આજકાલ રીલ બનાવવાનું વ્યસન યુવાનોને ભરખી રહ્યું છે. આ નવા જમાનાના યુવાનો જ્યાં પણ જાય છે, ત્યાં મર્યાદાનું ધ્યાન રાખ્યા વગર રીલ બનાવવાનું શરૂ કરી દે છે, જો કે હવે સરકારે કેદારનાથ મંદિર પરિસરમાં રીલ બનાવનારાઓને પાઠ ભણાવવાનું શરૂ કર્યું છે. કેદારનાથ મંદિર પરિસરમાં રીલ બનાવતા 84 લોકોની ઓળખ કરવામાં આવી છે અને તેમની સામે ચલણ જારી કરવામાં આવ્યું છે, જેના કારણે 30,000 રૂપિયા સરકારી તિજોરીમાં જમા થયા છે.
જણાવી દઈએ કે ઉત્તરાખંડ સરકારે કેદારનાથ મંદિર પરિસરથી 50 મીટરના અંતરમાં રીલ અને ફોટોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. મંદિરથી 50 મીટરના અંતરે વિડીયોગ્રાફી અને સોશિયલ મીડિયા રીલ બનાવનારા 84 લોકો અને તિર્થ ક્ષેત્રમાં દારૂ પીને હંગામો મચાવનારા 59 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ વખતે વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના દર્શન કરવા મોટી સંખ્યામાં યાત્રિકો આવી રહ્યા છે. મંદિર પરિસરમાં રીલ બનાવવા પર પ્રતિબંધ હોવા છતાં અનેક યાત્રિકો મંદિરની સામે રીલ બનાવતા ઝડપાયા છે.
આવી સ્થિતિમાં પોલીસે તેમની સામે ચલણની કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય કેદારનાથમાં પોલીસ સતત નશાખોરી વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે, આ કાર્યવાહી અંગે રુદ્રપ્રયાગના એસપીએ જણાવ્યું કે, પોલીસે કુલ 143 લોકો સામે કાર્યવાહી કરાઇ છે જેઓ ત્યાં નશાખોરી કરતા હતા. તેમણે કેદારનાથ આવતા શ્રદ્ધાળુઓને ધામની ગરિમા જાળવવા અપીલ કરી છે.