ગુજરાતમાં BZ જેવા કૌભાંડની આશંકા, 6 વર્ષે નાણા ડબલ કરી આપવાનું કહેનારી ખાનગી કંપનીનું ઉઠમણું
BZ જેવો વધુ એક કાંડ થઇ ગયાની આશંકા છે. અમદાવાદની યુનિક મર્કન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ કંપની સામે આક્ષેપ છે કે તેઓ રોકાણકારોનાં રૂપિયા ચાઉં કરી ગયા છે. જામનગરનાં ત્રીસેક જેટલા લોકો સાથે 5 લાખ કરતા વધુની ઠગાઈ કરવામાં આવી હોવાના અહેવાલ છે. 6 વર્ષમાં નાણા ડબલ કરવાની લાલચ આપી રોકાણકારો પાસે રોકાણ કરાવ્યુ હતુ. જામનગરની ઓફીસ બંધ જોવા મળ્યા બાદ ભોગ બનનાર લોકો અમદાવાદ પહોંચ્યા હતા. આ પછી આશ્રમ રોડ પાસે આવેલ ઓફિસ પાસે રોકાણકારોએ હોબાળો કર્યો હતો.
એવી માહિતી છે કે આ પહેલા પણ કંપની સામે ફરિયાદ થઈ ચૂકી છે. જણાવી દઇએ કે, ગુજરાતમાં હાલમાં પોન્ઝી સ્કીમ ચર્ચામાં છે. ભૂપેન્દ્ર સિંહ ઝાલા નામના માસ્ટર માઈન્ડે એજન્ટો રાખી લોકોને તગડું વ્યાજ આપવાની લાલચ આપી હતી અને 6000 કરોડની ઠગાઈ કરી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે, આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ જણવ્યું હતું કે જામનગર જિલ્લા એસ.પી. તથા કલેક્ટર સમક્ષ આ મામલે રજૂઆત કરાઈ છે પણ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
રોકાણકારો છેલ્લા દોઢેક વર્ષથી રૂપિયા મેળવવા ઓફિસ પર ધક્કા ખાઈ રહ્યાં છે. જામનગરના કેટલાક વ્યક્તિઓએ વર્ષો પહેલાં યુનિક મર્કેન્ટાઈલ સોસાયટીમાં પોતાની મરણમૂડી રોકી હતી અને અમદાવાદની જ પેઢીના એજન્ટ મારફત નાણા રોકવામાં આવ્યા હતા. જો કે મુદ્દત પૂર્ણ થઈ ગયાને પણ સમય વીતી ગયો છે. તેમ છતાં પણ પેઢી દ્વારા ગરીબ લોકોને તેના પરસેવાની કમાણી પરત આપવામાં આવી નથી.
આ બાબતે અવારનવાર રજૂઆતો જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા સમક્ષ કરવામાં આવી છે. આ મામલે આજે કંપનીના એજન્ટો અને રોકાણકારો સામે આવ્યા હતા. તેઓએ જણવ્યું હતું કે- જામનગરમાં 2016 માં યુનિક મર્કેનટાઇલ ઇન્ડિયા લી નામની ખાનગી પેઢી ચાલુ કરવામાં આવી હતી. એકના ડબલ, વધુ વ્યાજ, એસઆઈપી, જીવન અને સ્વાસ્થ્ય વીમાના નામે ચાલતી આ સ્કીમે જામનગરમાં અનેક એજન્ટો રોકી ગ્રાહકોને આકર્ષ્યા. આઠ વર્ષ પહેલા શરૂ થયેલી આ પેઢીમાં દોઢ વર્ષથી તાળા છે.
યુનિક કંપની જામનગર સહીત દેશભરમાં 95 ઉપરાંત બ્રાન્ચ ઉભી કરી હતી. જેમાં મૂળ બંગાળના હાલ અમદાવાદમાં રહેતા રાજકુમાર રાય નામનો શખ્સ મૂળ સૂત્ર ધાર છે. ત્યારે જામનગરમાં 100 કરોડ ઉપરાંતની સ્કીમ ચલાવી છે. એજન્ટો કહી રહ્યાં છે કે રોકાણકારો અમારા ઘરે આવે છે, અમારી ઘરવખરીની વસ્તુઓ લઈ જાય છે અને મારે પણ છે. આ કંપની તાત્કાલિક રૂપિયા રોકાણકારોના પરત કરે તેવી માંગ કરી છે.