બોડેલીના પટેલે 25 વર્ષ પહેલા કર્યા હતા ગોરી મેમ સાથે લગ્ન, હવે વતનમાં આવીને ધામધૂમથી કાઢ્યો વરઘોડો, લોકો પણ જોતા જ રહી ગયા, જુઓ તસવીરો

ગુજરાત સમેત દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ દરમિયાન રસ્તા પર પણ ઠેર ઠેર લગ્ન કરવા જઈ રહેલા લોકોના વરઘોડા પણ જોવા મળે છે. આ વરઘોડા જોઈને કોઈને પણ નાચવાનું મન થઇ જાય. ત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણા લગ્નની તસવીરો અને વીડિયો પણ સામે આવતા આવતા હોય છે જેમાં લગ્નનો તામજામ અને વૈભવ જોવા મળતો હોય છે. હાલ એવો જ એક વરઘોડો જોવા મળ્યો હતો. પરંતુ આ વરઘોડો લગ્નના 25 વર્ષ બાદનો હતો.

આ અનોખો વરઘોડો જોવા મળ્યો હતો છોટા ઉદેપુરના બોડેલીમાં. જ્યાં રહેતા નીતિન પટેલે 25 વર્ષ પહેલા અમેરિકામાં જઈને એક ગોરી મેમ સાથે લગ્ન કર્યા હતા. હવે લગ્નની 25મી વર્ષ ગાંઠ આવતા તેમણે વતન આવવાનું નક્કી કર્યું અને વતન આવ્યા બાદ તેમણે બોડેલીમાં ખુબ જ ધામધૂમથી વરઘોડાનું આયોજન કર્યું. તેમનો વરઘોડો જયારે બોડેલીમાંથી નીકળ્યો ત્યારે લોકો પણ જોવા માટે એકઠા થઇ ગયા હતા.

નીતિનભાઈ વર્ષ 1996માં બોડેલી પોતાનું વતન છોડીને અમેરિકામાં કમાવવા માટે ગયા હતા. જ્યાં વસવાટ દરમિયાન તેમની આંખ એક ગોરી મેમ સાથે મળી ગઈ અને તેમની વચ્ચેનો પ્રેમ વધવાના કારણે તેમણે લગ્ન કરી લીધા. તેમના લગ્નના 25 વર્ષ પૂર્ણ થવા પર તેમણે અમેરિકામાં પણ તેની ઉજવણી કરી હતી. પરંતુ બોડેલીમાં વસતા તેમના પરિવારજનોએ તેમના લગ્નની આ સિલ્વર જ્યુબિલી વતનમાં પણ ઉજવાય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

જેના બાદ નીતિનભાઈએ તેમના પત્નીને પણ વાત કરી અને તે પણ તેના માટે તૈયાર થઇ ગઈ. પછી નીતિનભાઈ પોતાના સાસરિયાઓ સાથે બોડેલી આવ્યા અને અહીંયા ધામધૂમથી વરઘોડાનું આયોજન કર્યું. આ વરઘોડામાં વિદેશથી આવેલા મહેમાનો પણ ભારતીય પરંપરાને જોઈને અભિભૂત થઇ ગયા હતા. વરઘોડાની અંદર નીતિનભાઈની પત્ની અને બાળકો સાથે સાસરિયાઓ પણ ભરપૂર ડાન્સ કર્યો.

નીતિનભાઈ પટેલના લગ્નની સિલ્વર જ્યુબલીના આ વરઘોડામાં હાથી ઘોડા પણ સામેલ કરવામાં આવ્યા હતા અને તેમનો ભવ્ય વરઘોડો યોજાયો હતો. જેને જોઈને સ્થાનિક લોકો પણ ઝૂમી ઉઠ્યા હતા. નીતિનભાઈના પરિવારજનો સાથે અમેરિકાથી આવેલા મહેમાનો પણ ભારતીય પોશાકમાં સજ્જ જોવા મળ્યા હતા. માથા પર સાફો બાંધીને તેમણે પણ આ વરઘોડાને ભરપૂર માણ્યો હતો.

Niraj Patel