બોલિવુડના આ 4 મોટા સ્ટાર્સ સામે કેસ થયો દાખલ- જાણો સમગ્ર મામલો

છેલ્લા ઘણા સમયથી ગુટખા અને પાન મસાલા જેવી વસ્તુઓનો પ્રચાર કરી રહેલા અભિનેતાઓને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુટખા અને પાન મસાલા જેવી વસ્તુઓના પ્રચાર માટે સોશિયલ મીડિયા પર ઘણી ટીકાનો સામનો કરી ચૂકેલા 4 બોલિવૂડ સ્ટાર્સ હવે મોટી મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. બિહારની કોર્ટમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અજય દેવગણ અને રણવીર સિંહ વિરુદ્ધ પાન મસાલા અને ગુટખાને પ્રમોટ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ મુઝફ્ફરપુર સ્થિત સામાજિક કાર્યકર્તા તમન્ના હાશ્મીએ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ બોલિવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમાર પાન મસાલાની જાહેરાતમાં જોવા મળ્યા હતા.

આ જાહેરાતને લઇને તેને ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર તેની નિંદા પણ કરવામાં આવી હતી. જો કે મામલો વધતા જોઇ અભિનેતાએ આ બ્રાન્ડમાંથી પોતાને બેકઆઉટ કરી લીધો હતો. તેણે કહ્યું હતું કે તેને બ્રાન્ડના પ્રમોશનમાંથી જે પણ ફી મળશે તે તે દાન કરશે. જણાવી દઇએ કે, અજય દેવગન અને શાહરૂખ ખાન પણ પાન મસાલાને પ્રમોટ કરે છે, જેની જાહેરાત ખૂબ જ ચર્ચામાં છે. અમિતાભ બચ્ચન પણ તમાકુની બ્રાન્ડને એન્ડોર્સ કરતા હતા. જો કે, તેમણે ગયા વર્ષે તે બ્રાન્ડ સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો.

આ પછી તેમણે એક સત્તાવાર નિવેદન પણ જાહેર કર્યું, જેમાં આ માહિતી આપવામાં આવી. પરંતુ સામાજિક કાર્યકર્તા તમન્નાહ હાશ્મીએ રણવીર સિંહ, અજય દેવગન, શાહરૂખ ખાન અને રણવીર વિરુદ્ધ કલમ 467, 468, 439 અને 120B હેઠળ કેસ દાખલ કર્યો છે. ચાર્જશીટમાં આ ચારેય સ્ટાર્સ પર પૈસાના લોભ માટે પોતાની લોકપ્રિયતાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર આ કેસની સુનાવણી 27 મેના રોજ થશે.

સામાજિક કાર્યકર્તા તમન્ના હાશ્મીનું કહેવું છે કે આ ચાર સ્ટાર્સ તેમની લોકપ્રિયતાનો દુરુપયોગ કરી રહ્યા છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી કરોડો લોકો તેમના ચાહકો છે અને તેઓ પોતાના મનગમતા સ્ટાર્સને ફોલો પણ કરે છે. આ રીતે તેઓ તેમના જીવન સાથે રમત રમી રહ્યા છે. સામાજિલ કાર્યકર્તાના મતે, આ સ્ટાર્સ દ્વારા આવી બ્રાન્ડના પ્રમોશનથી બાળકો પર ખરાબ અસર પડશે અને તેઓ પણ આવું કરશે. આથી તેણે કેસ નોંધ્યો છે.

Shah Jina