કરોડોનો ચૂનો લગાવનાર બંટી બબલી: બાટલીમાં ઉતારીને 3.91 કરોડ પડાવ્યા, ફિલ્મોને ટક્કર આપે તેવી કહાની
Cheating in the Film Investment : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં કેટલાક લોકો અન્ય લોકોને મોટા મોટા સપના બતાવીને કરોડોનો ચૂનો લગાવતા હોય છે, ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં ફિલ્મમાં પૈસા રોકાણ કરવાના નામ પર લોકો પાસે રૂપિયા રોકાવીને એક બંટી બબલીએ કરોડોનું ફુલેકુ ફેરવી નાખ્યું હતું. આ બંટી બબલીએ ગુજરાતી ફિલ્મ બનાવવાના નામ પર લોકો પાસેથી 3.91 કરોડની છેતરપિંડી કરી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા થઇ મુલાકાત :
આ મામલે ઓર્થોપીડીક ડોક્ટર તરીકે કામ કરતા ધવલ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમને પોતાની ફરિયાદમાં જણાવ્યું કે આજથી દોઢ વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા તેમની મુલાકાત જૈમિન પટેલ નામના એક યુવક સાથે થઇ હતી. જેના બાદ બંને વચ્ચે સારી મિત્રતા પણ થઇ ગઈ. જૈમિન અને તેની પત્ની અંકિતા તેમને અવાર નવાર મળતા હતા અને લોભામણી સ્કીમ પણ બતાવતા હતા. જેના બાદ ઓક્ટોબર 2022માં તેમને મળવા ડોકટર તેમની ઓફિસે પણ ગયા હતા.
10 મહિનામાં પૈસા રિટર્ન આપવાનું કહ્યું :
આ દરમિયાન અંકિતા અને જૈમીને અર્બન ગુજરાતી ફિલ્મ અને શોર્ટ ફિલ્મમાં ઇન્વેસ્ટરની જરૂર હોય તેમને પાર્ટનર બનવા માટે કહ્યું, અને રેવન્યુના 10% ભાગ આપવાનું પણ જણાવ્યું. તેમને જણાવ્યું કે તમે જે રકમ ઈન્વેસ્ટ કરશો તેના 10 % રેવન્યુ પાછી આપવામાં આવશે અને આ બધું જ કાયદાકીય રીતે કરારના આધારે કરવામાં આવશે. વળી તેમને તો એમ પણ જણાવ્યું કે તમે જે રકમ રોકશો તે તમને 10 જ મહિનામાં 10% રિટર્ન સાથે પાછી આપવામાં આવશે.

3 કરોડ રૂપિયાનું હતું રોકાણ :
એ સમયે ધવલ તેમજ ત્યાં હાજર અન્ય લોકોએ રોકાણ કરવાની ના પાડી દીધી. ત્યારે અંકિતા અને જૈમીને બધાને સમજાવતા થોડો સમય માંગ્યો, જેના એક સપ્તાહ બાદ જ ડોક્ટર ધવલ પટેલ સાથે અંકિતાએ સંપર્ક કરી ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી અને ત્યારે ધવલ પટેલે કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છીએ એમ પૂછતાં અંકિતાએ 3 કરોડ રૂપિયા જણાવ્યું પરંતુ સાથે જ એમ પણ કહ્યું કે તમારાથી જેટલી વ્યવસ્થા થઇ શકે એટલી વ્યવસ્થા તમે કરી શકો છો.

ડોકટરે રોક્યા 75 લાખ :
જેના બાદ ધવલ પટેલે બે મહિના માટે 75 લાખ રૂપિયા રોકવાનું કહ્યું અને 15 દિવસમાં છૂટક છૂટક સંબંધીઓ અને ઓળખીતાઓ પાસેથી ઉધાર લઈને રોક્યા હતા. ત્યારે બાંહેધરી રૂપે અંકિતાએ ધવલને ઓન ક્રિએશનના નામથી 50 લાખના ચેક અને પ્રોમીસરી નોટ પણ આપી હતી. એક મહિના બાદ ફોન કરતા જૈમીને હજુ એક મહિનો બાકી હોવાનું કહ્યું. જેના એક મહિના બાદ જૈમિન અને અંકિતાએ ષડયંત્ર રચ્યું અને 24.90 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી એક સુસાઇડ નોટ પણ મોકલી.

સુસાઇડ નોટનું નાટક રચ્યું :
50.10 લાખ પાછા ના આપવા પડે તે માટે અંકિતાએ આપઘાત કર્યો છે એવી સુસાઇડ નોટ મોકલી. આ ઉપરાંત જૈમીને તેની પત્ની ગુમ થઇ ગઈ છે એવી ફરિયાદ પણ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પરંતુ હવે ધવલને જાણવા મળ્યું કે અંકિતા અને જૈમિને જાન્યુઆરી 2023માં નવી કંપની બનાવી હતી. જેનાથી એવા સંકેત મળ્યા કે અંકિતા ગુમ થઈ નહોતી અને આત્મહત્યાનો પણ કોઈ પ્રયાસ કર્યો નહોતો.” ત્યારે આ મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે.