જસદણમાં શાળાના બાળકોને લઈ જઈ રહેલી સ્કૂલ વાનના ગમખ્વાર અકસ્માતમાં 5માં ધોરણમાં ભણતી વિધાર્થીનીનું મોત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહી છે, આવા અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે હાલ એવો જ એક અકસ્માત રાજકોટના જસદણમાંથી સામે આવ્યો છે, જ્યાં બાળકોને લઈને જઈ રહેલી સ્કૂલવાન ધડાકાભેર કાર સાથે અથડાઈ હતી. જેમાં એક વિધાર્થીનીનું મોત થયું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આજે સવારે બાળકોને લઈને જઈ રહેલી સ્કૂલવાન ધડાકાભેર કાર સાથે ટકરાઈ હતી, જેમાં ધોરણ 5માં ભણતી વિધાર્થીની ગૌરીનું મોત નીપજ્યું હતું, જયારે 8 લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે મૃતક વિધાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 108 મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ અકસ્માત જસદણની એકલવ્ય સ્કૂલના બાળકોને લઈ જઈ રહેલી વાન સાથે થયો હતો, સ્કૂલવાન સાથે  એસેન્ટ કાર ધડાકાભેર અથડાઈ હતી અને કાર રોડની નીચે ઉતરી ગઈ હતી.

અકસ્માત એટલો ગમખ્વાર હતો કે આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને સ્કૂલવાનના ડ્રાઈવરને જેકની મદદથી એક કલાકની મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક પોલીસ અને 108ને પણ જાણ કરી દેવામાં આવી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર સ્કૂલવાન હનુમાન ખારચીયા ગામ તરફથી આવી હતી ત્યારે હોન્ડાલ હાઇવે ઉપર ગોળાઇમાં સામેથી આવતી એસેન્ટ કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. સ્કૂલવાનની અંદર ચાર વિધાર્થી બેઠા હતા. જેમાં ધોરણ 5માં ભણતી ગૌરી અજયસિંહનું નિધન થયું છે. આ ઉપરાંત અન્ય બે વિધાર્થીઓ સમેત કારમાં સવાર લોકોને પણ ઇજા પહોંચી છે.

Niraj Patel