
હૈદરાબાદમાં ગેંગરેપ અને ત્યારબાદ પીડિતાને સળગાવી દેવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યારે ફરી એકવાર ઉન્નાવમાં દુષ્કર્મ આચર્યા બાદ જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. હાલ તો દેશમાં મહિલાની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યો છે.

ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશનની હદમાં હિન્દુનગર ગામમાં બળાત્કાર પીડિતા ગુરુવારે તેના કેસ માટે કોર્ટ જઈ રહી હતી ત્યારે જામીન પર છૂટેલા બે આરોપી સહિત પાંચ માણસોએ દુષ્કર્મ આચરી સળગાવી દેતા પીડિતા 90 ટકા સળગી ગઈ હતી. પોલીસે પાંચેય માણસોની ધરપકડ કરી લીધી છે. આ પીડિતા 90 ટકા દાઝી ગયા બાદ મદદ માટે 1 કિલોમીટર સુધી દોડી હતી.
https://t.co/41a2Rn0wjH pic.twitter.com/Da0aAZf2ww
— UP POLICE (@Uppolice) December 5, 2019
ઉત્તર પ્રદેશ સરકાર પીડિતાને સારવાર માટે એરલીફ્ટ કરી નવી દિલ્હી ખાતે સફદરજંગ હોસ્પિટલ ખસેડી હતી. સૌથી આઘાતજનક બાબત એ છે કે પીડિતાને સળગાવી દેવાયા બાદ તે એક કિ.મી. સુધી મદદ માટે દોડી હતી. પીડિતાએ ત્યારબાદ 100 નંબર પર કોલ કરીને સમગ્ર ઘટનાથી માહિતગાર કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ 307, 326, 506 કલમોને ઉમેરી કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં પીડિતાએ જણાવ્યું હતું કે, તેના ઘર નજીક હતી ત્યારે હરિશંકર ત્રિવેદી, રામ કિશોર ત્રિવેદી, ઉમેશ બાજપાઈ, શિવમ ત્રિવેદી અને શુભમ ત્રિવેદીએ તેના પર હુમલો કરીને તેને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, પીડિતાને સારવાર અર્થે લખનૌની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બાદમાં ગંભીર હાલતમાં તંત્રએ તેને એરલીફ્ટ કરી નવી દિલ્હી ખાતે સફદરજંગ હોસ્પિટલમાં ખસેડી હતી.

જણાવી દઈએ કે, ડિસેમ્બર 2018માં આ યુવતી પર શિવમ અને શુભમ ત્રિવેદીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતી ગુરુવારના રોજ કેસની સુનાવણી માટે રાયબરેલી કોર્ટ જઈ રહી હતી ત્યારે સવારે 4 વાગ્યે આ ઘટના ઘટી હતી.