માલધારીઓએ સરકારને પણ ઝુકાવી દીધી ? હવે રખડતા ઢોર રસ્તા પર રહેશે કે નહિ આવી ગયો મોટો નિર્ણય, જાણો વિગત

ગત રોજ સમગ્ર રાજ્યમાં દૂધની અછત જોવા મળી હતી. કારણ કે માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ બિલનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. માલધારી પશુ પાલકો દ્વારા ગત રોજ દૂધનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ દૂધને લોકોને પીવડાવવામાં આવ્યું હતું તો ઘણી જગ્યાએ દૂધ રસ્તા પરના શ્વાનને પીવડાવી દેવામાં આવ્યું હતું, સુરતમાં પણ તાપી નદીમાં દૂધની થેલીઓ ફેંકી દેવામાં આવી હતી.

ત્યારે માલધારી પશુપાલકોના આ વિરોધ સામે આખરે સરકારs ઘૂંટણિયા ટેકવી દેવા પડ્યા અને વિધાનસભા ગૃહમાંથી સરકારે સર્વ સંમતિ દ્વારા આ ઢોર નિયંત્રણ બિલને પાછું ખેંચી લીધું હતું. જેના બાદ માલધારી સમાજમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી, સાથે જ તેમને ફટાકડા ફોડી અને આ જીતની ઉજવણી પણ કરી હતી. કોંગ્રેસના વિરોધ વચ્ચે પણ સરકાર દ્વારા ઢોર નિયંત્રણ બિલ બહુમતીના કારણે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

તો આ બિલને લઈને માલધારી સમાજ દ્વારા કાયદો રદ્દ કરવા માટે માંગ બુલંદ બનાવવામાં આવી હતી. જેના માટે માલધારી સમાજે મુખ્યમંત્રીને પણ રજુઆત કરી હતી. જેના બાદ વિધાનસભા સત્રના એક દિવસ પહેલા જ શેરથા ખાતે માલધારી મહાપંચાયત દ્વારા સંમેલન બોલાવીને આ કાયદો રદ્દ કરવા માટે સરકારને અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. જેના બાદ ગઈકાલે નોંધાયેલા વિરોધ બાદ આ બિલ રદ્દ કરવામાં આવ્યું.

આ બાબતે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, “આ બિલ મંજૂર થયા બાદ સરકારે માલધારી સમાજના આગેવાનો સાથે ખુલ્લા મને ચર્ચાઓ કરી છે. તેમની સમસ્યા પણ સમજી છે. સાથે સાથે મહાનગર અને પાલિકામાં પણ લોકોને તકલીફ ન પડે એટલા માટે એમના માટે પણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઢોરવાડા બનાવીને ઢોરને મૂકી જવાના અને ચૂકવણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમતોલ વ્યવસ્થા રાજ્યમાં કરીને આ ઢોર નિયંત્રણ કાયદો રાજ્યપાલે પરત મોકલ્યો છે. ત્યારે વિધાનસભામાં આજે સર્વાનુમતે પરત ખેંચવામાં આવ્યો છે.”

Niraj Patel