અમદાવાદ : પ્રેગ્નેટ મહિલાના રહસ્યમય મોત બાદ સાસરિયાએ કરી દીધી બારોબાર અંતિમ વિધિ…પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ ચાંદખેડાની 24 વર્ષની પ્રેગ્નેટ પરિણીતા પાયલ સાથે શું થયું હતું? પિતાએ કર્યો મોટો ખુલાસો

Ahmedabad Woman dies mysteriously : ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ઘણા મામલા સામે આવે છે. કેટલીકવાર તો હત્યાને આત્મહત્યામાં પણ ખપાવવા પ્રયાસ કરવામાં આવતા હોય છે. હાલમાં અમદાવાદના ચાંદખેડામાંથી એક રહસ્યમય મોતનો કિસ્સો સામે આવ્યો. જેમાં 24 વર્ષની પરણિતાના મોત બાદ તેના સાસરિયાએ રાજસ્થાન લઈ જઈને અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. ત્યારે આ ઘટના બાદ પાયલના પિતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજસ્થાનની પાયલના અમદાવાદમાં લગ્ન થયા હતા અને અહીં તે મોટેરામાં આવેલ શ્રીજી સંકલ્પ લક્ઝુરિયસ રેસિડેન્સીમાં રહેતી હતી. (તમામ તસવીરો સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી)

સાસરિયાઓ દહેજની માગ કરીને શારીરિક-માનસિક ત્રાસ આપતા
મૃતકના પિતાએ પોલિસ ફરિયાદમાં જણાવ્યુ છે કે તેમની દીકરીને અવારનવાર સાસરિયાઓ દ્વારા દહેજની માગ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો અને એવામાં દીકરીના રહસ્યમય મોત બાદ તેમને જાણ કર્યા વગર જ પતિ કરણ અને સાસરિયાઓ દ્વારા રાજસ્થાનના સુમેરપુરમાં તેની અંતિમવિધિ કરાઇ. પ્રાપ્ત માહિતી અનુસાર, પાયલના લગ્ન 25 નવેમ્બર 2020ના રોજ થયા હતા. પાયલના પિતા જયંતીલાલ સુથારે તેમની ફરિયાદમાં જણાવ્યું કે દીકરીએ લગ્નના 15 દિવસ પછી ફોન કર્યો અને કહ્યુ કરિયાવર અને દહેજ માટે ટોણા મારવામાં આવે છે.

જેઠાણીની સરખામણીમાં ઓછું દહેજ મળ્યું
પાયલને જેઠાણીની સરખામણીમાં ઓછું દહેજ મળ્યું હતુ અને એટલે જ સાસુ અને જેઠાણી તેને મેણા ટોણા મારતા. આ સમયે તેમણે દીકરીને ફોન પર સલાહ આપી કે સાસરીમાં તો આવી નાની-મોટી વાતો થયા કરે, મોટું મન રાખવાનું અને એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવાનું. જો કે, પતિ મારઝૂડ કરતો હોવા છત્તાં પણ પાયલ બધુ સહન કરતી. ત્યારે 15 ઓગસ્ટ 2021એ પાયલે તેના પિતાને ફોન કર્યો અને જણાવ્યું કે સાસરિયાનો ત્રાસ વધી ગયો છે અને પતિ કરણ પણ મારઝૂડ કરે છે. ત્યારે તેના પિતાએ દીકરીને ઘરે પરત આવવા કહ્યુ.

5 લાખ રૂપિયા લઈને જ આવજે નહીં તો ના આવતી
જો કે, થોડા દિવસ પછી પતિ, સાસુ અને જેઠ પાયલને આબુ રોડ ઉતારીને જતા રહ્યા અને કહ્યું કે 5 લાખ રૂપિયા લઈને જ આવજે નહીં તો ના આવતી. આ પછી એક મહિનો પાયલ પિયર રહી અને તે પછી પતિ, જેઠ અને જેઠાણી તેડવા આવ્યા અને કહ્યું કે, હવે ફરી આવું નહીં કરીએ. જો કે, થોડા દિવસો પછી પાયલનો ફોન આવ્યો અને જણાવ્યું કે તેના સાસરિયાઓના વ્યવહારમાં કોઈ ફરક નથી અને 5 લાખ રૂપિયા માગે છે અને જો ના આપી શકે તો પિયર જતી રહે એવું કહે છે.

2 જુલાઈ 2023એ મળ્યા દીકરીની તબિયત ખરાબ હોવાના સમાચાર
પ્રેગ્નેટ હોવા છત્તાં પણ પાયલ પર ત્રાસ ગુજારવામાં આવતો અને ફરી પાયલ રિસાઈને રાજસ્થાન તેના પિયર ગઇ. આ પછી પતિ, જેઠ અને જેઠાણી તેડવા આવ્યા તો પાયલના પિતાએ કહ્યુ કે જો ફરી આવું થશે તો પોલીસ ફરિયાદ કરીશું. એટલે તેમણે ખાતરી આપી કે ફરી આવું નહીં કરે. પણ પાયલના પિતાને 2 જુલાઈ 2023એ સમાચાર મળ્યા કે તેમની દીકરીની તબિયત ખરાબ છે અને સુમેરપુર જવાનું છે, તેમણે જોયુ તો દીકરીનું મોત થઇ ગયુ હતુ.

ઉતાવળે અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા
જ્યારે તેમણે કારણ સાસરિયાને પૂછ્યુ તો હાર્ટ અટેક અને ફૂડપોઈઝનિંગની ગોળગોળ વાતો કરી. તેમની હાજરીમાં જ દીકરીના ઉતાવળે અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. જે બાદ તેમણે પોલિસ ફરિયાદ કરી અને પોલીસે ફરિયાદના આધારે અને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. આ કેસમાં IPCની કલમ 304A, 498A, 201, 120 B, 114 કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

Shah Jina