જૂનાગઢમાં બિલ્ડિંગ ધરાશાયી થવા મામલે એસિડ ગટગટાવનાર પરણિતાના ભાઇએ કરી ન્યાયની માંગ કહ્યુ- ન્યાય નહીં મળે તો બધાં મરવા તૈયાર…

જૂનાગઢમાં વિખેરાયો હસતો રમતો પરિવાર, બિલ્ડિંગ ધરાશાયીની દૂર્ઘટનામાં મોતને ભેટનાર પરિવારનો આક્ષેપ, ન્યાયની કરી માંગ

Junagadh Building Collapsed: ગુજરાતના જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાંથી એક બિલ્ડિંગ ધરાશાયી થવાની હાલમાં જ ખબર આવી અને આ દુર્ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નિપજ્યા. ત્યારે પતિ અને બે બાળકોના મોતનો આઘાત સહન ન થતા પત્નીએ મંગળવારે એસિડ પીને આપઘાત કરી લીધો. જો કે, ત્યારપછી પરણિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પણ તેનું મોત નિપજ્યું. મૃતકોમાં 33 વર્ષીય સંજયભાઈ ડાભી અને તેમના બે દીકરા 7 વર્ષીય દક્ષ અને 13 વર્ષીય તરુણનો સમાવેશ થાય છે.

પતિ અને દીકરાઓના મોતનો આઘાત સહન ન કરી શકતા પરણિતાનો આપઘાત
જો કે, સંજયભાઈની પત્ની મયુરીબેન ઘટના સમયે શાકમાર્કેટ ગયા હોવાને કારણે બચી ગયા હતા.પરંતુ પતિ અને દીકરાઓના મોતનો આઘાત મયુરીબેન સહન ના કરી શક્યા, તેઓ તેમના નિધનથી સતત દુઃખી રહેતા હતા અને તેના કારણે તેમની તબિયત પણ લથડી હતી, જેથી તેમને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ થોડા સ્વસ્થ થતા તેમને રજા પણ આપવામાં આવી હતી, પરંતુ પતિ અને દીકરાઓના મોતનો આઘાત હજુ તેમના માનસપટ પરથી હટ્યો નહોતો અને આ આઘાતના કારણે જ તેમને એસિડ ગટગટાવી લીધું.

પરિવારે કરી ન્યાયની માંગ
ઉલ્લેખનીય છે કે આ મામલે મયૂરીબેનના ભાઇએ જણાવ્યુ કે ઈમારત ધરાશાયી થતાં તેમના બનેવી અને બે ભાણેજનું મોત થયું હતું. જેથી તેઓને ન્યાય અપાવવાની અમે માંગ કરી હતી. મનપા કમિશનર ઉપર 304ની કલમ હેઠળ કાર્યવાહી કરો, પણ કોઈ કલમ ઉમેરવામાં આવી ન હતી, જેના કારણે મારી બહેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણે આગળ જણાવ્યુ કે, જો હજુ ન્યાય નહીં મળે તો અમે બધાં મરવા તૈયાર છીએ.

બહેને ફોન કરી ભાઇને આપી હતી સમગ્ર ઘટનાની જાણકારી
આ દુર્ઘટના અંગે મયૂરીબેને તેમના ભાઇને ફોન કરી જાણ કરી હતી. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન મયૂરીબેનના ભાઇએ જણાવ્યુ કે મારી બહેનનો દોઢક વાગ્યા આજુબાજુ ફોન આવ્યો હતો અને તેણે કહ્યુ કે તારા બનેવી બકાલું લેવા ગયા હતા અને તેમની રિક્ષા પર બિલ્ડિંગ પડ્યું છે. તેણે આગળ જણાવ્યુ કે, રિક્ષામાં બે ભાણેજ અને બનેવી હતા. બનેવી રિક્ષા ચલાવે છે અને તેઓ બકાલું લેવા આવ્યાને બિલ્ડિંગ માથે પડ્યું.

Shah Jina