બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ આખો દેશ આજે પણ તેને ભુલાવી નથી શક્યો. ત્યારે સુશાંતની મોતના પાંચ દિવસ પહેલા જ તેની મેનેજર દિશા સાલિયાનનું પણ મુંબઈના મલાડમાં આવેલા ફ્લેટના 12માં માળેથી નીચે પડી જવાના કારણે મોત થયું હતું. દિશાના મોત બાદ અલગ અલગ પ્રકારની ચર્ચાઓ મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહી હતી. ઘણા લોકો દિશાના મોત બાદ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે તેની હત્યા કરવામાં આવી છે.
ત્યારે પોલીસે તપાસ બાદ આ મામલો એમ કહીને બંધ કરી દીધો હતો કે દિશાનું મોત ફ્લેટમાંથી નીચે પડવાના કારણે થયું છે અને આ સુસાઇડ જ છે. ત્યારે આ ઘટનાના બે વર્ષ બાદ હવે CBIએ આ મામલે પોતાનો ખુલાસો વ્યક્ત કર્યો છે. દિશાની મોતના મામલામાં કેન્દ્રીય તપાસ બ્યુરોએ ખુલાસો કર્યો છે કે મેનેજર દિશા સાલિયાનનું મોત નશા દરમિયાન સંતુલન ખોવાના કારણે છત પરથી પડી જવાના કારણે થયું હતું.
દિશાની મોતના મામલામાં સીબીઆઈ દ્વારા અલગથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સીબીઆઈ અભિનેતા સુશાંતના મોતના મામલા સાથે સાથે દિશાના મોતની પણ તપાસ કરી રહ્યુ હતું. બંનેનું મોત થોડા દિવસના અંતરમાં જ થયું હતું અને બંને વચ્ચે કોઈ કનેક્શન હોવાની વાત પણ સામે આવી હતી. ત્યારે હવે દિશાની મોતના બે વર્ષ બાદ સીબીઆઈએ પોતાનો ખુલાસો રજૂ કરી દીધો છે.
સીબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું કે દિશા દારૂના નશામાં હતી અને તે સંતુલન ખોઈ બેસવાના કારણે છત પરથી પડી ગઈ. જેના બાદ એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે દિશા અને સુશાંતની મોત વચ્ચે કોઇપણ કનેક્શન નહોતું. તમને જણાવી દઈએ કે 8-9 જૂન, 2020ની રાત્રે દિશા તેના ફ્લેટમાંથી નીચે પડી ગઈ હતી. જયારે સુશાંતનું શબ 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફેલ્ટ પરથી ફાંસીના ફંદા પર લટકેલી હાલતમાં મળી આવ્યું હતું.