ગુજરાતમાં વ્યાજખોરીનો સૌથી મોટો કેસ: વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ, કીડની અને લીવર વેચવા…

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ, વ્યાજખોરોએ 24 કરોડને બદલે 183 કરોડ…

ગુજરાતમાંથી કેટલીકવાર વ્યાજખોરોના ત્રાસની આપઘાતના કિસ્સા સામે આવે છે, પણ હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે ગુજરાતમાં વ્યાજખોરીનો સૌથી મોટો કેસ છે. અમદાવાદના સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલ રત્નાકર એવન્યુમાં રહેતા બિલ્ડરે ધંધાકીય કામ માટે આઠ લોકો પાસેથી કરોડો રૂપિયા લીધા હતા. જો કે, તેમણે લાખોની સામે કરોડો રૂપિયા આપી દીધા હોવા છતાં પણ વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો હતો, તેઓએ પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી બિલ્ડર ઘર છોડીને હોટલમાં રહેવા લાગ્યો અને તેમ છત્તાં પણ ધમકી ચાલુ રહેતા વેપારી બિલ્ડરે ઉંઘની દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાકેશ શાહ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે અને તેમની ઓફિસ સેટેલાઇટ રાહુલ ટાવરમાં આવેલા અરીસ્તા બિઝનેસ હબમાં છે. તેમણે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના જુના મિત્ર સંગમ પટેલ પાસેથી એપ્રિલ 2020થી અત્યાર સુધી કામ માટે રૂપિયા 13.65 કરોડ જેટલી રકમ લીધી હતી. જેની સામે માસિક દોઢ ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યુ હતું. જો કે થોડા સમય બાદ સંગમ પટેલે માસિક 10 ટકા વ્યાજ માંગ્યું અને તે ન આપે તો એક ટકા પેનેલ્ટીની વાત કરી. રાકેશ શાહે બીજા વ્યક્તિ પાસેથી 7 કરોડ જેટલી રકમ ચુકવી આપી અને બાકીના 6.62 કરોડ પછીથી ચુકવી આપવા કહ્યું પણ સંગમ પટેલે 24 કરોડ રૂપિયાની માંગ કરીને અનેક ધમકીઓ આપી.

ફરિયાદી રાકેશ શાહે અર્પિત શાહ પાસેથી એપ્રિલ 2020ના રોજ 18 લાખ રૂપિયા લીધા હતા. જેમાં અર્પિત શાહે 10 ટકા વ્યાજની માંગણી કરી હતી અને કુલ રોકાણની સામે 79 લાખ રૂપિયા ચુકવી આપ્યા તેમ છતાં પણ ખોટા હિસાબ દર્શાવીને રૂપિયા 12 કરોડની ઉઘરાણી માંગી અને ધમકી આપી. જે પછી ધંધાના કામે નાણાંની વધુ જરૂર પડતા રાકેશ શાહે અસ્પાલભાઇ શાહ અને દીગપાલભાઇ શાહ પાસેથી 7.96 કરોડ જેટલી રકમ લીધી અને માસિક દોઢ ટકા વ્યાજ નક્કી કર્યું પણ થોડા સમય પછી માસિક 10 ટકા વ્યાજ ગણીને ઉઘરાણી શરૂ કરી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

રાકેશ શાહે બીજી વ્યક્તિઓ પાસેથી ઉધાર નાણાં લઇને 2.57 કરોડ રૂપિયા ચુકવી આપ્યા અને તે પછી પણ 25 કરોડની રકમ બાકી છે તેમ કહીને માંગણી શરૂ કરી. જુન 2021થી રાકેશભાઇએ અશોક ઠક્કર સાથે સંકળાયેલા અનેક લોકો પાસેથી 4 કરોડ રૂપિયા લીધા અને જેમાં મોટાભાગના નાણાંની ચૂકવણી થઇ ગઇ હોવા છત્તાં પણ 50 કરોડની ઉઘરાણી શરૂ કરી અને ધમકી આપી હતી કે નાણાં નહી આપે તો હત્યા અકસ્માત મોતમાં ખપાવી દઇશું. રાકેશ શાહે ચેતન પાસેથી 8 કરોડ જેટલી રકમ લીધી હતી. જેની સામે 30 કરોડની માંગણી કરવામાં આવી. આ ઉપરાંત પકંજભાઇ પારેખ પાસેથી ડિસેમ્બર 2021 બાદ કુલ 4.74 કરોડ રૂપિયા ઉછીના લીધા

જેની સામે 42 કરોડની ઉધરાણી બાકી હોવાનું કહીને ધમકી આપી. લક્ષ્મણ વેકરિયા પાસેથી 75 લાખ લીધા જેની સામે એક કરોડની ચુકવણી થઇ હોવા છત્તાં પણ પાંચ કરોડની રકમ બાકી હોવાનું કહી નાણાંની માંગ કરવામાં આવી. આ ધમકીઓથી કંટાળી રાકેશ શાહે હોટલ એપલ ઇનમાં જઇને ઉંઘની દવા પી લીધી અને આપઘાતનો પ્રયાસ કર્યો. જો કે, તે બાદ તેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં થઇ રહી હતી. ત્યાં પણ વ્યાજખોરો આવ્યા અને ધમકી આપી કે, તારી કિડની વેચીને પણ અમે નાણાંની વસૂલી કરીશું. જે બાદ રાકેશ શાહે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.રાકેશ શાહે 8 લોકો સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી છે.

Shah Jina