લોકોને લોભામણી સ્કીમની ઝાળમાં ફસાવીને 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાન હાલ પોલીસ સકંજામાં છે. ભૂપેન્દ્ર ઝાલા સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે આ કેસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં તપાસનો રેલો નેતાઓ સુધી પણ પહોંચી શકે તેમ છે જેથી નેતાઓ પણ હવે ફફડી ઉઠયા છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ નેતાઓમાં ફફડાટ
BZ પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાજપના ટોપના નેતાઓ સાથે રાજકીય સંબંધ જગજાહેર છે. એટલું જ નહીં, રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર સાથે નજીકના સબંધ હોવાની ચર્ચા છે. સાબરકાંઠા-અરવલ્લીના શિક્ષકોએ ઝાલાની પોન્ઝી સ્કીમમાં મોટાપાયે રોકાણ કર્યું છે. આ કૌભાંડ થકી ઝાલાએ સાબરકાંઠા જ નહીં, અન્ય જિલ્લાઓમાંથી પણ લાખો-કરોડો ઉઘરાવ્યા છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાનું રાજકીય કનેક્શન
ભાજપના નેતાઓ સાથે રાજકીય કનેક્શન ધરાવતાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અને ભાજપના નેતાઓના ઈશારે તેને ફોર્મ પરત પણ ખેંચ્યુ હતું. જેથી પોન્ઝી સ્કીમના આ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપના ટોપના નેતાઓ સાથે રાજકીય સબંધ છે તે સામે આવ્યું છે. ધવલસિંહ ઝાલા સહિત અનેક ધારાસભ્યો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવી ચુક્યું છે. એટલુ જ નહીં, રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર સાથે નજીકના સબંધ હોવાની ચર્ચાઓ ઉઠી છે. તેમજ એવું પણ જાણવા મળ્યુ છે કે, ભાજપના યુવા મોરચાના સદસ્ય ઝાલાના એજન્ટ છે. ત્યારે તેમની પણ તપાસ કરવામાં આવશે કે આ કૌભાંડમા તેમણે ફંન્ડિં કર્યું છે કે કેમ ? તેમજ કૈભાંડમાં તેમની કોઈ સંડોવણી છે કે કેમ ? સીઆઇડી ક્રાઇમે આ બધી જાણકારી મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
તપાસમાં ખુલી શકે છે મોટા રાઝ!
આ કેસની તપાસમાં આ કૌભાડમાં કોની કોની સંડોવણી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની સ્કિમમાં કયા કયા રાજકીયનેતાઓએ ફંડિગ કર્યુ છે તેની તપાસ થશે. ત્યારે તપાસનો રેલો પોતાના સુધી પહોંચે તેવી શક્યતાને પગલે રાજકીય નેતા,એજન્ટો, મદદગારો ફફડી ઉઠયાં છે.એવું જાણવા મળી રહ્યુ છે કે, આ કૌભાંડમાં સંડોવણી ન ખૂલે તે માટે રાજકીય નેતા અને મદદગારોએ દોડધામ મચાવી છે.