દક્ષિણ કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 2ના મોત, 18થી વધુ લોકો ઘાયલ, જુઓ ભયાનક વીડિયો

દક્ષિણ કોરિયા અને કેનેડા બાદ હવે અમેરિકામાં પણ પ્લેન ક્રેશ થયું છે. અમેરિકાના સધર્ન કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ઉડાન દરમિયાન એક નાનું વિમાન બિલ્ડિંગની છત સાથે અથડાયું હતું. ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ અનુસાર, આ અકસ્માતમાં બેના મોત થયા હતા અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

પ્લેનમાં આગ લાગી

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ FlightAware ના જણાવ્યા અનુસાર, ચાર સીટવાળું સિંગલ એન્જિન પ્લેન ટેકઓફ થયાની એક મિનિટ પછી ક્રેશ થયું હતું. નાનું પ્લેન બિલ્ડિંગની છત સાથે અથડાતા તેમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ ઝડપથી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી. નજીકના રહેણાંકોને ખાલી કરાવવામાં આવ્યા હતા. આગથી એક વેરહાઉસને નુકસાન થયું હતું જેમાં સિલાઈ મશીન અને કાપડનો સ્ટોક હતો.

વિમાન દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બિલ્ડીંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે તે કયા પ્રકારનું પ્લેન હતું અને ઘાયલ થયેલા લોકો પ્લેનની અંદર હતા કે જમીન પર. આ અકસ્માત કેલિફોર્નિયાના ફુલર્ટનમાં રેમર એવન્યુના 2300 બ્લોકમાં થયો હતો.

ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પાસે બની ઘટના

ફુલર્ટન લોસ એન્જલસથી લગભગ 40 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં લગભગ 1.50 કરોડ વસ્તી ધરાવતું શહેર છે. આ દુર્ઘટના ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પાસે થઈ હતી, જે ડિઝનીલેન્ડથી લગભગ 6 માઈલ દૂર છે. એરપોર્ટમાં એક જ રનવે અને હેલીપોર્ટ છે. તે રહેણાંક વિસ્તારો, વ્યાપારી વેરહાઉસીસ અને ટ્રેન લાઇનથી ઘેરાયેલું છે.

Twinkle