મુકેશ સોજીત્રા લેખકની કલમે

ચાંદલો – આજે કર્મોના ફળ સાથે જોડાયેલી એક દિલચસ્પ કહાની લઈને આવ્યા છે મુકેશ સોજીત્રા, વાંચવાનું ચૂકતા નહી !!

સવારના સાતેક વાગ્યા હશે ને તભા ગોરે અરજણ મુખીની ડેલી ખખડાવી.

“અરજણ આતા એ અરજણ આતા ડેલી ખોલો” અરજણ આતાના મોટા દીકરા વજુએ ડેલી ખોલી. તરત જ તભા ગોર બોલી ઉઠ્યા.

“ગજબ થઇ ગયો ગજબ!! ક્યાં છે તારા આતા???”

“આતા તો માળા કરવા બેઠા છે તમે બેસો હું બોલાવું છું અને માંડીને વાત કરો કે થયું છે શું?? આમ મારતી ઘોડીએ અત્યારમાં આવ્યા છો એટલે શું થયું ઈ તો કહો” વજુએ તભા ગોરને કહ્યું.

“બેસવાનો અત્યારે ટેમ નથી..ઝટ તું અરજણ આતાને બોલાવ્ય!! પોલો દેવ થઇ ગયો છે. હજુ દસ મિનીટ પહેલા જ અને ડોકટરનું કહેવું છે કે એટેક આવ્યો હતો. પોલો ઘરની બાર હજુ દાતણ કરતો હતો હું જ્યારે મંદિરે જવા નીકળ્યો ત્યારે અને વીસ જ મિનિટમાં મને સમાચાર મળ્યા કે પોલો દાતણ કરતા કરતા જ ઢળી પડ્યો.આજુબાજુવાળા ધોડીને દાકતરને બોલાવી લાવ્યા. દાક્તરે નાડ જોઇને જ કહી દીધું કે ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયો છે!! ભારે કરી ભારે મહાદેવ મહાદેવ મહાદેવ આતે શું ધારી છે” સંભાળીને વજુ તો સાવ પથ્થરનું પુતળું બની ગયો. અરજણ મુખી આવ્યા અને તભા ગોરની સાથે ચાલતા થયા..!!
પોલા વશરામના ઘરની આગળ મોટું ટોળું ભેગું થયું હતું. સહુની આંખો ભીની હતી..પોલા વશરામનું ઘર હવે પોલા વશરામનું નહોતું રહ્યું, પોલો તો અનંત યાત્રાએ ઉપડી ગયો હતો. ઘરે બે દીકરીઓ અને પોલાની પત્ની નબુ ત્રણ છાતીફાટ રુદન કરતી હતી.આડોશ પાડોશની બાયું પણ રડતા રડતા સાંત્વના આપતી હતી. સાંત્વના આપવા વાળી સ્ત્રીઓ સમજતી હતી કે આ પરિસ્થિતિમાં ભલભલા ચમરબંધી ના કાળજા કંપી જાય તેવી સ્થિતિ હતી. પોલાની બને દીકરીના લગ્ન લખાઈ ગયા હતા.. અઢાર દિવસ પછી જાન આવવાની હતી.પોલાને દીકરી પરણાવવાના કોડ હતા!! પણ હાય રે કિસ્મત!! કિસ્મત રૂઠી અને દીકરીને વળાવ્યા વગર જ પોલો ચાલી નીકળ્યો હતો.. નહિતર કોઈ કહેતા કોઈ વ્યસન પણ પોલાને હતું જ નહીને!! શરીર પણ કસાયેલું અમે મહેનતુ..ગામ આખાનો હાથ વાટકો હતો પોલો!! હતો તો ગામનો જમાઈ એટલે સહુ ઠેકડી પણ કરે..પણ પોલો હતો લાખનો માણસ એમાં ના નહિ!!

નબુ આ ગામની જ હતી. પોલા સાથે એના લગ્ન થયા પછી ચાર જ વરસમાં પોલો ઘર જમાઈ તરીકે રહેવા આવી ગયો હતો. નબુના માતા પિતા બીમાર પડ્યા હતા. શરૂઆતમાં નબુ પંદર દિવસ પિયર હોય અને પંદર દિવસ સાસરે હોય!! વળી નબુ એકની એક દીકરી હતી. નબુને કોઈ ભાઈ તો નહોતો એટલે સેવા ચાકરી કોણ કરે??? પણ પોલાના ભાઈઓને આ બાબતમાં વાંધો પડ્યો.
“અલ્યા બાયડીના ગુલામ!! ઈ કહે એટલું જ કરશો!! અમે ય પરણ્યા છીએ હો!! તું એકલો નવી નવાઈનો નથી પરણ્યો.. અમારે સાસુ સાસરા છે હો!! પણ કાઈ અમારી બાયું પિયર નથી જતી.. તારી તો પંદર દિવસ નથી થયાને આ હાલી પિયર!! ગામ આખું દાંત કાઢે છે અને પાછળથી વાતું કરે છે કે નબુતો પોલાને આંગળી પર નચાવે છે!!” પોલાના મોટાભાઈ ભોથાએ કહ્યું.

“એમાં એવું છે ને મોટા ભાઈ કે મારા સાસુ સસરા બીમાર રહે છે અને મારે સાળો તો છે ય નહીને!! વળી મારા સાસરાનું બીજું કુટુંબ તો બાર રેશે ને તો સેવા ચાકરી એની સગી દીકરી સિવાય કોણ કરે?? અને વળી મારા સાસુ છે હોલદોલ.. તમને એય ખબર છે કે નબુ સાથે મારું સગપણ ગોઠવાતું હતું ત્યારે નબુના કુટુંબીજનો જે બહાર રહેતા હતા એ સગપણની ના જ પાડતા હતા. મારી સાસુ એક જ મક્કમ રહ્યા હતા અને એણે પોતાના દેરીયા જેઠિયા સારે બગાડીને જ એની દીકરી આપણા ઘરે દીધી છે. હવે એ બીમાર પડ્યા છે તો એની મદદે જાવું કે નહિ!! તમારા બધાની સ્થિતિ જુદી છે તમારા સાસરિયામાં માં તો તમારા સાસુ સસરાનું ધ્યાન રાખવા વાળા છે.. તમે મોટાભાઈ વાત જરા સમજો!!” પોલાએ પોતાનો પક્ષ રાખ્યો.
“હવે સમજેલી જ છે તારી વાત.. સાસુ સાસરાના પડખામાં તું નવી નવાઈનો ઘરી ગયો છે અને આખા મલકમાં અમારી આબરૂના કાંકરા કર્ય છો કોડા જરાય શરમ નથી આવતી તને!! કહી દે જે તારી વહુને કે હવે પટપટ કરીને પિયર નો જાય!! એના મા બાપ મરે કે જીવે એની જવાબદારી આપણે લીધી નથી” ભોથાએ પોલાને ઠેકીને કહી દીધું.
“આવું અભેમાન નહિ સારું મોટાભાઈ બે ત્રણ વરસમાં આપણે થોડું સારું થઇ ગયું ત્યાં આમ છકી ન જવાય.. સગો સગાના કામમાં ન આવે તો કોણ આવે?? કોઈ ધ્યાન રાખવાવાળું નથી એટલે નબુ તો જાશે જ” પોલો પોતાની વાતને વળગી જ રહ્યો.

“તો પછી કાયમ માટે ત્યાં વયો જાને!! એમ કર્ય ઘર જમાઈ થઇ જા અને ઇતિહાસમાં તારું નામ અમર કરી નાંખ્ય” પોલાનો બીજો ભાઈ નરોતમ બોલ્યો.

“સમય આવ્યે ઈ ય કરીશ.. બાકી આપણા મા બાપ હોય એમ આપણી ઘરવાળીના પણ મા બાપ હોય!! એને દિવસો જ એવા આવ્યા છે તો દીકરીને જમાઈ નો સેવા કરે તો કોણ કરે?? કોઈ બારખલો આવીને થોડો સેવા કરી જાય” પોલો હવે વાતનો અંત લાવવા માંગતો હતો.

અને ત્રણ જ વરસમાં સાસુ સસરાની માંદગી વધી ગઈ અને પોલો પોતાના ગામમાંથી ઉચાળા ભરીને પોતાના સસરાના ગામે કાયમ માટે આવી ગયો.આવતા પહેલા પોલાએ ગામના વડીલોને ભેગા કર્યા અને કહી દીધું.
“ જુઓ હું હવે મારા સસરાના ગામે જાઉં છું. જમીનમાં પણ મારે ભાગ નથી જોઈતો. મકાન પણ બેય ભાઈઓ ભલે વહેંચી લે.. મારા પિતા પણ મારી સાથે આવવા તૈયાર હોય તો હું એને પણ લઇ જાવ. મને કોઈ તકલીફ નથી . ખેડુનો દીકરો છું મહેનત કરીને ગમે ત્યાંથી પેટ ભરી લઈશ. હું અને મારી પત્ની મારા ભાયુંના ભાગનું કશું લઇ જતા નથી. સ્થિતિ જ એવી છે કે મારા સાસુ સસરા બીમાર છે ત્યાં એની સેવા કરવા વાળું કોઈ નથી. મારા સાસુ ભગવાનનું માણસ છે. આ ગામના વડીલોને તો ખ્યાલ જ છે કે મારું વેવિશાળ હું નાનો હતો ત્યારે જ નબુ સાથે થઇ ગયેલું લગ્ન તો પછી ખુબ મોડા થયેલા. એ વેવિશાળ તોડાવવા માટે ઘણા પ્રયત્નો પણ થયેલા.. સારા સારા અને સુખી ઘરના માંગા આવતા ત્યારે અમારી પરિસ્થિતિ આજના જેવી નહોતી.પણ મારા સાસુ એક જ વાત કહેતા કે દીકરી એક વખત આપી દીધી ત્યાં આપી દીધી. મુરતિયો ભલે ગરીબ છે પણ નબુને ગમે છે અને અમનેય ગમે છે એટલે લોઢામાં લીટો!! નબુ જશે તો પોલા વેરે જ બાકી ક્યાય નહિ!! બસ એ સાસુ હવે બીમાર છે એટલે મારી પણ ફરજ બને છે કે એને મદદ કરવી જોઈએ!! હું નગુણો ન બની શકું!! સમાજને જે વાતો કરવી હોય એ કરે!! મને સમાજની બીક નથી.. સમાજ માટે હું નથી જીવતો એટલી સમજ મારામાં છે”
અને પોલો પોતાનો સામાન ભરીને સસરાના ઘરે આવ્યો. ગામમાં થોડાક દિવસ ચણભણ પણ થઇ કે ઘર જમાઈ આવ્યા ઘર જમાઈ આવ્યા!! પણ થોડા જ વખતમાં પોલો ગામમાં દુધમાં સાકર ભળે એમ ભળી ગયો!!

પોલા વશરામ પોતાના સસરાના ગામ આવ્યા કે તરત જ તેમના બે ય સગા ભાઈઓએ તળિયા ઝાટક વહેવાર કાપી નાંખેલો!!

ગામડાઓમાં જમાઈને કુમાર કહેવાનો ધારો એટલે થોડાક ટીખળી યુવાનો પોલાને શરૂઆતમાં પોલા કુમાર પણ કહેતા.. પછી એ બરાબર નહોતું જામતું એટલે એનું ટૂંકું કરી નાંખ્યું.. પીકે!! પછી તો ગામના પોલાની સારથના લોકો પીકે કહે અને પોલાથી મોટી ઉમરના લોકો એને પોલા વશરામ કહે!!
સાસુ સસરા બેય ને પક્ષઘાતનો હુમલો આવી ગયો હતો. ધીમે ધીમે શરીર ખોટું પડતું જતું હતું. બે વરસની સેવા ચાકરી કર્યા પછી ત્રણ ત્રણ માસના અંતરે એના સાસુ અને સસરાનું અવસાન થયું.સસરા પાસે આઠેક વીઘા જમીન હતી. જમીન કહેવાની હતી બાકી ખારું ધુધવા જેવું ખારચું હતું.. ચોમાસામાં વરસાદ વધારે પડે તો શિયાળામાં ચણા થતા બાકી બાવળિયા બારે માસ થાય!! પોલાએ અને નબુએ મહેનત કરી કરીને બાવળિયા કાઢ્યા..પણ જમીનનું તળ જ એવું ને ગમે તેમ કરો બાવળીયા પાછા ઉગી જ જાય!!
ધીમે ધીમે સમય વીતવા ચાલ્યો. પોલો ગામ આખાના પ્રસંગમાં જાય.. થાય એટલું કામ કરે..કોઈ ઠેકડી કરે જમાઈ જાણીને તો પણ પોલાનું મુખ હસતું જ રહે!! થોડા સમય પછી પોલાએ છકડો રિક્ષા લીધી.. ભાડા શરુ કર્યા.. ગામલોકો સાથે એનો સંપર્ક વધવા લાગ્યો હતો.. ખાસ કરીને ગામના ગોર તભા ગોર અને અરજણ મુખી અને હસુ માસ્તર સાથે પોલાને ઘર જેવા સબંધો બંધાયા!! લગ્ન પછી લગભગ પંદર વરસે પોલાને ઘેર પારણું બંધાયું!! ભગવાને મોડું મોડું પણ સંતાન સુખ આપ્યું પણ ડબલ ધમાકા જેવું સુખ આપ્યું. એકી સાથે બે દીકરીયું પોલાની ઘરે જન્મી અને તે દિવસે પોલાએ આખા ગામને મીઠું મોઢું કરાવેલું!!

જ્યાં સુધી દીકરીઓનો જન્મ નહોતો થયો ત્યાં સુધી ગામમાં કોઈ પણ લગ્ન પ્રસંગ હોય પોલાનો ચાંદલો કોઈ લેતું નહિ કારણકે ગામનો જમાઈ હતો અને બેનું દીકરીયુંનો ચાંદલો નો લેવો એવો ગામનો વણલખ્યો નિયમ!! કોઈ પણ બહેન દીકરી કે જમાઈ ચાંદલો લખાવે તો ગામના માસ્તર હસુભાઈ ચાંદલો લખી તો નાંખે પણ પૈસા પાછા આપી દે આવો ધારો લગભગ કાઠીયાવાડના તમામ ગામોમાં પ્રચલિત હતો.

દીકરીઓના જન્મ પછી માવજી ઓધાને ત્યાં લગ્ન પ્રસંગ આવ્યો. અને પોલાએ હસુભાઈ માસ્તરને બસોને એકાવન રૂપિયા આપીને ચાંદલો લખાવ્યો. હસુભાઈ માસ્તર પોલા સામું તાકી રહ્યા અને બોલ્યા.
“ગાંડો થઇ ગયો છો પોલા આટલી બધી રકમ તું ચાંદલામાં લખાવવા નીકળ્યો છો? તને ખબર જ છે કે જમાઈના ચાંદલા અમે લેતા જ નથી એક કામ કરું આ લે તારા પૈસા પાછા અને એમને એમ તારા એકાવન રૂપિયા લખી નાંખું”

“ના હસુદાદા હવે ધારો ફેરવવો છે.. હવે ચાંદલો લખવા ખાતર નથી લખવાનો પણ પૈસા પણ લેવાના જ છે.. હવે મારી ઘરે બે દીકરીયું છે એટલે એના લગ્ન વખતનું આ રોકાણ છે. હું રહ્યો મજૂર માણસ આમ કોઈ બચત કરી શકું નહિ.. પણ આવા પ્રસંગે ગામમાં મોટો વેવાર કરવાનો છે એટલે દીકરીઓના લગ્ન પ્રસંગે મને તાણ કે કપાણ નો નડે!! તમ તમારે આપણા બસોને એકાવન લખી નાંખો હવે તો હું આ ગામનો જ કહેવાવને”
હસુભાઈ માસ્તર હવે નિવૃત થવામાં આવ્યા હતા. આ ગામમાં દાખલ થયા ત્યારથી આ ગામના તમામ પ્રસંગોમાં એ ચાંદલા લખતા આવ્યા હતા. ગામના તો ઠીક પણ ગામના દરેક કુટુંબના બહારગામના સંબંધીઓને પણ તે સારી રીતે ઓળખાતા હતા તે પોલાની ભાવનાને સમજી ગયા હતા એણે પોલાનો ચાંદલો લખી નાંખ્યો અને મનોમન બોલ્યા પણ ખરા!! ખરેખર ભડનો દીકરો છે તું પોલા!!

બસ પછી પોલાએ ત્યાર પછી ગામમાં જેટલા લગ્ન પ્રસંગ હોય પોતાના ગજા બહારનો ચાંદલો એ લખાવતો હતો. દીકરીઓના જન્મ પછી પોલાનું ભાગ્ય જરા જેટલું ખીલ્યું હતું. પોલાની પત્ની ગામમાં દાડિયે જતી હતી અને પોલાની રિક્ષા પણ બરાબર હાલતી હતી. ગામમાં કોઈ પણ જગ્યાએ રસોડું હોય પોલો ખડેપગે હોય!! એ રસોઈયા સાથે રહી રહીને બધી જ રસોઈ પણ શીખી ગયો હતો. એકાદ વરસ પછી જેરામ કાળાને ત્યાં લગ્ન અને આગલી સાંજે રસોઈયો આવવાનો હતો ને રસ્તામાં એક્સીડેંટ થયુંને રસોયાનો પગ ભાંગ્યો. હવે તાત્કાલિક બીજો રસોઈયો ક્યાંથી લાવવો. પણ પોલો હતોને એણે કહી દીધું કે લાવો આજે હવે હું રસોઈ બનાવી નાંખું!!
અને પોલાએ દાળ ભાત શાક લાડવા અને મોહનથાળ બનાવી આપ્યા. સવારે જાન માટે ગરમાગરમ ગાંઠીયા બનાવી આપ્યા. સહુ ખુશ થઇ ગયા. ગામના તો વખાણ કરતા જ હતા પણ પોલાનું માન ત્યારે જ વધી ગયું કે ખુદ વેવાઈએ જમ્યા પછી બધાની હાજરીમાં કહ્યું કે
“ આ ગામમાં હું સાતેક વાર પ્રસંગોમાં આવ્યો છું.પણ આજે જે રસોઈ બની એવી ક્યારેય બની નથી એમાય દાળ અને શાક તો અફલાતુન હતા.. ગામે નવો રસોઈયો ગોત્યો કે શું?? બાકી અત્યાર સુધીમાં આ ગામમાં બાજુવાળા પાગભાઈ જ રસોડા કરે છે”
“ગામનો જ રસોઈયો છે અમને તો ખબરેય નહોતી આ તો પાગભાઈનું એક્સીડેન્ટ થયું એટલે તાત્કાલીક તો કોણ આવે આજુબાજુના તમામ ગામના

રસોઈયા બીજે બધે રસોઈમાં હતા પણ પોલાએ કામ પૂરું કરી દીધું. બાકી અમને ક્યાં ખબર હતી કે પોલો રાંધતા શીખી ગયો છે!!

બસ પછી તો ગામમાં કોઈ પણપ્રસંગ હોય પીકે ને જ રાંધવાનું!! પી કે એટલે પોલા કુમાર!! ગામના જમાઈ ખરાને!! એકાદ વરસમાં પોલાએ રસોડા માટેના વાસણો પણ વસાવી લીધેલા.. ઢગ આવી હોય કે સીમંતનો પ્રસંગ હોય!! જાન આવવાની હોય કે જાન પરણવા જવાની હોય!! લીલ પરણાવવાના હોય કે કોઈનું પાણીઢોળ હોય!! ગામમાં નાની સપ્તાહ બેઠી હોય કે નિશાળમાં બટુક ભોજન હોય!! પ્રસંગ બદલાય સ્થળ બદલાય માણસો બદલાય પણ રસોઈયા તરીકે પોલો જ હોય! ઈ નો બદલાય. વળી બધાને મજા એ વાતની આવતી કે જે આપે ઈ લઇ લે!! કોઈ નક્કી રકમ નહિ.. કોઈ ગરીબ ઘર હોય તો એક પૈસો પણ ના લે!!
પોલાના ઘરે પણ હવે ઠીક ઠીક પ્રમાણમાં સુખ આવવા લાગ્યું.પણ જેમ કેરીઓ આવે અને આંબો નમે એમ પોલો જેમ પૈસા વાળો થતો ગયો એમ વિનમ્ર બનતો ગયો. પોલાની બને દીકરીઓ શાળામાં પહેલા ધોરણમાં બેઠી અને પોલાએ આખી નિશાળ જમાડી હતી. સમય પસાર થતો ગયો.સાત ચોપડી ભણીને દીકરીયું ઘરના કામમાં લાગી ગઈ.પોલાએ હવે નવું મકાન બનાવ્યું હતું.હજુ રિક્ષા અને રસોડા કરવાનું શરુ જ રાખ્યું હતું. ગામમાં કોઈના ઘરે તકલીફ હોય પોલો પહેલા જ પહોંચી જાય. બને દીકરીઓ યુવાન થઇ અને બનેના વેવિશાળ થયા. લગ્નની તારીખ આવી ગઈ હતી. પોલાએ બધાને રૂબરૂ આમંત્રણ આપી દીધા હતા.

“ જુઓ સાતેય કામ પડતા મુકીને તમારે ત્રણ દિવસ મારે ઘરે હાજરી આપવાની છે એમાં ચૂક ન થાય.. તમારા બધા પ્રસંગમાં હું ઉભો રહ્યો છું..જો ના આવ્યો હોવ તો ન પાડો.. મારી ઘરે આ છેલ્લો અને પેલો પ્રસંગ છે..બધાએ દીપાવી દેવાનો છે” બધા એનો વાહો થાબડીને સધિયારો આપતા.
અને અચાનક જ આ અજુગતી ઘટના બની ગઈ અને ગામ આખું અવાચક જ બની ગયું. આખા ગામમાં કામ આવનારો પોતાના જ ઘરનું કામ આવ્યું ત્યારે ગેરહાજર હતો!!

તભા ગોર, અરજણ મુખી અને હસુભાઈ માસ્તરે તરત જ પરિસ્થિતિ પારખી લીધી.પોલાની અંતિમ યાત્રા નીકળી. ગામની મોટાભાગની સ્ત્રીઓ પોલાને ઘરે જ રોકાઈ ગઈ. સાંજે પોલાના ઘરે જ ગામ ભેગું થઇ ગયું. ઘરની બહાર બુંગણ પાથરીને સહુ શોક દર્શાવી રહ્યા હતા. તભા ગોર બોલ્યા.
“જે થયું એ થયું.. દુઃખ તો છે પણ એની સામેય લડી લેવાનું છે. ચાર જ દિવસમાં આપણે પાણીઢોળની વિધિ પૂરી કરી દેવાની છે. કાલે જ હું માસ્તરને બે ય દીકરીઓના વેવાઈને ત્યાં મોકલું છું. કારણ કે લગ્ન નજીકમાં જ છે એટલે જલદીશોક ભાંગી નાંખવાનો છે. પુરા ઉત્સાહથી અને ઉમંગથી આપણે દીકરીઓને વળાવવાની છે. બધાયે ખડે પગે રહેવાનું છે. તભાગોરે વાત પૂરી કરી અને હસુભાઈ માસ્તર બોલ્યા.
“ગામ આખાના મેં ચાંદલા લખ્યા છે. મને બરાબર ખબર છે કે બધાની ઘરે પોલાએ ચડિયાતો ચાંદલો કર્યો છે.. પોલાને સારું તો હમણા થયું બાકી પેલા તો ગરીબી આંટો લઇ ગઈ હતી તોય એ ભડના દીકરા એ ઉછીના પાછીના કરીને ય વેવાર નથી ચુક્યો.. એટલે તમને બધાને વિનતી કે તમે પણ સવાયો અથવા બમણો ચાંદલો કરશો..પોલો જતો રહ્યો છે પણ એની ખાનદાની અને માણસાઈ નથી ગઈ.. ગામ જીવશે ત્યાં સુધી પોલાની માણસાઈ અને ખાનદાની જીવવાની છે આ એક વાત.. અને બીજી વાત આ લગ્નનો હવે પછી નો તમામ ખર્ચ અરજણ મુખી અને એના ભાઈઓ ઉઠાવવાના છે. મુખીએ મને એમ કીધું કે આપણે નબુ પાસે એક રૂપિયો પણ માંગવાનો નથી. ગામની દીકરી છે નબુ એટલે એની પાસે કોઈ પૈસા માંગવાના નથી. આપે તો પણ બે હાથ જોડીને ના પાડવાની છે.. જે ખર્ચ થાય એ તમામ એ ઉઠાવી લેશે. અને બેય દીકરીના લગ્નનો જે ચાંદલો આવે એ તમામ આપણે નબુને આપી જ દેવાનો છે.. પણ આપણા બધાની પોતાની દીકરી પરણે છે એમ માનીને જ આ કામ ઉકેલવાનું છે!! હસુભાઈ માસ્તરે વાત પૂરી કરી.સહુએ સહમતી દર્શાવી.

ચાર જ દિવસ માં પાણીઢોળની વિધિ પૂરી થઇ. નબુ અને એની દીકરીઓને ગામે સાચવી લીધી. નિર્ધારિત કરેલ દિવસે જાન આવી. ધામધુમથી લગ્ન થયા. ગામના દરેક જણાએ જિંદગીનો સહુથી મહત્વનો ચાંદલો લખાવ્યો. બને દીકરીને વળાવવા માટે આખું ગામ ભેગું થયું હતું. જાનમાં આવેલ તમામ આભા બની ગયા હતા.પોલાની નિસ્વાર્થ સેવા ભાવના રંગ લાવી હતી. પ્રસંગ પત્યા પછી ચાંદલાની મોટી રકમ નબુને આપવામાં આવી હતી. અરજણ મુખી બોલ્યા.
“ તું ગામની દીકરી છો કોઈ પણ વસ્તુની જરૂર પડે ત્યારે ગામ આખું તારી પડખે ઉભું જ છે. જો કે આ રકમ એટલી બધી છે કે એમાંથી તું જીવે ત્યાં સુધી કોઈની પાસે હાથ લંબાવવો નહિ પડે અને બીજી વાત કે પોલાએ બે ય વેવાઈ સારા ગોત્યાં છે. જાન વળાવતી વખતે મને બને મુરતિયાએ કીધેલું કે અમે બને વારફરતી અઠવાડિયે અઠવાડીયે આ ગામમાં આંટો મારી જઈશું.. મારી સાસુ કોઈ ખોટી ચિંતા ના કરે”

અને એ પછી જમાઈઓ એ વાયદો પાળ્યો પણ ખરો.. વારફરતી દર અઠવાડિયે બેમાંથી એક જમાઈ સાસુની ખબર કાઢવા હાજર જ હોય!! પોલા વશરામ તો જતા રહ્યા પણ એની સુવાસ હજુ ગામમાં વિખરાયેલી છે આમેય સત્કાર્યોની સુવાસ ખુબ જ લાંબા સમય સુધી રોકાતી હોય છે!!
જીવનમાં કરેલા સારા કાર્યો જીવતે જીવ કદાચ તમે ના ભોગવી શકો એવું બને પણ તમારા વારસદારોને એના મીઠા ફળ ચોક્કસ મળતા હોય છે!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ,પો. ઢસાગામ,તા .ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks