શું ભારતની ક્રિકેટ ટીમ દુશ્મન દેશ પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા માટે જશે ? જાણો આ સવાલ ઉપર ભારત સરકારે શું આપ્યો જવાબ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનો રોમાન્ચ દુનિયાભરમાં જોવા મળતો હોય છે, જયારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોય છે ત્યારે રસ્તાઓ ઉપર પણ કર્ફ્યુ લાગી જાય છે. ત્યારે આઈસીસી દ્વારા એક મોટો નિર્ણય લેતા પાકિસ્તાનને 2025ની ચેમ્પિયન ટ્રોફીની મેજબાની સોંપી છે. જેના બાદ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.

આઈસીસી ચેમ્પિયન ટ્રોફીને મીની વર્લ્ડકપ કહેવામાં આવે છે. ગત વખતે 2017ની ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાને ફાઇનલમાં ભારતને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. હવે આ ખિતાબને બચાવવા માટે આઈસીસી તરફથી પાકિસ્તાનને આ ગ્લોબલ ટુર્નામેન્ટની મેજબાની કરવાની મળી ગઈ છે.

પાકિસ્તાન 29 વર્ષ બાદ આઈસીસીની કોઈ ટુર્નામેન્ટની મેજબાની કરશે. ત્યારે હવે પાકિસ્તાનને મેજબાની મળ્યા બાદ જ સવાલ ઉભો થઇ રહ્યો છે કે શું ભારતની ટીમ પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાનમાં રમવા માટે જશે ? જેનો જવાબ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારના રોજ આપ્યો હતો.

તેમને પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય આ નિર્ણયમાં સામેલ થશે અને ઘણી જ વિચારણા કર્યા બાદ આ વાત ઉપર નિર્ણય કરવામાં આવશે. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે એમ પણ જણાવ્યું કે સરકાર તે સમયે પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ ઉપર પણ નજર રાખશે.

તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન બંને દેશોના રાજનીતિક તણાવના કારણે ભારતની ટીમે લાંબા સમયથી પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો. બંને દેશની ટીમો આઈસીસીની ટુર્નામેન્ટમાં એકબીજાની સામે ટકરાતી રહી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે સમય આવવા ઉપર જોવામાં આવશે કે શું કરવાનું છે. તેમને એમ પણ જણાવ્યું કે ઘણા દેશો પાકિસ્તાનમાં સુરક્ષાના કારણોના લીધે પાછા હટી ગયા છે.

Niraj Patel