સુરતમાં CAનો વિદ્યાર્થીને BRTS રસ્તા પર સડસડાટ આવતી એમ્બ્યુલન્સે ઉડાવી દીધો, કરુણ મોત, રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

સુરતમાં શ્વાસ અધ્ધર કરી દે એવો અકસ્માત, એમ્બ્યુલન્સે CA ભણતા વિદ્યાર્થીને ઉડાવ્યો, પ્રાણપંખેરું ઊડી ગયું – જુઓ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો આવા અકસ્માતોમાં ગંભીર રીતે ઘાયલ થતા હોય છે અને ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે આવા અકસ્માતના વીડિયો જયારે સામે આવે છે ત્યારે આપણા પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે. હાલ એવો જ એક રૂંવાડા ઉભા કરી દેનારો અકસ્માત સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં એમ્બ્યુલન્સે એક આશાસ્પદ યુવકને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ફૂટેજ સીસીટીવીના છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક સીએનો વિદ્યાર્થી બીઆરટીએસ રૂટમાંથી ચાલીને પસાર થઇ રહ્યો હતો ત્યારે જ સડસડાટ આવી રહેલી એમ્બ્યુલન્સે તેને ટક્કર મારી હતી અને ઉડાવી દીધો હતો. જેના કારણે તે 5 ફૂટ દૂર ઉડીને પડ્યો અને તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું.

આ અકસ્માતમાં મોતને ભેટનાર યુવકનું નામ અનિલ રાજેશ ગોધાણી હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. તે અમદાવાદમાં છેલ્લા 3 મહિનાથી તેના કાકાના ઘરે રહીને સીએનો અભ્યાસ કરતો હતો. ગત બુધવારના રોજ તે ફોઈના ઘરે હોળી રમવા માટે આવ્યો હતો અને અહીંયા તે સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિરની પાછળ શિવાય હાઈટ્સમાં રહેતો હતો. આ દરમિયાન જ તે સીમાડા નાક ઉમંગ હાઈટ્સની સામે આવેલા બીઆરટીએસ રૂટમાંથી પસાર થતો હતો ત્યારે જ તેને એમ્બ્યુલન્સે ટક્કર મારી.

આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે અનિલને ટક્કર માર્યા બાદ એમ્બ્યુલન્સ ચાલક સહેજ વાર પણ રોકાયો નહિ અને એજ સ્પીડે ટક્કર માર્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયો. ઘાયલ થયેલા અનિલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે સરથાણા પોલીસે એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

Niraj Patel