અમદાવાદીઓ સાવધાન ! ખાવામાં તો જીવાત નીકળતી જોઈ હશે, પરંતુ હવે તો કાજુના બંધ પેકેટમાંથી પણ નીકળી ઈયળો, જુઓ

ગુજરાતમાં નકલી ઘી, પનીર, મુખવાસ બાદ ડ્રાય ફ્રુટ્સ પણ ખાવાલાયક નથી, બંધ પેકેટમાંથી નીકળી ઇયળો

Caterpillars Have Emerged From Cashews : છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવાત નીકળવાની ઘણી ઘટનાઓ સામે આવી છે, આ ઉપરાંત હવે તહેવારોનો સમય હોય લોકો ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળ કરતા જોવા મળે છે. જેને લઈને હવે આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. અમદાવાદમાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, થોડા દિવસ પહેલા જ એક વ્યક્તિએ વેજ ફૂડનો ઓર્ડર આપતા અંદરથી નોનવેજ નીકળવાની ઘટના સામે આવી હતી, ત્યારે હવે ડ્રાયફ્રુટમાંથી ઈયળો નીકળવાની ઘટનાએ ચકચારી મચાવી દીધી છે.

કાજુમાંથી નીકળી ઈયળ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા એક મનીષાબેન પટેલને ડ્રાયફ્રુટ ખરદીવાનો કડવો અનુભવ થયો હતો. તેમને બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલ માધવ ડ્રાયફ્રુટની શોપમાંથી કાજુ ખરીદ્યા હતા. આ કાજુ લઈને તેઓ ઘરે ગયા અને ઘરે પેકેટ ખોલતા જ તેમાંથી ઈયળો નીકળી હતી.  જેના બાદ તે પોતાની ફરિયાદ લઈને દુકાન પર પહોંચ્યા હતા અને ત્યાં તેમને જે બરણીમાંથી કાજુ આપવામાં આવ્યા હતા તે જોયું તો તેમાં પણ જીવાત જોવા મળી હતી.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં :

ત્યારે ગ્રાહકે આ મામલે ફરિયાદ કરતા મનપા ફૂડ વિભાગની ટીમ પણ આવી પહોંચી હતી અને દુકાનમાં ચેકીંગ કરીને સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ ઉપરાંત માધવ ડ્રાયફ્રુટમાં જે બદામ હતી તે પણ અખાદ્ય હોવાનું સામે આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને બજારમાં ડ્રાયફ્રુટ અને મીઠાઈની ખરીદીનું પ્રમાણ પણ વધ્યું છે, ત્યારે આ પ્રકારના કિસ્સઓને લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થઇ રહ્યા છે.

જામનગરમાંથી પણ સામે આવી ઘટના :

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ કેબિનેટ બેઠકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રોજ ચેકિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે હવે શહેરમાં ડાયફ્રૂટ્સ પણ ખરાબ વેચાતા હોવાના પગલે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ઉપરાંત જામનગરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી જેમાં પટેલ કોલોનીમાં આવેલી એક નમકીનની દુકાનમાંથી ગ્રાહકે ખરીદેલી ખજૂરમાંથી જીવતી ઈયળ નીકળી હતી. કોર્પોરેશનના ફૂડ વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Niraj Patel