દ્વારકા : જગતમંદિરના દ્વાર પાસે જ આખલાઓ ઘૂસી આવ્યા અને પછી મચાવી એવી ધમાચકડી કે…સર્જાયો આફરાતફરીનો માહોલ

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો છે. લગભગ ગુજરાતનું એક પણ શહેર એવું નહિ હોય કે જ્યાં રખડતા ઢોરોનો આતંક જોવા ન મળી રહ્યો હોય. ઘણીવાર આખલાના આતંકના કે પછી ગાયના રસ્તા પર જતા રાહગીરને શીંગડા મારીને ઘાયલ કરવાના કે પછી કોઇ વાહન પર અટેકના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર આવી ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં યાત્રાધામ દ્વારકામાં આખલાઓના યુદ્ધનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર સામે આવ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, ધજા ચઢાવવા ગયેલ શ્રદ્ધાળુઓની વચ્ચે બાખડેલા બે આખલા ઘૂસી આવ્યા હતા અને તેને કારણે અનેક શ્રદ્ધાળુઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. દ્વારકામાં આખલા યુદ્ધનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. બે આખલાઓએ દ્વારકાધીશ મંદિર પર ધજા ચડાવા આવેલ રબારી સમાજના લોકોને બાનમાં લીધા હતા. જેને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા.

જણાવી દઇએ કે, જગતમંદિરમાં દરરોજ હજારો દર્શનાર્થીઓ આવે છે અને રખડતા ઢોરોનો ત્રાસ રોજ વધતો જતો હોવાને કારણે સ્થાનિકોની સાથે સાથે બહારગામથી પધારતા શ્રદ્ધાળુઓ પણ તેમની ચપેટમાં આવે છે. ત્યારે ધજા લઈને જઇ રહેલ લોકો વચ્ચે બે આખલો ઘૂસી ગયા અને બે આખલાઓ વચ્ચેના યુદ્ધમાં અનેક લોકો ઘવાયા હતા. આ અંગે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવુ છે કે, દ્વારકામાં દિન પ્રતિદિન રેઢીયાળ ઢોરનો આતંક વધતો જઇ રહ્યો છે. લોકોની અપીલને ધ્યાનમાં લઇ રખડતા ઢોરોને પકડી યોગ્ય જગ્યાએ તેમને રાખવામાં આવશે.

જેથી લોકોને તકલીફ ન પડે અને આ સાથે જ ગૌવંશને ચારો પણ મળી શકે. જો કે, તેમણે લોકોને એવી અપીલ કરી છે કે, ઘાસચારો ઘરની બહાર લોકો ન ફેંકે અને ભક્તો યોગ્ય જગ્યાએ ઘાસચારો નાખે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ નવસારીમાંથી રખડતા ઢોરના ત્રાસની એક ઘટના સામે આવી હતી, જેમાં કબીલપોર પાસે આવેલી વસંત વિહાર સોસાયટીમાં મહિલા એક્ટિવા પર જઈ રહી હતી, ત્યારે જ અચાનક વાછરડુ દોડી આવતા મહિલા સાથે ટક્કર થઇ હતી અને મહિલા જમીન પર પટકાઇ હતી. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

Shah Jina