ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો લાંબા સમયથી તણાવપૂર્ણ ચાલી રહ્યા છે. કેનેડાની સરકાર અને ત્યાંની મીડિયા ભારત પર સતત ખોટા આરોપો લગાવી રહ્યું છે, અને હજુ પણ બાજ નથી આવી રહ્યું. જસ્ટિન ટ્રુડોની કેનેડિયન મીડિયાએ ભારત સરકાર વિરુદ્ધ એક નવું ષડયંત્ર રચ્યું છે. કેનેડાના એક અખબારમાં 20 નવેમ્બરે ભારત વિરૂદ્ધ એક અહેવાલ પ્રકાશિત થયો હતો, જેને ભારત સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધો છે.
આ રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના ષડયંત્રની જાણ હતી. ભારત પહેલાથી જ કેનેડાના આરોપોને પાયાવિહોણા બતાવી ચૂક્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કેનેડાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત પાસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની જાણકારી હતી, કેનેડાનો આ રિપોર્ટ એકદમ બેબુનિયાદ છે.
કેનેડાના ગ્લોબ એન્ડ મેલ ન્યુઝપેપરના રીપોર્ટમાં કેનેડિયન અધિકારીઓના હવાલે કહેવામાં આવ્યું છે કે નિજ્જરની હત્યાના કાવતરાની ભારતને પહેલેથી જ જાણ હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી પણ આ ષડયંત્રમાં સામેલ હતા. જો કે, કેનેડાના આ અહેવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે કેનેડા સરકારના સૂત્ર તરફથી કથિત રૂપે અખબારમાં કરવામાં આવેલા આવા હાસ્યાસ્પદ નિવેદનોને નકારી કાઢવા જોઈએ.
આવા કેમ્પેઇન કોઈને બદનામ કરવાના હેતુથી ચલાવવામાં આવે છે. અમે પહેલા જ કહી દીધું છે કે નિજ્જરની હત્યા સાથે ભારતને કોઈ લેવાદેવા નથી. અમે ફરી એકવાર કહી રહ્યા છીએ કે ભારતને આ મામલાની સાથે જોડવું સંપૂર્ણપણે ખોટું છે. આવી સ્થિતિમાં જે પણ કહેવામાં આવી રહ્યું છે તે અત્યંત હાસ્યાસ્પદ છે. જણાવી દઇએ કે, જસ્ટિન ટ્રુડોએ ગયા વર્ષે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સીધી સંડોવણીનો આરોપ લગાવ્યો હતો.
તેમણે આ માટે વિશ્વસનીય પુરાવા હોવાનો દાવો પણ કર્યો હતો. જો કે ભારતે કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે કેનેડાના તમામ આરોપો બેબુનિયાદ અને પાયાવિહોણા છે. આવો જ આરોપ કેનેડાના વડાપ્રધાને આપણા પીએમ મોદી પર પણ લગાવ્યો હતો. જેને પણ સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યો.