અમેરિકા-કેનેડા બોર્ડર પર બોટ ઉંધી પડી જવાના કારણે મહેસાણાના ચૌધરી પરિવારના 4 લોકો મોતને ભેટ્યા હતા, હવે અંતિમ સંસ્કાર પણ ના થયા વતનમાં
આજે ઘણા બધા લોકો છે જે વિદેશમાં સ્થાયી થવાનું સપનું જુએ છે, જેના માટે ઘણા લોકો સ્ટુડન્ટ વિઝા કે વર્ક વિઝા માટે પણ એપ્લાય કરતા હોય છે. પરંતુ વિદેશમાં વિઝા મળેવવા એટલા સરળ નથી અને તેમાં પણ કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં વિઝા માટેના નિયમો ખુબ જ કડક હોવાના કારણે કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવેશ કરવા માંગે છે.
થોડા દિવસ પહેલા જ અમેરિકામાં ગેર કાયદેસર રીતે પ્રવેશ કરવા ગયેલા 4 ગુજરાતી લોકોના મોત થયાની ખબર સામે આવી હતી. જેને લઈને હડકંપ પણ મચી ગયો હતો. આ પહેલા પણ કેટલાય ગુજરાતીઓ આ રીતે મોતને ભેટી ગયા છે, ત્યારે હવે આ ચારેય લોકોના અંતિમ સંસ્કાર પણ વિદેશની ધરતી પર જ કરવામાં આવ્યા છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના જિલ્લાના માણેકપુર ડભોડા ગામના રહેવાસી પ્રવીણભાઈ ચૌધરી તેમની પત્ની અને બંને સંતાનો સાથે કેનેડાના વિઝીટર વિઝા લઈને ત્યાંથી અમેરિકામાં ગેર કાયદેસર પ્રવેશ કરવા માટે જતા હતા ત્યારે જ અમેરિકા-કેનેડા બોર્ડર પર સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાના કારણે પરિવારના આ ચારેય સભ્યોના મોત નિપજ્યા હતા.
ત્યારે મોતને ભેટેલા પ્રવીણભાઈ ચૌધરી, તેમના પત્ની દક્ષાબેન, દીકરી વિધિ અને દીકરા મીતના પાર્થિવ દેહને ભારતમાં ના લાવી શકાતા હ્યુમન ફોર હાર્મની નામની એક સંસ્થા દ્વારા વિદેશની ધરતી પર જે તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર કેનેડાના ઓન્ટોરિયો પ્રાંતના બ્રામ્પટન ખાતે 10 એપ્રિલના રોજ હિન્દૂ વિધિ વિધાન સાથે કરવામાં આવ્યા.
તેમના અંતિમ સંસ્કારની અંદર કેટલાક ગુજરાતીઓ સાથે તેમના પરિવારમાંથી પ્રવીણભાઈના બહેન કાંતાબેન અને તેમની દીકરી હાજર રહ્યા હતા અને ભીની આંખે પરિવારના ચારેય સભ્યોને અંતિમ વિદાય આપવામાં આવી હતી. હવે આ ચારેય લોકોની અસ્થિઓને ભારતમાં મોકલવામાં આવશે.