અજબગજબ કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

કાલીમાતાનું સૌથી વિશાળ મંદિર, જ્યાં સતી પોતાનાં સૌથી ભયંકર રૂપમાં દર્શન આપે છે!

દક્ષ પ્રજાપતિની પુત્રી સતીનાં વિવાહ શિવ સાથે થયેલાં. દક્ષ પ્રજાપતિને જટાધારી, સ્મશાનમાં રહેનારા, ભૂતડાં સાથે વસનારા, ગળામાં નાગ ધારણ કરનારા અને શરીરને ભસ્મ ભૂંસનારા શિવ જેવા જમાઈ પસંદ ન હતા. આ દક્ષરાજાએ યજ્ઞ કર્યો ત્યારે શિવને આમંત્રણ ન આપ્યું. પણ બાપને ઘેર પ્રસંગ હોવાથી સતી તો ગયાં. દક્ષ પ્રજાપતિએ શિવનું અપમાન કર્યું. સતીથી શિવનું અપમાન ના સહન થયું. હવનકુંડમાં કુદીને તેમણે જીવ આપી દીધો!

Image Source

શિવને આ વાતની ખબર પડી અને તેમનો ક્રોધ સાતમા આસમાને પહોંચ્યો. દક્ષ પ્રજાપતિનું માથું વાઢી નાખ્યું. એમનો યજ્ઞ રફેદફે કરી નાખ્યો. સતીના મૃતદેહને ઉપાડીને શિવ વિયોગમાં ઘૂમવા લાગ્યા. આ તો ધૂર્જટિનો કલ્પાંત હતો, જેવો તેવો હોય નહી! ધરણી ધ્રૂજી ને આકાશ થથર્યું. ઇન્દ્રાસન ડોલ્યું. દેવો ડર્યા, દાનવો ડર્યા ને માનવીઓનું તો પૂછવું જ શું! હવે શિવને શાંત કેમ કરવા? આખરે ભગવાન વિષ્ણુએ છોડેલાં ચક્રથી સતીના દેહના ટૂકડા થયા હોવાનું માનવામાં આવે છે. માતા સતીનાં શરીરના ૫૧ ટૂકડા જ્યાં પડ્યાં ત્યાં આજે ૫૧ શક્તિપીઠો રહેલી છે. પવિત્ર અને તેજદાર શક્તિઓનાં આ સ્થાનક લોકો માટે પરમ આસ્થાનાં કેન્દ્ર છે. બધાં દેવસ્થાનોમાં આ ૫૧ સ્થાનોને શિરમોર માનવામાં આવે છે. અહીં તેમાંથી એક શક્તિપીઠની વાત મૂકી છે, જે ‘કાલીપીઠ’ તરીકે ઓળખાય છે અને જ્યાં શક્તિ ખરેખર જાગૃત અવસ્થામાં છે.

Image Source

અહીં પડી હતી માતાજીના જમણા પગની આંગળીઓ:
કલકત્તાના કાલીઘાટમાં આવેલ કાલીમાતાનું મંદિર ૫૧ શક્તિપીઠોમાંનું એક છે. કાલીમાતાનું ભારતમાં આ સૌથી ભવ્ય અને ભાવિકોમાં અતિ પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે. સતીના જમણા ચરણની આંગળીઓ અહીં પડી હતી. આ શક્તિસ્થાન ‘કાલીપીઠ’ તરીકે પણ જાણીતું છે. હુગલી નદીના પૂર્વ કિનારે આવેલું આ મંદિર માતાજીની રૌદ્ર અવસ્થાને દર્શાવે છે.

Image Source

મહાકાળીનું ભયંકર રૂપ અને સોનાની જીભ:
કાલીમાતાની તસ્વીર તો સૌએ જોઈ જ હશે. કરાલ-વિકરાળ રૂપમાં શોભતી મહાકાળીએ એક હાથમાં ભાલું ધારણ કર્યું છે, જે અસુરોનાં માથા વાઢીને તાજું જ લોહી તરબોળ થયેલું છે. બીજા હાથમાં ખપ્પર છે, જેમાં અસુરોનું લોહી એકઠું થયું છે. માતાજીને નરમૂંડોની માળા પહેરી છે. કમરે પણ આવી જ માળા છે. નીચે પડેલા શિવના દેહ પર એક પગ મૂક્યો છે.

જો કે, કાલીપીઠમાં આવેલ કાલીમાતાની મૂર્તિને ચાર હાથ છે. સૌથી ધ્યાનાકર્ષક અને દર્શનીય તો માતાજીની જીભ છે, જે બહુ લાંબી અને નખશીખ સોનાની બનેલી છે! મસ્તક અને ચાર હાથની આ મૂર્તિ કાળા પથ્થરમાંથી બનાવેલી છે. આભૂષણોનો શણગાર થયેલો છે. સિંદૂરનો લેપ પણ શોભે છે. લાલ વસ્ત્રોમાં માતાજી શોભે છે. આમ, મૂર્તિ ખરેખર દેદીપ્યમાન છે.

Image Source

આ ખાસ સમયે પુરુષોને દર્શન કરવાની મનાઈ છે:
એક વખત હતો જ્યારે ગંગા નદી કાલીપીઠની બિલકુલ નજીકથી પસાર થતી. નદીમાં પડતા મંદિરના ઘાટને ‘કાલીઘાટ’ કહેવાતો. હવે નદી થોડી દૂર ચાલી ગઈ છે. બંગાળનો નવરાત્રીમાં દુર્ગાપૂજાનો અવસર ભારતભરમાં પ્રખ્યાત છે. દુર્ગાપૂજા વખતે કાલીપીઠમાં ભક્તોની હકડેઠઠ મેદની ઉમટે છે.

દુર્ગાપૂજા છઠ્ઠે નોરતેથી શરૂ થાય છે અને દશેરાને દિવસે સમાપ્ત થાય છે. પાંચ દિવસના આ મહોત્સવના પ્રથમ દિવસે ભગવતી દુર્ગાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને છેલ્લે દિવસે મૂર્તિનું વિસર્જન કરાય છે. આ ઉત્સવ બંગાળ સહિત પૂર્વ-ઉત્તર ભારતમાં મોટા પ્રમાણમાં ઉજવાય છે. કાલીપીઠમાં પણ આ મહોત્સવનું આયોજન થાય છે.

Image Source

દશેરાને દિવસે ‘સિંદૂર ઉત્સવ’ હોય છે. આ પ્રસંગે મહિલાઓ પાંદડા વડે માતાજીને સિંદૂર લગાવે છે અને પછી અરસપરસ પણ સિંદૂર લગાવે છે. એકબીજીનાં અખંડ સૌભાગ્યની કામના કરે છે અને માતાના આશિર્વાદ મેળવે છે. આ સમયે બપોરથી લઈને સાંજ સુધી કાલીપીઠમાં માત્રને માત્ર સ્ત્રીઓ જ પ્રવેશી શકે છે. પુરુષોનો પ્રવેશ આટલા સમય પૂરતો વર્જ્ય છે. આ અવસરે માતાજીને ૫૬ ભોગ પણ ધરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, બંગાળમાં વધુ એક કાલીમાતાનું મંદિર પણ આવેલું છે જે દક્ષિણેશ્વરમાં સ્થિત છે. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલું હોઈ આ મંદિર પણ ભારતભરમાં વિખ્યાત છે. સ્વામીના વિવેકાનંદના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ અહીં જ માતાજીની સેવા કરતા.

માહિતી ગમી હોય તો મહેરબાની કરીને કોઈકને શેર પણ કરજો : વોટ્સએપ ગૃપમાં કે ફેસબુકમાં અથવા તમારા મિત્રોમાં લીંક શેર કરી આ વાતને સૌ સાથે વહેંચજો. જય મહાકાળી!