ગુજરાતમાંથી અવાર નવાર ગમખ્વાર અકસ્માતની ખબર સામે આવતી રહે છે, ત્યારે આજે સુરતના કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર વહેલી સવારે 5 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ઘસી જવાને કારણે મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. જો કે લોકોની બુમાબુમ સાંભળી રસ્તે જતાં અન્ય વાહનચાલકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી.
આ અકસ્માતની જાણ થતાં જ સુરત ફાયરની ઇમર્જન્સી ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે બસના કેબીનના ભાગનું પડીકું વળી ગયું હતું. ફાયરની ટીમ દ્વારા બસનાં પતરાં કાપી 40 મુસાફરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ અને તે બાદ તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિલાની હાલત ગંભીર હતી.
સંદીપ રામદાસ બાવિસ્કરનું સિવિલમાં સારવાર દરમિયાનમાં મોત નીપજ્યુ જ્યારે હાલમાં 20થી વધુ મુસાફરો સ્મીમેર હોસ્પિટલમાં, 7 જેટલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે બસના ડ્રાઇવરને ઝોકું આવી જવાને કારણે બસ ખાડીમાં ખાબકી હતી. અકસ્માતને સૌપ્રથમ નજરે જોનારે જણાવ્યું કે, વહેલી સવારે સુરત જઇ રહ્યા હતા, ત્યારે કંઈક અકસ્માત થયો હોવાનું નજરે પડ્યુ અને તેને કારણે ગાડી ઉભી રાખી દીધી.
બસ નજીક આવીને જોયું તો ઘણા લોકો અંદર ફસાયેલા હતા. કાચ તોડી બહાર કાઢવાની કોશિશ કરી પણ હાલત ખુબ જ ગંભીર હતી. કોઈક મુસાફરના હાથ-પગ તૂટી ગયા હતા તો કોઈકનું માથું ફૂટી ગયું હતું. આ બધું જોતાં જ 108 અને 1033 નંબર પર ફોન કરી અકસ્માતની જાણ કરી. થોડીવારમાં જ 12-15 જેટલી 108 એમ્બ્યુલન્સ ટીમ આવી ગઇ. ફાયર વિભાગ અનુસાર, 27 નવેમ્બરે વહેલી સવારે આ દુર્ઘટના બની. સવારે 5.10 વાગ્યે ફાયર બ્રિગેડને કોલ મળ્યો કે 40 માણસોથી ભરેલી ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં પડી ગઇ છે.
આ પછી તરત જ સુરત ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને મુસાફરોનું રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે ઘટના બાદ કદાચ ડ્રાઇવર ભાગી ગયો છેસ કારણ કે તે મળી આવ્યો નહોતો. આ બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી અને સુરતથી નીકળ્યા બાદ કોસંબા નજીક પહોંચતા જ બ્રિજ પાસે નીચે ઊતરી ગઈ.