કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર ત્રણથી ચાર વખત પલટી મારી ગઇ, સુરતના 4 લોકોના મોત, એક ઘાયલ

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગત રોજ એક અકસ્માતની ઘટના બની. દાદરા નગર હવેલી ખાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો અને આ અકસ્માતને પગલે કારનો બુ઼ડાકો બોલાઇ ગયો. જે કારનો અકસ્માત થયો હતો તે સુરત પાસિંગની હતી, અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરાં કાપ્યા હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર, દાદરા નગર હવેલીના દૂધની ખાતે કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને પાંચમાંથી ચારના મોત નીપજ્યાં હતાં. સુરત પાસિંગની ગાડી લઈને પાંચ મિત્રો ફરવા આવેલા અને અકસ્માત સર્જાયો. રોડની સાઈડમાં પડેલ મોટા પથ્થરો સાથે કાર ટકરાતા કારનો ખુરદો વળી ગયો હતો. આ અકસ્માત બુધવારે સાંજે સર્જાયો હોવાનું સામે આવ્યુ છે.

કારમાં સવાર પાંચ પૈકી એક ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યારે ચાર મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના પાંચ મિત્રો દાદરા નગર હવેલીના ખાનવેલ દુધની રોડ પર ઉપલા મેઢા ગામે કારમાં ખાનવેલ તરફ આવી રહ્યા હતા, ત્યારે ઘાટ ઉતરતી વેળાએ કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર એક મોટા પથ્થર સાથે અથડાયા બાદ ત્રણથી ચાર વખત પલટી મારી ગઈ. આ અકસ્માતમાં 4 વ્યક્તિનાં ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

મૃતકોમાં 45 વર્ષીય હસમુખ માગુંકિયા, 45 વર્ષીય સુજીત પુરુષોત્તમ કલાડિયા, 38 વર્ષીય સંજય ચંદુ ગજ્જર, 34 વર્ષીય હરેશ વડોહડિયાનો સમાવેશ થાય છે જ્યારે 24 વર્ષીય સુનીલ કાલિદાસ નિકુડે આ અકસ્માતમાં બચી ગયો છે. તમામ મૃતકો વેડ રોડ, સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.

Shah Jina