CA student commits suicide Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ખાસ કરીને નાની ઉંમરના યુવાનો કોઈ નાના એવા કારણને લઈને પણ આપઘાત જેવું ભયાનક પગલું ભરતા હોય છે, આપઘાત કરવા પાછળનું મુખ્ય કારણ પ્રેમમાં નિસ્ફળતા કે પછી પરીક્ષામાં નાપાસ થવું કે ઓછા માર્ક્સ આવવા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં એક CAની વિદ્યાર્થીનીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોરના કોઠારીયા રોડ પર આવેલા તિરુપતિ સોસાયટી શેરીમાં 1 નંબરમાં રહેતી માનસી ગઢીયા નામની CAની વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરમા ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ મામલે પરિવારજનો દ્વારા 108ને જાણ કરવામાં આવી, જેમાં માનસીને મૃત જાહેર કરી હતી. ત્યારે આ મામલે તપાસમાં સામે આવ્યું છે કે 21 વર્ષીય માનસી CAનો અભ્યાસ કરી રહી હતી અને પરીક્ષામાં નાપાસ થવાના કારણે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
માનસી બે ભાઈઓ વચ્ચે એકની એક જ બહેન હતી. તેના પિતા પાનનો ગલ્લો ચલાવે છે. આ ઘટના અંગે ભક્તિનગર પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેને આધારે હાલ પોલીસ માનસીના મોતનું સાચું કારણ શોધવામાં લાગી છે. પોલીસને મળેલી સુસાઇડ નોટમાં માનસીએ લખ્યું હતું, “આઈ એમ સોરી. મને નથી ખબર કે, હું આ કેમ કરું છું? પરંતુ હવે સહન નથી થતું.”
માનસીએ આગળ એમ પણ લખ્યું છે કે, “મમ્મીએ દાદાએ મને આટલું ભણાવી આટલા સુધી પહોંચાડી છે. પણ ઘણા સમયથી એવું લાગે છે કે, જે એમણે મારા માટે વિચાર્યું છે તે મારાથી નથી થયું. હું ઘણી મહેનત કરું છું. હું અગાઉ એક્ઝામમાં ફેઇલ પણ થઈ હતી. તો પણ મને ઘરેથી કોઈએ કંઈ કહ્યું નથી. હું થાકી ગઈ છું. એક્ઝામ છે એના માટે મેં ખૂબ મહેનત પણ કરી છે પણ આખો દિવસ એકલી રહીને હું ઓવરથીંકીંગ કરું છું. ફ્યુચરમાં કંઈ નહીં થાય મારાથી તો એ વિચારીને મને બીક લાગે છે.”
“મારી મમ્મી થાકી ગઈ છે. હું આવી રીતે નથી જોઈ શકતી. હું આટલે સુધી આવીને સીએ નથી મૂકી શકતી. મને કોઈ પરાણે નથી કરાવતું મારી મરજીથી જ કરું છું. મારા દાદા અને બે ભાઈએ મને ભણાવવામાં બહુ સપોર્ટ કર્યો છે. જેટલું કરી શકાય એટલું કર્યું છે. મારી તબિયત ખરાબ થવા લાગી છે. ડિપ્રેશન છે કે શું મને નથી ખબર. મને લાગ્યું કે, હું ભાઈને બધું કહી દઉં પણ હિંમત ન થઈ. આઈ એમ સોરી મમ્મી, ભાઈ.” માનસીના અકાળે મોત બાદ પરિવારમાં પણ માતમ છવાયો છે.