશાન હતાં. હું મારી દીકરીને કોઈ કાળે એ દાનવ પાસે નથી મોકલવાનો..ચુનીલાલ આમાં તમારો કોઈ વાંક નથી એટલે હું તમને વિશેષ નહિ કહું. મારી દીકરી સ્મિતને લઈને મારી સાથે આવી ગઈ છે. એને તો હજુ ત્યાં રોકાવું હતું પણ હું હવે મારા નિર્ણયમાં અફર છું. તમારા લાડલાને સમજાવી દેજો કે પ્રેમથી માધુરીને છૂટાછેડા આપી દે કોઈ જ વાયડાઈ ન કરે બાકી હું સાચો થયો તો એ લખણવંતાને પુના જઈને બરડો સોજવાડી દઈશ. હું સારો ત્યાં લગણ જ સારો બાકી આ રણછોડ બગડ્યો એટલે કોઈનો નહિ” આ સાંભળીને થીજી ગયા ચુનીલાલ. મંદા વાત સાંભળીને રોઈ પડી. બીજે જ દિવસે બને જણા રણછોડભાઈને ત્યાં ગયાં. ખુબ કરગર્યા ત્યારે રણછોડભાઈ એ ઘરની અંદર આવવા દીધાં!!

રણછોડભાઈએ બધી જ વાત કરી.પોતાનો રોષ પ્રગટ કર્યો. પણ જયારે અંદરના ઓરડામાં માધુરીને મંદાબેન મળ્યાને ત્યારે એ ચોંકી ઉઠ્યા. માધુરી ગળીને સાંઠીકડું થઇ ગઈ હતી.એના બરડા પર કાળા કાળા સોળ ઉપસી આવ્યા હતા. નાનો સ્મિત પણ સાવ સુકાઈ ગયો હતો. મંદાબેન અને ચુનીલાલે માફી માંગી અને છેલ્લે કહ્યું બે હાથ જોડીને
“સ્મિતને અમે લેતા જઈએ. માધુરીની ઉમર નાની છે તમે એને ગમે ત્યાં પરણાવી દેશો. અમે બીજું શું કરી શકીએ” જવાબમાં રણછોડભાઈ બોલ્યાં.

“ એ છોકરો પણ અમારી પાસે રહેશે.. હું સંબંધ કાપું એની સાથે મૂળિયાથી કાપી નાંખું છું. તમે અત્યારે એને લઇ જાવ પછી મોટો થાય એટલે અહી મામાને ઘેર આવરો જાવરો થાય કે નહિ. તમારા કુટુંબનું હું મોઢું પણ જોવા માંગતો નથી. સ્મિત નાનો છે એને કશી ખબર નથી એ અહીં જ મોટો થશે. તમારે હવે આ બાજુ આવવાની જરૂર પણ નથી. પંકજ સુધરે કે ના સુધરે!! આપણા સંબંધો પુરા!! તમે તમારું ફોડી લો અમે અમારું ફોડી લઈશું!! ચાલો હવે તમે નીકળો!! આ દિશા હવે ભૂલી જ જજો” અને ચુનીલાલ અને મંદાબેન નીકળી ગયા હતા!!

Image Source

પછી તો ચુનીલાલ એકલા પુના જઈ આવ્યાં. પંકજ ફલેટમાંથી એક બંગલામાં રહેવા ગયો હતો. બંગલો એની નવી ઘરવાળીનો હતો. પંકજને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ ન સમજ્યો અને એ રાતે જયારે ચુનીલાલે એ બંગલામાં જ એક પાર્ટી જોઈ. ટૂંકા ટૂંકા કપડામાં પંકજના દોસ્તો અને એની પેલી નવી વહુ એની જેવી જ છોકરીઓ સાથે શરાબની મોજ માણી રહ્યા હતા. બધા ડીજેના તાલે જુમી રહ્યા હતા. પંકજ બગડીને બેહાલની કેટેગરી વટાવી ચુક્યો હતો. ઈન્સાનિયત હેવાનિયત બની ગઈ હતી. રાતે જ ચુનીલાલે પુના છોડ્યું પણ ઘરે આવીને ખાસ કશું કહ્યું નહિ!! અને કહેવા જેવું હતું પણ ક્યાં??? બસ પછી તો ના પંકજે એનો કોન્ટેક કર્યો કે ના ચુનીલાલે!! ગામમાં બધા ચુનીલાલની દયા ખાતા હતા કે જેણે જીવનમાં એક પણ પાપ નહિ કર્યું હોય એની એકની એક પ્રજા સાવ આવી પાકે!!

અને હવે ચુનીલાલ અને મંદાબેન ટેકરી પર પહોંચી ગયા હતા. જીવનની છેલ્લી અને ચોથી માનતા એણે પૂરી કરી હતી. આ માનતામાં એ રીતસરના થાકી ગયા હતા. શ્રીફળ વધેરીને માનતા પૂરી કરીને પતિ પત્ની બને મંદિરના પગથીયા પાસે બેઠાં. બેયના આંખમાંથી ચોધાર આંસુઓ પડી રહ્યા હતા. પાછા ભૂતકાળમાં ખોવાયા હમણાના જ ભૂતકાળમાં ખોવાયા!!

પાંચ વરસ પછી ચુનીલાલ પર કોલ આવ્યો કે પંકજ પુનાની સરકારી હોસ્પીટલમાં સબડે છે એને લઇ જાવ!! મંદાએ ના પાડી કે એ કપાતરનું અહી કામ નથી.. માધુરીના શરીર પર એણે થયેલી ઈજાઓ જોઈ હતી ભલે એ સગી મા હતી પણ મંદા સમજુ હતી. પણ તોય ચુનીલાલ ગયા. અને ત્યાં જે જોયું એનાથી એ રીતસરના ડઘાઈ ગયા. પંકજ ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઇ ગયો હતો. એની નવી પત્નીએ તમામ રોકડ રકમ લઈને રઝળતો કરી દીધો હતો. એકી સાથે બે ભયાનક રોગ થયા હતા. કંપની વાળાએ તો ક્યારનોય છૂટો કરી દીધો હતો. એક સેવાભાવી સંસ્થા એને સારવાર માટે લાવી હતી. પણ હવે હોસ્પિટલવાળા પણ રાખવા તૈયાર નહોતા .પંકજનું આખું શરીર સડતું હતું. દુર્ગંધ મારતું હતું. હોસ્પિટલ વાળા એ કહી દીધું કે ઘરે લઇ જઈને સેવા કરો!! એમ્બુલન્સમાં પંકજને ઘરે લાવ્યાં. ગામ આખામાં પંકજ પર ફિટકાર વરસતો હતો. શરુઆતમાં ચુનીલાલે અને પછી મંદાએ પંકજની સેવા શરુ કરી!!

હવે પંકજ પીડાતો હતો.. ચિત્કાર કરતો હતો.. પાગલની જેમ વર્તતો હતો.. કલાકે કલાકે પોક મુકીને રોતો હતો..ધીમે ધીમે બધાને ઓળખતો પણ બંધ થઇ ગયો.. બસ પાગલની જેમ ચીસો પાડે… સ્થિતિ વણસતી જતી હતી!!! પંકજ ખુબ જ યાતના અનુભવતો હતો. લોકો હવે ઘરે આવતા પણ બંધ થઇ ગયા હતા.. પંકજના શરીરમાંથી આવતી દુર્ગંધ વધતી જતી હતી!! અને ચુનીલાલે છેલ્લી માનતા માની જીવનની ચોથી માનતા માની!!

“ હે દેવીમાં હવે તારા આગળ અમે હાથ જોડીએ છીએ પણ મારા દીકરાને હવે શાંતિ આપી દે.. અમે તારે ત્યાં ચાલીને આવીશું.. બસ દેવીમાં તમે મારી બધી મનોકામના પૂર્ણ કરી બસ આ છેલ્લી માનતા પૂરી કરી દ્યો..એવું લાગે તો દીકરાની સજા મને આપો પણ આને હવે શાંતિ આપો..એનું દુખ નથી જોવાતું હવે..સગો દીકરો રીબાતો હોય તો ક્યાં બાપને સુખ હોય”!!

અને બે દિવસ પહેલા જ પંકજનું અવસાન થયું. છેલ્લી માનતા પણ ફળી ગઈ હતી. અગ્નિસંસ્કાર કરીને ચુનીલાલ મંદાબેન ચોધાર રડ્યા હતાં. અને આજે માનતા પૂરી કરવા આવ્યાં હતાં!! બને પતિ પત્ની આંખો મીંચીને મંદિરને ઓટલે રડી રહ્યા હતા!! આજ તેઓ આખી જિંદગીનું રડી લેવા માંગતા હતાં!! જીવનમાં તેઓ કોઈનેય નડ્યા નહોતા બસ ભાગ્યે તેમને રડાવ્યા હતા!! અચાનક તેમની આગળ કોઈ ઉભું હોય એવો આભાસ થયો એક અવાજ આવ્યો!!
“દાદા!!” એ ય “દાદા”

Image Source

મંદા બેને અને ચુનીલાલે આંખો ખોલી એની સામે છ વરસનો એક બાળક ઉભો હતો અને વિસ્મયથી તેની સામે જોઈ રહ્યો હતો. મંદાબેને આજુ બાજુ જોયું.દુર લીમડાના ઝાડ પાસે માધુરી ઉભી હતી અને એ બોલી ઉઠ્યા!! “અરે આ તો સ્મિત છે આપણો સ્મિત!! એની માધુરી સાથે આવ્યો છે” અચાનક ભાંગી પડેલા ચુનીલાલના શરીરમાં એક શક્તિ આવી ગઈ અને એણે સ્મિતને તેડી લીધો અને વ્હાલ કર્યું. માધુરી નજીક આવી અને સાસુ સસરાને પગે લાગી અને બોલી!
પરમ દિવસે જ અવસાનના સમાચાર મને મળ્યાં હતા. પાડોશમાં રહેતા નીતાભાભી સાથે હું કોન્ટેકમાં હતી. કાલે જ મેં મારા પિતાજીને કીધું કે હવે હું મારા ઘરે જવા માંગું છું.. જેની સામે મને અને તમને વાંધો હતો એ વ્યક્તિ હયાત જ નથી તો પછી એની સજા મારા સાસુ સસરાને શું કામ આપવી? મારા પિતાજીને મેં એ પણ કહ્યું કે સતત માનતા રાખવાવાળા અને સાચા શ્રદ્ધાવાન મારા સાસુ સસરાની આવી હાલત થાય તો કોણ દેવી માતાની માનતા માનશે!! શ્રધા તૂટી જશે!! માણસમાં જ્યાં સુધી શ્રદ્ધા વસે છે ત્યાં સુધી જ એ માણસ છે. જેવી શ્રદ્ધા તૂટી કે એ હેવાન બની જાય છે. આજે નીતા ભાભી સાથે વાત કરી એણે જ મને કહ્યું કે તારા સાસુ સસરા તો માનતા પૂરી કરવા ગયાં છે એટલે મેં મારા પાપાને કહ્યું કે મને અહી મૂકી જાવ એ ટેકરી નીચે મુકીને હમણાં ગયા અને મને કીધું કે હું મારો નિયમ નથી તોડતો.. એ કુટુંબ સાથે મારે કોઈ નિસ્બત નથી બસ તને અહી જ મૂકીશ! અને એ ચાલ્યા ગયા હું સ્મિત સાથે ઉપર આવી છું” માધુરી બોલી અને મંદાબેન એને ભેટી પડ્યા. ચુનીલાલ નો સઘળો બોજ ઉતરી ગયો હતો. સ્મિતને તેડીને એણે ફરીથી દેવીમાંના દર્શન કર્યા!! નાનકડો સ્મિત પણ દાદાજીને અહોભાવથી જોઈ રહ્યો હતો!!

કલાક પછી સાસુ વહુ અને સસરા મંદિરના ટેકરીના પગથીયા ઉતરી રહ્યા હતા!! દાદાજીની આંગળી પકડીને સ્મિત ઉત્સાહથી ચાલતો હતો. વચ્ચે વચ્ચે મંદાબેન પરાણે એને તેડી લેતા હતા હતા!! માતાજીએ વગર માનતા એ પોતાના વારસનો મેળાપ કરાવી આપ્યો એનો ખુબજ આનંદ ચુનીલાલ ના ચહેરા પર છલકાઈ રહ્યો હતો!!

“ જ્યાં સુધી માણસમાં કોઈના પ્રત્યે પણ શ્રદ્ધા હોય ને તો જ એનામાં માણસપણું ટકી રહે છે..શ્રદ્ધાનો સદંતર અભાવ માણસમાંથી હેવાન સર્જે છે. સહુની શ્રદ્ધા અલગ અલગ હોઈ શકે. પણ શ્રદ્ધાનો હેતુ એક જ હોય છે અને એ છે માનવ કલ્યાણ!!!”

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks