મુકેશ સોજીત્રા લેખકની કલમે

જિંદગીના પતા એ હમેશા પોતાની મરજી મુજબ જ ચાલ્યો હતો!! બસ પછી એ ખુબ જ ખુશ હતો!! – વાંચો છેલ્લી બાજી

આનંદ ફેકટરીએથી ઘરે આવ્યો. સુજાતાએ પાણી આપ્યું. ફળીયામાં રમતો અંશ આનંદ પાસે આવ્યો અને આનંદે તેને ઊંચકી લીધો. થોડીવાર ફળિયામાં જ અંશને તેડીને આનંદે આંટા માર્યા ત્યાં સુજાતાએ કહ્યું.

“અંશ બેટા ચાલ હવે લેશનનું મોડું થાય છે, અને પાપા પણ ફેકટરીએથી થાકીને આવ્યાં હશે એને નાહી ધોઈને ફ્રેશ થવા દે!! ચલ લેશન કરી લે પછી પાપા તને આજી ડેમ ફરવા લઇ જશે” અંશને નીચે ઉતારી આનંદ નહાવા જતો રહ્યો. આનંદ હજુ બાથરૂમમાં જ ન્હાતો હતો ત્યાંજ એનો મોબાઈલ રણકી ઉઠ્યો. સુજાતાએ મોબાઈલના સ્ક્રીન પર જોયું પીન્ટુનો કોલ હતો. એણે ફોનમાં જવાબ આપ્યો.

“એ ન્હાવા ગયા છે પીન્ટુભાઈ!! કેમ છે તમારી તબિયત!! સારીને?? એ હમણાં તમને કોલ કરશે!! બોલો બીજું કઈ અરજન્ટ કામ તો ન્હોતુને???” આનંદ નાહીને બહાર આવ્યો અને સુજાતાએ પીન્ટુના ફોનની વાત કરી. શરીર પર ટુવાલ ઘસતા ઘસતાં જ આનંદ બોલ્યો.

“ છેલ્લા સ્ટેજનું કેન્સર હવે પીન્ટુને મટે એમ છે નહિ. સમાચાર છે કે એ હવે છેલ્લાં દિવસો ગણવા માટે ગામડે આવી ગયો છે. ગામની છેડે આવેલ પુંજા પગીના ખાલી પડેલ મકાનમાં એ અઠવાડિયાથી રહે છે એમ એના છેલ્લા સમાચાર હતાં. પુંજા પગીની બાજુમાં જ રહેતા જમના ડોશી એને રોટલા ઘડી દે છે. બાકી સગા કુટુંબ સાથે તો પીન્ટુ ને બારમો ચંદ્રમાં છે એટલે હવે સાચવે એવું તો કોઈ છે નહિ થોડા ઘણાં પૈસા કદાચ જોઈતા હોય એટલે ફોન કર્યો હશે.. બીજું તો એને શું કામ હોય??” આનંદ બોલતો રહ્યો અને સુજાતા સાંભળતી રહી પછી એ રસોડામાં ચા બનાવવા ચાલી ગઈ. ચા તૈયાર થઈ એટલે એ કપ લઈને આવીને આનંદની બાજુમાં બેસીને બોલી.

“તમે તો એના લંગોટિયા ભાઈબંધ છો હું તો તમારી સાથે લગ્ન થયા ત્યારથી પીન્ટુભાઈને ઓળખું છું. ગામ કે બીજા ભલે ગમે એમ વાતો કરે બાકી પીન્ટુભાઈએ કોઈની સામે હાથ લાંબો કરે અને એ પણ પૈસા જેવી બાબતમાં એ હું માનવા તૈયાર નથી. એ પોતાની મરજીથી જીવે છે. અને બધાનો ઘસારો ખમે છે. કોઈનેય ઘસારો આપવાનો એણે કોઈ દિવસેય વિચારેય નહિ કર્યો હોય!! આપણે રાજકોટમાં આ મકાન રાખવું હતું ત્યારે પાંચ લાખ કાઢીને આપ્યા હતા એ ભૂલી ગયા?? અને જયારે જયારે આપણે અમદાવાદ જઈએ ત્યારે એની કાર અને એ આપણી સેવામાં હાજર જ હોય!! હજુ ત્રણ વરસ પહેલા આપણે અમદાવાદ ગયા ત્યારે એણે કેવી સરભરા કરી હતી!!. અને આ અંશ માટે પણ કેવા મોંઘા દાટ કપડા પણ એણે મોલમાંથી લઇ દીધા હતા. આવું બધું ભૂલી ન જવાય” સુજાતાની વાત કાપતા જ આનંદ બોલી ઉઠ્યો.

“એ બધા દિવસો હવે ગયા. આપણને એણે મદદ કરી એ વાત પણ સાચી. પણ બે વરસમાં આપણે એને પૈસા ચૂકવી દીધા હતા ને!! એ વખતે એની પાસે અઢળક પૈસા પણ હતા. પણ મૂળમાં એના ધંધા જાકુબનાને એટલે જાકુબનો પૈસો ચંચળ બહુ હોય એ ના ટકે!! હવે એની પાસે ફૂટી કોડીય વધી નથી નહિતર અમદાવાદ મુકીને એ ગામડે શું કામ આવે?? છેલ્લા વરસ દિવસથી કેન્સરની દવા કરાવે છે. બધો જ પૈસો એમાં ખર્ચાઈ ગયો. હું એને ના પાડતો કે એલા આ બધું નહિ સારું!! સાંજ પડે એટલે માપ બારનું પીવાનું અને પછી ઢાંઢાની જેમ ખાવાનું!! આ બધાનો પરચો શરીર તમને છેલ્લે બતાવે જ!! કેન્સર થાય એટલે પછી માણસ કેન્સલ થાય જ!! એને આગળ પાછળ કોઈ છે તો નહિ એટલે વાંધો નહિ!! બાકી લગ્ન કર્યા હોય ને તો બાયડી અને છોકરાને ભીખ માંગવાનો વારો આવે વારો એ તને નથી ખબર!! તું એ પીન્ટુ ને નથી ઓળખતી!!” ચહેરા પણ અણગમાના ભાવ સાથે આનંદ સુજાતાને વળતો જવાબ આપી રહ્યો છે!! જવાબમાં સુજાતા હસી અને બોલી.

“ મારે તો એની સાથે દસ વરસથી જ પરિચય એટલે હું એને હજુ બરાબર ન ઓળખું એ સ્વાભાવિક છે પણ તમે તો એના લંગોટિયા ભાઈબંધ તો ય એને ન ઓળખી શકયા એનો મને અફસોસ છે” હજુ આનંદ કઈ બોલવા જાય ત્યાં ફોન પાછો રણકયો. આનંદે ફોન ઉપાડ્યો અને સામે છેડેથી પીન્ટુ બોલ્યો!!

“ કેમ હાલે છે અલ્યા આનંદા!! અલ્યા ગામડે આવી ગયો છું. ચાર પાંચ દિવસ ફ્રી થઈને આવ મળવા!! અને હા એક કામ હતું. એકાદ લાખ પડ્યા હોય તો લે તો આવજે ને!! એક બે જણા પાસેથી ઉછીના લીધા છે ને એ પાછા આપવા છે!! એકાદ મહિનામાં તને પાછા આપી દઈશ!! એક કામ કર ભાભી અને છોકરાને લઈને આવજે!! એ ય મજા આવશે!! જુના દિવસો યાદ કરીશું ને મોજ મસ્તીને ધુબાકા કરીશું” પીન્ટુ પોતાની સ્ટાઈલથી બોલતો હતો.

“ યાર તું ફક્કડ ગિરધારી અને હું જવાબદારી વાળો માણસ!! એમ કઈ ચાર પાંચ દિવસ રેઢા પડ્યા છે તે હું ગામડે આવું?? વરસે એક દિવસ માંડ બા બાપુજીને મળવાનો સમય મળે છે. ફેકટરી આખી મારા પર જ હાલે છે. શેઠ મને એક દિવસની ય રજા ન આપે!! અને મેં સાંભળ્યું છે કે હોસ્પીટલમાંથી ડોકટરે તને રજા આપી દીધી છે!!” આનંદ પૂરી ગંભીરતાથી બોલતો હતો.

Image Source

“ તું તો ભાઈ વડાપ્રધાન કરતા પણ વધારે બીઝી ભાઈ!! તારું તો કેવું પડે હો!! રાજકોટ જઈને તું તો સાવ બદલાઈ ગયો ભાઈ!! કાઈ વાંધો નહિ નો આવી શકાય પણ લાખેક રૂપિયાનો મેળ તો કરવો જ પડશે!! મહિનાની અંદર તને પાછા આપી દઈશ” પીન્ટુએ વળી પાછી પૈસાની વાત કરી.

“ લાખ તો શું અહિયાં હજારનો પણ મેળ થાય એમ નથી. રાજકોટ મોંઘુ એટલું કે અહી પગાર તો ચણા મમરા જેવો ગણાય!! બીજા સીટી કરતાં રાજકોટ ડબલ મોંઘુ છે. વળી પાછા ખર્ચા પણ આવે કે નહિ??? એકાદ મહિનો તો પૈસાનો જરા પણ મેળ ખાય એમ નથી!! તું કંઇક બીજી વ્યવસ્થા કરી લે જે!!” આનંદે ઘસીને અને ઠેકીને એમ ડબલ ના પાડી દીધી.

“ લાખ ન થાય તો ખાલી વીસ હજારનો મેળ કરી દે તો પણ ચાલશે, મારે કપાણ છે થોડો સમય પુરતી જ બાકી તારી પાસે શું હું કોઈની પાસે નો માંગુ એ તો તને ખબર છે ને??” પીન્ટુ એમ સહેલાઈથી પૈસાની વાતનો છાલ છોડે એમ નહોતો! અરે થાય એમ જ નથી!! એ સિવાયની બીજી વાત કર તું!! બીજું કોઈ કામ હોય તો કહે પણ આ પૈસાનો મેળ નહિ પડે” સામેથી ફોન કટ થઇ ગયો અને વળી આનંદ બોલ્યો.

“બધું ગયું પણ વળ નો ગયો!!. લ્યો નસીબદારના દીકરાએ ફોન કાપી નાંખ્યો. તે ભલેને કાપી નાંખ્યો. મારે એની શી જરૂર છે ?? પીન્ટુ વગરનું મારે શું અટકી પડે એમ છે??” આનંદ રોષમાં બોલતો હતો. સુજાતા બોલી. “ હું તો કહું છું કે આપણી પાસે સગવડ તો છે તો લાખ નહિ પણ પચાસ હજાર આપી દયોને મહિના પછી એ પાછા આપી દેશે. તમે અને સાગર સિવાય એ બીજા કોઈને કુટુંબ ગણતો જ નથી ને!! અણીના સમયે ભાઈબંધને મદદ કરવી જોઈએ” અને તરત જ આનંદ ગરજી ઉઠ્યો.

“ તારે કમાવવા જવું છે?? ખબર પડે છે કે પૈસો કેમ ભેગો થાય?? તું તો જાણે એમ વાત કરે છે કે મને પરણીને આવી ત્યારે તારા બાપા પાસેથી પૈસાનો ખજાનો નો લાવી હોય?? આ બધું રળી રળીને મેં ભેગું કર્યું છે. તું તારા બાપના ઘરેથી પૈસા નથી લાવી કે તું કે એને હું દાન કરી દઉં. મેં તને કેટલી વાર કીધું કે પૈસાની બાબતમાં મારે તારી સલાહની જરૂર નથી. તને એનું બહુ દાઝતું હોય તો તારા બાપ પાસેથી મંગાવી લે પૈસા અને આપી દે એને” સુજાતા ચુપ થઇ ગઈ એને કહેવાનું તો ઘણું મન થયું કે મારા બાપાએ આવડી મોટી કરીને તો તમારી સાથે વળાવી છે. એ શું કામ પૈસા આપે પણ એ ન બોલી આજે આજે અંશને લઈને આજી ડેમ જવાનું હતું એ પ્રોગ્રામ એને બગાડવો નહોતો એ ચુપ થઇ ગઈ.
કલાક પછી બાઈક પર અંશ અને પત્ની સાથે આનંદ આજી ડેમ પર હતો અને પરિવાર સાથે મજા માણી રહ્યો હતો ત્યાં જ એનો ફોન રણક્યો. જોયું તો સાગરનો ફોન હતો. આનંદે ફોન ઉપાડ્યો સામેથી સાગર બોલ્યો.

“ અલ્યા હું ગામડે જાવ છું ચારેક દિવસ.. પીન્ટુનો દસ મિનીટ પહેલા જ ફોન આવ્યો હતો. લાખ રૂપિયાનું કહેતો હતો. થોડા હતા મારી પાસે બાકીના ગોતી લીધા. કહેતો હતો કે હવે એને જીવનનો કોઈ ભરોસો નથી છેલ્લી વાર મળી લેવું છે. તનેય એણે ફોન કર્યો હતો. પણ તું નથી આવતો એમ કીધું મને. હું તો કહું છું કે ધંધો તો કાયમ કરવાનો જ છે ને પીન્ટુ ને તકલીફ હોય તો જાવું તો જોઈએને”

“ મારાથી નીકળી નહિ શકાય. અત્યારે પણ હું ફેકટરીમાં જ છું ઓવરટાઈમ કરું છું. પણ તને એક વાત કહું એ હવે લાંબુ જીવવાનો નથી તો તારા લાખ રૂપિયા પાછા કોણ આપશે!! લાગણી બહુ નહિ સારી.. એણે તો મોજ મજા કરી લીધી. પણ તું તારા છોકરાનું પણ નથી વિચારતો ભલાદમી કે સુરત જઈને દાનેશ્વરી કર્ણનો દીકરો થઇ ગયો છો!! કે પછી કમાણી ખુબ વધી ગઈ છે!!” આનંદે સાગરને ઘઘલાવ્યો. જવાબમાં સાગર બોલ્યો.

“પૈસા કરતાં ભાઈબંધ મોટો. પીન્ટુ જેવો હોય એવો પણ એણે આખી જિંદગી ઘસારો ખાધો છે. આ તો મારી પાસે સગવડ નથી નહીતર લાખ શું એની માટે બે લાખ પણ લેતો જાવ!! બાકી પૈસો હાથનો મેલ છે!! આજ છે અને કાલ નથી.. આ તો ભાઈબંધને સાચવી લેવાની વાત છે.. નાણું મળે પણ ટાણું નો મળે એવી વાત છે.. ઓકે તને ઈચ્છા થાય તો એકાદ દિવસ આવી જજે. હું ત્રણ દિવસ ત્યાં રોકાવાનો છું!! આજે સાંજે નીકળું છું!! બાકી બોલ ઘરે બધા મજામાં ને!!” કહીને સાગરે ફોન કાપી નાંખ્યો. ઘડીભર તો આનંદ ખાસીયાણો પડી ગયો વળી પાછો એ બોલ્યો.

Image Source

“અમુકને સામેથી જ સોરાવું હોય તો હું શું કરું??? ખબર છે કે પૈસા પાછા આવે એમ જ નથી અને પીન્ટુને સારું થાય એમ નથી તો પછી સોનાની જાળ પાણીમાં નાંખવાનો શો અર્થ?? પણ સુરતવાળાને જરાય કોમન સેન્સ જ નથી એ વાત સાચી. મારા બટા આમ જ પૈસા ઉડાડી દે!! ભાળ્યા હવે નિષ્ઠાવાનના દીકરા!!” આનંદ બબડતો રહ્યો. સુજાતાને બોલવું હતું પણ એ ના બોલી. વગર કારણે એ ભડકો કરવા રાજી નહોતી અને આમેય સુજાતાને ખબર હતી કે આનંદ એકવાર બોલવાનું શરુ કરે પછી એને મીટર રેતુ નથી એ જેમ તેમ અને જેમ ફાવે એમ બોલવા લાગે છે. આજની સાંજ એ બગાડવા માંગતી નહોતી!!
વાત ને બે દિવસ વીતી ગયાં. ત્રીજા દિવસે સવારમાં આઠ વાગ્યામાં સાગરનો ફોન આવ્યો. આનંદ ફેકટરીએ જવા નીકળ્યો હતો જ!!

“ આનંદ પીન્ટુ અત્યારે અવસાન પામ્યો છે. છેલ્લી ઘડીએ એ તને સંભારતો હતો. બસ કલાક પછી એને અગ્નિદાહ આપવાનો છે. એના બાપાને કહેવડાવ્યું પણ એને ના પાડી દીધી. અને કહ્યું કે મારે તો એક છોકરો અને એક છોકરી જ છે!! પીન્ટુ સાથે મારે કોઈ લેવા દેવા નથી. પણ ગામના ઘણા માણસો ભેગા થઇ ગયા છે. તું આવતો હોય તો રાહ જોઈએ બાકી તો એનું કોઈ સગું સબંધી તો છે નહિ” સાગર ફોન પર રડતો હતો.

આનંદે કહ્યું કે “મારે નિકળાઈ એમ નથી મારા શેઠ બહાર ગયા છે અને આખી ફેકટરી મારે સંભાળવી પડે એમ છે. એમના આત્માને પ્રભુ શાંતિ આપે. તું ત્યાં છો એટલે વાંધો નહિ આવે. કાઈ બીજું કામ હોય તો મારા બા બાપુજીને બોલાવી લે જે!! પ્રભુને ગમ્યું એ ખરું”!! સાગરે રડતા રડતા ફોન મૂકી દીધો!! આનંદે સુજાતાને સમાચાર આપ્યા ને એ ફેકટરીએ જતો રહ્યો. સુજાતાની આંખમાંથી આંસુ નીકળી પડ્યા!!

આનંદ ફેકટરીએ તો ગયો પણ એનો જીવ કામમાં લાગ્યો નહિ. અને આમેય એને ફેકટરીમાં આજ ખાસ કશું કરવાનું હતું નહિ!! કાચો માલ સામાન હજુ કાલ આવે એમ હતો. બસ એ પોતાની ખુરશીમાં બેઠો અને વરસો પહેલાના ભૂતકાળમાં ખોવાઈ ગયો!! પીન્ટુનો ચહેરો એની નજર સામેથી હટતો નહોતો!! એક આખી ફિલ્મ એની આંખ સામે તરવરવા લાગી!!

આનંદ , સાગર અને પીન્ટુ!! પહેલા ધોરણથી જ સાથે ભણતાં!! લંગોટિયા ભાઈ બંધ!! સાગર અને આનંદ ભણવામાં હોંશિયાર જયારે પીન્ટુ પરાણે પરાણે નિશાળે આવતો!! નિશાળમાં પણ પીન્ટુ બધાની ઠેકડી કરે અને બોલીનો એ કોબાડ હતો. માર ભલે ખાવો પડે પણ એને જે કહેવું હોય એ કહી જ દે!! બધા ચોથા ધોરણમાં હતાને ત્યારે નિશાળમાં એક વખત ઇન્સ્પેકશન આવેલું!! તાલુકામાંથી મોટા સાહેબ ઇન્સ્પેકશન કરવા આવ્યા હતા. સાહેબને જાણે શું ય સુઝ્યું કે એણે બાળકોને પૂછ્યું!! “ બાળકો તમને ભણવાની મજા આવે છે ને?? બધા સાહેબો સારું ભણાવે છે ને?? તમારે કોઈ ફરિયાદ નથીને?? અને પીન્ટુ ઉભો થઈને બોલ્યો.

Image Source

“ આ બે બહેનો સિવાય કોઈ તંબુરોય ભણાવતું નથી. આ તો આજ તમે આવ્યાં છો એટલે બધા વહેલા આવી ગયા. બાકી કોઈ ટાઈમે નિશાળે આવતું જ નથી અને આ બે સાહેબો તો નકરો રેડીઓ વગાડે છે!! કા ફિલ્મના ગીત સાંભળે અને કા ક્રિકેટના દીકરા થાય!! હાલો એના ટેબલના ખાનામાંથી તમને રેડિયો લાવી દઉં” આમ કહીને પીન્ટુ રેડિયો લઇ આવ્યો એ સાહેબના ટેબલના ખાનામાંથી!! અને મોટા સાહેબ બરાબરના ખીજાઈ ગયાં!! અને બીજા દિવસે પીન્ટુનો વારો પડી ગયો નિશાળમાં!! પણ તોય પીન્ટુ તો બોલતો જ જાય અને માર ખાતો જાય!!

“ તમે જ શીખવાડ્યું છે કે સાચું બોલવું અને કોઈના બાપથી પણ ના બીવું!!”
અને પછી દર વરસે જયારે ઇન્સ્પેકશન આવે ત્યારે પીન્ટુને નિશાળે આવવા પર પ્રતિબંધ મુકાઈ ગયો. શાળાના આચાર્ય એના ઘરે જઈને કઈ આવે કે આને બે દિવસ ઘરે સાચવી લેજોને નહિતર આ અમારા રોટલા અભડાવી દેશે!!

બધા બાળકોને આનંદ અને સાગર જયારે ધોરણ સાતમામાં આવ્યા ને ત્યારે કૈંક સમજણ આવેલી અને ત્યારે એને ખબર પડી કે પીન્ટુની માતાએ બીજા લગ્ન કરીને આ ગામમાં આવી છે. પીન્ટુ એની માતા કૈલાસ સાથે આંગળીયાત આવેલ છે. કૈલાસે એના પ્રથમ પતિ પાસેથી છૂટાછેડા લઇ લીધેલા છે અને વાસુદેવ સાથે એણે બીજા લગ્ન કરેલા છે. વાસુદેવ એ પીન્ટુ નો સાવકો બાપ છે. કૈલાસે બીજા લગ્ન કર્યા પછી એને બે સંતાનો થયા અને એ સંતાનો મોટા થયા એટલે પીન્ટુને ત્રાસ આપવામાં આવતો. શરૂઆતમાં વાસુદેવ જ મારઝુડ કરતો પણ પછી સગી મા કૈલાસ પણ મારતી અને પીન્ટુ રોતો અને સાગર અને આનંદને કહેતો!!

“ વાસિયો મારે એનો વાંધો નહિ એ ગમે તેટલું મારે મને નથી વાગતું!!પણ મારી મા થોડુક મારે અને મને બહુ વાગે છે. બધાય નવરીના વગર વાંકે મને મારે છે!! લાગે છે કે મને મારવા માટેજ આ બધા ઉત્પન્ન થયા છે” સાગર અને આનંદ પીન્ટુને આશ્વાસન આપતા!! આઠ ધોરણ પછી સાગર અને આનંદ બાજુમાં આવેલી સંસ્થામાં ભણવા જવાનું હતું. અને ચડાઉ પાસ થયેલ પિન્ટુને એની માતા કૈલાસે નિશાળેથી ઉઠાડી લીધો. અને ગુલ્ફી વેચવાના ધંધે ચડાવી દીધો. પીન્ટુએ એક મહિનો ગુલ્ફી વેચી અને પાંચમે દિવસે શેરી વાળાને ભેગા કરીને સરપંચને ત્યાં બોલાવ્યા. સરપંચે વાસુદેવ અને કૈલાસને પણ બોલાવ્યા. પીન્ટુ બોલ્યો.

“ ગુલ્ફી વેચીને હવે હું કમાણી કરું છું તોય મને તો માર જ મળે છે. હવે હું મારી માં સાથે ભેગો રહેવા માંગતો નથી. હું મારી રીતે આજથી જુદો થાવ છું. મારી રીતે હું ખાઈ લઈશ. મારી રીતે હું મારું ફોડી લઈશ. આ બધાની હાજરીમાં એટલા માટે કહું છું કે કાલ સવારે વાસિયો કે એની પત્ની મને વગર કારણે કનડશે તો હું ઓછો નહિ ઉંતરુ” સરપંચે વાત મંજુર રાખી અને પીન્ટુને ઠપકો પણ આપ્યો કે મા બાપ વિષે આવું ન બોલાય ત્યારે પીન્ટુ બોલ્યો.

“ એ માટે મા બાપે પણ એની ફરજો પાળવી પડે!! સારું બોલવાની મેં એકલાએ જ ગધેડી નથી પકડી!!” અને આ રીતે એ બધાની હાજરીમાં છૂટો થઇ ગયો!! ઉમર હશે તેર વરસની!! અને એ પુંજા પગીને ત્યાં રહેવા જતો રહ્યો. અને ગામલોકોને ત્યારે ખબર પડી કે પુંજા પગીએ જ પીન્ટુને આ રસ્તો બતાવ્યો છે!!

પુંજા પગીએ પીન્ટુને એક નવી હર્ક્યુલીસ સાઈકલ લઇ દીધી. અને મહિના દિવસથી એ ગુલ્ફી વેચતો હતો એટલે ધંધાની લાઈન દોરીનો એને ખ્યાલ જ હતો!! અને અહીંથી પીન્ટુનું ભાગ્ય પહેલા ગિયરમાં પડ્યું!!

રોજ સાંજે પુંજા પગીને ત્યાં જમીને સાઈકલ લઈને ગુલ્ફીના ખાલી ખોખા સાથે પીન્ટુ બાજુના નાનકડા શહેરમાં ગુલ્ફી ભરવા જાય!! રાતે નવ વાગ્યે ત્યાં એ પોગે!! ગુલ્ફીના કારખાનાની બાજુમાં એક ઓપન એર થીયેટર!! નવથી બાર એ ફિલ્મ જોવે અને પછી ત્યાં બીજા ગુલ્ફી વાળા સાથે સુઈ જાય!! વહેલી સવારે છ વાગ્યે ગુલ્ફી ભરીને આવે ગામમાં બપોરના બે વાગ્યા સુધીમાં વેચી નાંખે અને પુંજા પગીને ત્યાં એ સુઈ જાય!! સાંજે સાત વાગ્યે ઉઠે અને ખાઈ પીને વળી સાઈકલ લઈને ઉપડે તે વહેલું આવે સીટી!!

આજુબાજુના ગુલ્ફી વેચવાવાળા સાથે એ રાતે જમાવે અને એમાં જ સિગારેટના રવાડે ચડી ગયો અને એમાં જ એ જુગારના રવાડે ચડી ગયો!! જુગારમાં એ માસ્ટર માઈન્ડ થઇ ગયો હતો!! હવે એના દીદાર ફરી ગયા હતા!! એમની પાસે પોતાની આવક શરુ થઇ ગઈ હતી. ચોમાસું આવ્યું અને ગુલ્ફી બંધ થઇ ત્યાં સુધીમાં એને જુગાર આવડી ગયો હતો!! ગામના પાદરમાં આવેલી એક વાડીમાં અઠવાડિયામાં એક બે વાર જુગાર રમે!! જીતે એમાંથી તાગડ ધિન્ના કરે!! સાજે તળાવની પાળે સાગર અને આનંદ ને મળે!! ગપ્પા મારે!! ક્યારેક વળી નાસ્તા પાણી થાય પણ બધોજ ખર્ચો પીન્ટુનો!! હવે એ સાદી બીડી નહોતો પીતો!! ફોર સ્ક્વેર નેવી કટ જ પીતો હતો!! અને એ પણ સ્ટાઈલમાં પીતો!! હવામાં ચકરડા પડે એવી રીતે ધુમાડા કાઢતો!! કયારેક એ સોગંદ દઈને આનંદ અને સાગરને પણ એક એક સટ પરાણે લેવરાવે!!
આનંદ અને સાગરનું બારમાં ધોરણનું ભણતર પૂરું થયું અને લોકો કોલેજ કરવા અમદાવાદ જવાનું નક્કી કર્યું અને પીન્ટુએ પણ કીધું કે હું પણ અમદાવાદ આવીશ!! આમેય આપણા તાલુકાના પીએસઆઈ રાઠોડ સાહેબ અને ઝાલા સાહેબ અમદાવાદ જ છે ને એણે મને ઘણું કીધું કે તારા જેવાની તો અમદાવાદમાં જરૂર છે!! આનંદ અને સાગર બાર ધોરણે પહોંચ્યા એટલા સમયમાં પીન્ટુ પણ જુગારની ક્લબ સુધી પહોંચી ગયો હતો. પુંજા પગીના ઘરે જ પીન્ટુ કલબ ચલાવતો હતો અને ઠીક ઠીક પૈસા રળી લેતો હતો!! આ બને ભાઈબંધ પુસ્તકિયા જ્ઞાનમાં આગળ વધતા હતા અને પીન્ટુ વાસ્તવિક જ્ઞાનમાં ડીગ્રીઓ મેળવતો હતો!!

Image Source

આનંદ અને સાગર અમદાવાદ આવ્યા અને પંદર દિવસમાં પીન્ટુ પણ અમદાવાદમાં અને એના ભાગ્યનો બીજો ગીયર પડ્યો!! રોજ સાંજે એ સાગરની રૂમે આવે અને ફરવા જાય!! શનિ રવિની રજા હોય ત્યારે એ પરાણે ક્લબમાં લઇ જાય!! પીન્ટુ રમે અને આ બને જુએ!! પણ દર વખતે એક નિયમ પાકો જળવાઈ રહે!! રાતના બે વાગ્યે પીન્ટુ એક બાજી આનંદના નામની રમે અને કહે!!

“ આનંદા આ તારા નામનું રમું છું!! જો જાય તો મારા પૈસા પણ જો આવે તો તારા પૈસા!!” અને એ બાજીમાં હમેશા હલકા પાનાં જ હોય અને પીન્ટુ બોલે!!
“ તારા ભાગ્યમાં ભમરો છે ભમરો!! આનંદા તારા નસીબના ચડતું પાનું જ નથી!! ખાલી બગ્ગા અને તગ્ગા જ આવે છે!! જો આ હવે સાગરના નામની બાજી રમું છું” અને દર વખતે સાગરની બાજીમાં પીન્ટુ જીતે જ અને એ જીતેલી બધી જ રકમ પીન્ટુ પરાણે સાગરને આપી દે અને બોલે!!“ જા મોજ કર્ય મોજ!! સાગરા મોજ કર્ય!! અને આનંદા તારા ભાગ્યમાં ભમરો છે ભમરો”!!

દિવસો પસાર થવા લાગ્યા. આનંદ અને સાગર એક પછી એક ડીગ્રીઓ મેળવતા ગયાં અને આ બાજુ પીન્ટુ નું ભાગ્ય પણ છેલ્લા અને ટોપ ગિયરમાં જતું હતું. હવે એના નામે એલિસબ્રિજમાં એક ફ્લેટ પણ બોલતો હતો!! કોલેજની એકાદ બે છોકરીઓ એની સાથે બાઈકમાં ફરતી હતી!! આનંદે તો એવું પણ સાંભળ્યું હતું કે પીન્ટુ હવે બુટલેગર બની ગયો છે!! અઠવાડિયે કાંકરિયામાં ત્રણેય મિત્રો મળે!! પીન્ટુની બાઈક પાછળ કોઈને કોઈ છોકરી હોય જ!! પીન્ટુ બાઈક દૂર પાર્ક કરે!! ત્યાં પેલી છોકરી ઉભી રહે અને એ એકલો સાગર અને આનંદને મળે!! આનંદ એને ખીજાય પણ ખરો!!
“ આ બધા ધંધા નહિ સારા!! હવે તું બધું જ પીવા લાગ્યો છો અને ખાવા લાગ્યો છો!! તું નક્કી નરકમાં જવાનો છે!! આ સંસ્કાર નથી!! પીન્ટુ બોલે હસતાં હસતાં!!

“ એક વાત સમજી લે આનંદા!! તમે બેય અત્યારે કશું જ કરતા નથી!! સાવ સંસ્કારી છો તમે બને જણા અને અત્યારે નરક જેવું જ ભોગવો છો!! તમે બને ઉપર જશો એટલે તમને સ્વર્ગ મળશે એ નક્કી છે એવું તમે માનો છો!! અને હું અત્યારે સ્વર્ગમાં છું. પછીને ભલે નાર્ક ભોગવવું પડે!! એટલે હિસાબ તો સરખોજ ને?? હું અત્યારે સુખ ભોગવું છું તમે પછી સુખ ભોગવશો. પણ જો મર્યા પછી તમે કહો એવી સીસ્ટમ ઉપર નહિ હોય તો?? હું ફાવી જવાનો અને તમે બને અફસોસ કરતાં રહેવાના!! કે જીવતાય ના ભોગવ્યું અને મર્યા પછીય ન મળ્યું!! આ તો ખાલી વાતો છે હકીકતમાં મર્યા પછી કઈ કંડીશન હોય કોને ખબર!!” અને પીન્ટુ સિગારેટ કાઢીને સળગાવે!! હવે એ મેક્રોપોલો નામની વિદેશી સિગારેટ પીતો હતો!!

સમય પસાર થઇ રહ્યો હતો. ત્રણેય મિત્રો જુદા પડ્યા. સાગરને સુરતમાં જોબ મળી. આનંદને રાજકોટમાં!! સાગર અને આનંદના લગ્નમાં પીન્ટુ મન મુકીને નાચ્યો હતો!! ઢોલ વગાડવા વાળા પર સો સોની નોટો પીન્ટુએ ઉડાડી હતી!! ગામમાં પીન્ટુની એક નામના થઇ ગઈ હતી!! પૈસો આવે એટલે એની પાછળ નામના પણ તરત જ આવે!! પણ આટલા સમય દરમ્યાન એક વાર પણ એ પોતાના ઘરે નહોતો ગયો!! બચપણનો રોષ એના મનમાં હજુ ભભૂકતો હતો!!

Image Source

પીન્ટુની પ્રગતિ ચાલુ જ હતી. હવે એની પાસે નવી નવી કાર પણ આવતી ગઈ પીન્ટુ બને મિત્રોને જે જોઈએ એવી મદદ કરતો હતો!! ત્રણ ચાર મહીને તેઓ અમદાવાદમાં ભેગા થતા. નિયમ મુજબ પીન્ટુ કલબમાં લઇ જાય એક એક ગેઈમ બેય ભાઈબંધની રમી નાંખે એમાં પણ રોજની જેમ આનંદના પાનામાં કશું જ ના નીકળે અને સાગરના પાનાં હમેશા ચડત જ આવે!!

પછી તો સમય સડસડાટ પસાર થયો. મળવાનું પણ ઓછું થતું ગયું. સાગર કયારેક મળવા જાય પણ આનંદ બહુજ વ્યસ્ત થઇ ગયો!! અને એમાં સમાચાર આવતા કે પીન્ટુને કેન્સર થયું છે. બહુ દવા કરાવી. ખર્ચો પણ બહુ જ થયો. હવે મટે એમ નથી!! અને આજ પીન્ટુ જ મટી ગયો!!

આનંદે આંખ ખોલી!! એ વર્તમાનમાં પાછો આવ્યો. સાંજે એણે સાગરને ફોન કર્યો. સાગરે બધી વાત કરી. સાગર પણ સુરત જવા નીકળવાનો હતો. ફોન પર આનંદે અફસોસ વ્યકત કર્યો. સાગરે કીધું કે તારા માટે એક બંધ કવરમાં ચિઠ્ઠી છે. પીન્ટુ અવસાન પામ્યો એની આગલી સાંજે એણે આપીને કહ્યુકે આ ચિઠ્ઠી હાથોહાથ આંનદને આપજે!! તું સુરત આવીશને ત્યારે હું તને આપીશ!! એ ચિઠ્ઠી હું ખોલીશ નહિ!!

બે મહિના પછી આનંદને સુરત જવાનું થયું. એણે સાગરને ફોન કર્યો. સાગર એને બંબાખાના પાસે લેવા આવ્યો!! સાગર પાસે નવી નક્કોર કાર હતી!! આનંદ બોલ્યો.
“ આ કયારે લીધી તે??? તે મને વાત પણ ના કરી”
“ તને સર પ્રાઈઝ આપવાની હતી” સાગર હસીને બોલ્યો. કાર એક આલીશાન બંગલા પાસે ઉભી રહી!! આનંદ માટે આ બીજી સરપ્રાઈઝ હતી. હજુ વરસ દિવસ પહેલા એ સુરત આવ્યો ત્યારે સાગર પાસે એક બજાજ પ્લેટીના હતું અને ભાડાના મકાનમાં રહેતો સાગર એક જ વરસમાં આટલી પ્રગતિ!! એની નવાઈનો પાર ન રહ્યો!!

Image Source

આનંદ ફ્રેશ થયો!! નાસ્તો કરીને બીજા માળે સાગર લઇ ગયો અને બોલ્યો!!
“ આ બધું પીન્ટુને કારણે છે!! એણે મને એક લાખ રૂપિયા લઈને આવવાનું કીધું હતું ને તે એ લઈને હું ગામડે ગયો હતો એ તો તને ખબર જ છે ને!! ત્યાં જઈને મેં જોયું તો પીન્ટુનું શરીર સાવ નખાઈ ગયું હતું. મેં એને કીધું કે હાલ્ય બીજા દવાખાને એણે ના પાડી કે હવે કાયાને લુણો લાગી ગયો છે એ રીપેર ના થાય!! મેં એને પૈસા આપ્યા!! એણે પૈસા લીધા પણ ખરા અને બીજા દિવસે રાતે મને એ મકાનમાં લઇ ગયો!! અને કહ્યું!! હું ખાલી ચેક કરતો હતો કે તું પૈસા લઈને આવે છે કે નહિ!! બાકી પૈસા તો મારી પાસે પુષ્કળ છે આ બે થેલા ભર્યા છે બે થેલા!! બસ હવે તને આ બધું સોંપી દેવાનું છે!! મેં નાં પાડી એણે મને સોગંદ આપ્યાં અને કહ્યું!! તને યાદ છે સાગરા!! મારો કહેવાતો બાપ વાસિયો મને લાકડીએ લાકડીએ મારતો ત્યારે મને નહોતું વાગતું પણ મારી સગી મા મને થોડુક મારે ને ત્યારે બહુ જ વાગતું!! એમ બીજો કોઈ મારું ના માને તો દુઃખ ના થાય પણ તુય મારું નહિ માને!! અને હું એને ભેટી પડ્યો!! એણે મને બધી જ સંપતી આપી દીધી જે એ અમદાવાદમાં કમાયો હતો. આ બધી મારી જાહોજલાલી એના પૈસાને કારણે જ છે!! એ પૈસે ટકે ખાલી થઇ ગયો એનું નાટક કરતો હતો!! જિંદગીના પતા એ હમેશા પોતાની મરજી મુજબ જ ચાલ્યો હતો!! બસ પછી એ ખુબ જ ખુશ હતો!! એણે મેક્રોપોલો સિગારેટ સળગાવી!! અમે બને એ અર્ધી અર્ધી પીધી!! એ વખતે તને ખુબ જ યાદ કર્યો હતો!! તારા માટે એણે આ બંધ કવરમાં ચિઠ્ઠી આપી છે!! “ કહીને સાગરે આનંદને ચિઠ્ઠી આપી. આનંદ તો અવાચક બનીને સાંભળતો હતો!! એણે કવર ખોલ્યું અને એક ચિઠ્ઠી નીકળી એમાં લખ્યું હતું!!

“વ્હાલા આનંદા
લગભગ હવે આપણો મેળાપ નહીં થાય. જીવનમાં મને એક અફસોસ હતો કે હું તને જુગારમાં કોઈ દિવસ જીતાવી નથી શક્યો!! તારા ભાગ્યમાં ભમરો હતો ભમરો!! પણ તોય જતાં જતાં એક છેલ્લી બાજી તને જીતાડવી હતી.પણ એમાય તારા ભાગ્યમાં ભમરો જ નીકળ્યો!! આપણો મેળાપ થયો જ નહિ!! પછી દર વખતની જેમ એ છેલ્લી બાજી હું સાગર પર રમ્યો અને દર વખતે બનતું એમ જ બન્યું!! મારી તમામ સંપતી સાગર જીતી ગયો!! હું તમારા બનેમાંથી કોઈને ય વારો તારો નહોતો કરવા માંગતો એટલે જ પ્રથમ તક તને આપી હતી!! પણ આનંદા તારા ભાગ્યમાં ભમરો છે ભમરો!!
બસ આવજે !! બસ જીવનમાં કોઈ અફસોસ છોડીને નથી જતો!!

તારો પીન્ટુ!!”

વાંચીને કાગળ આનંદે કાગળ ખિસ્સામાં નાંખ્યો!! એના કાનમાં હજુ એ શબ્દો પડઘાઈ રહ્યા હતા!!

“તારા ભાગ્યમાં ભમરો છે ભમરો આનંદા!!! ભમરો”!!! સાગર અને આનંદ એક બીજાની સામું જોઈ રહ્યા હતા!! વાતાવરણમાં એક પ્રકારની અજબ ખામોશી છવાઈ ગઈ હતી!!

જીવનમાં મોટા ભાગે કોઈકે વહેચેલ પાનાં પ્રમાણે માણસો જીવન જીવતા હોય છે!! બહુ ઓછા લોકો પીન્ટુ જેવા હોય છે કે જે પોતાની બાજીના પાના પોતે જ નક્કી કરતાં હોય છે!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks