વધુ એક ખરાબ સમાચાર : CDS બિપિન રાવત અને તેમની પત્ની સહિત અન્યના મૃતદેહોને લઇ જતી એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત

CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 મૃતકોના પાર્થિવ દેહને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે. ગુરુવારે સવારે જ મૃતકોના મૃતદેહને વેલિંગ્ટનથી મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર લાવવામાં આવ્યા હતા. તેમના મૃતદેહોને રેજિમેન્ટલ સેન્ટરથી સુલુર એરબેઝ પર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે કાફલામાંની એક એમ્બ્યુલન્સે તેનું સંતુલન ગુમાવ્યું અને બેકાબૂ રીતે પહાડી સાથે અથડાઈ. આ અકસ્માતમાં પોલીસકર્મીઓ ઘાયલ થયા પણ છે. જો કે અકસ્માત મોટો ન હતો, તેથી કોઈને ગંભીર ઈજા થઈ ન હતી.

જણાવી દઈએ કે, તામિલનાડુના કુન્નુરમાં 8 ડિસેમ્બરે બપોરે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા હતા. સીડીએસ સહિત તમામના પાર્થિવ દેહ આજે સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે. શુક્રવારે સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

CDS બિપિન રાવતના પાર્થિવ દેહને શુક્રવારે સવારે 11થી 2 વાગ્યા સુધી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ પછી, કામરાજ માર્ગથી બેરાર ચોકડી સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે. અંતિમ સંસ્કાર દિલ્હી છાવણીમાં કરવામાં આવશે. જ્યારે એમ્બ્યુલન્સ એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ઉભેલા લોકોએ દેશના વીર જવાનને ફૂલોની વર્ષા કરીને અંતિમ વિદાય આપી હતી. તમામ 13 મૃતદેહોને ભારતીય વાયુસેનાના C-130J સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં સુલુરથી દિલ્હી લાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તમિલનાડુની ટીમ કુન્નુર નજીક દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, જ્યાં બુધવારે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ સિવાય ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નુર પાસે હેલિકોપ્ટર ક્રેશ સ્થળ પર પહોંચી ગયા છે.

Shah Jina