ચાંદખેડામાં ગર્ભવતી પરણિતાના મોતનું રહસ્ય ઘૂંટાયું, સાસરિયાઓ પિયર વાળાને જાણ કર્યા વગર કરી નાખ્યા અંતિમ સંસ્કાર, CCTV ફૂટેજથી આવ્યો ઘટનામાં નવો ટ્વિસ્ટ
Chandkheda Pregnant Woman Mystery : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, તો સાથે જ ઘણા હાર્ટ એટેકથી પણ મોત થવાના મામલા સામે આવતા હોય છે. ઘણા મોતના મામલાઓ તો એવા પણ સામે આવે છે જે એક રહસ્ય બની જાય છે અને આ રહસ્ય પરથી જ્યારે પડદો ઉઠે છે ત્યારે લોકોના હોશ પણ ઉડી જતા હોય છે, હાલ એવો જ એક મામલો અમદાવાદના ચાંદખેડામાંથી સામે આવ્યો છે, જ્યાં એક પરિણીતાના મોતને લઈને ઘણા બધા સવાલો ઉભા થઇ રહ્યા છે.
સાસરિયા પર હત્યાનો આરોપ :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય પહેલા જ ચાંદખેડામાં એક ગર્ભવતી મહિલાનું મોત થઇ ગયું હતું અને સાસરિયા દ્વારા તેને રાજસ્થાન લઇ જઈને અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. જેના બાદ યુવતીના પરિવાર દ્વારા તેના સાસરિયા પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ હતી. ત્યારે પોલીસ તપાસ કરી રહી હતી એ દરમિયાન આ મામલે એક નવો ખુલાસો પણ સામે આવ્યો છે.
પોલીસના હાથ લાગ્યા CCTV ફૂટેજ :
પોલીસને ચાંદખેડાની જે બિલ્ડીંગમાં મહિલા રહેતી હતી, ત્યાંથી સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે, જેના આધારે હવે મહિલાની હત્યા થઇ છે કે તેનું મોત થયું છે તે અંગેના સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહિલાનો પતિ અન્ય વ્યક્તિની મદદથી પત્નીને ઊંચકીને લઇ જઈ રહ્યો છે, જેના બાદ તેને કારમાં બેસાડવામાં આવે છે. જેના બાદ લિફ્ટ ફરી ઉપર જાય છે અને તેમાં મહિલાઓ સહીત 7 લોકો નીચે આવે છે અને તે પણ કાર પાસે પહોંચે છે.
પિયરિયાઓને જાણ કર્યા વગર કર્યા અંતિમ સંસ્કાર :
આ દરમિયાન એક સવાલ એ પણ ઉભો થઇ રહ્યો છે કે જયારે મહિલાને લઇ જવામાં આવી રહી હતી ત્યારે મહિલાનું મોત થયું હતું કે તે જીવતી હતી ? આ ઉપરાંત જો મહિલાનું મોત થઇ ગયું હતું તો તેના પિયર પક્ષને કેમ જાણ ના કરવામાં આવી તે પણ એક સવાલ સમાન છે. આ સમગ્ર ઘટના રાતના સમયે બની હતી. જેને લઈને પણ અનેક આક્ષેપો થઇ રહ્યા છે. પોલીસ આ સીસીટીવી ફૂટેજના આધારે મહિલાના સાસરિયાઓની પુછપરછ કરીને વધુ તપાસ હાથ ધરશે.
પોલીસ કરી રહી છે તપાસ :
મહિલાના સાસરિયા દ્વારા તેના મોત અંગે તેના પિયરિયાઓને પણ જાણ કરવામાં આવી નહોતી અને તેમની જાણ બહાર જ મહિલાને રાજસ્થાનમાં લઇ જઈને અંતિમ વિધિ પણ કરી દેવામાં આવ્યા. હાલ પોલીસે એ તપાસ કરી રહી છે કે મહિલા કેટલા સમયથી ગર્ભવતી હતી અને સાસરિયા સાથેના તેના સંબંધો કેવા હતા. મહિલાને કોની કારમાં અને કેવી રીતે રાજસ્થાન સુધી લઇ જવામાં આવી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.