અજબગજબ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

બુચ મારવાનો અવગુણ પહેલાથી જ હોય છે, જે બધાનું બુચ જ મારે છે- વાંચો એક બુચમાર બકુલની વાર્તા મુકેશ સોજીત્રાની કલમે

ઘનાદા પોતાના પાડોશીના દીકરાને લઈને અમદાવાદ આવ્યાં. ઘનાદાનું નામ આમ તો ઘનશ્યામભાઈ જેઠાભાઈ હતું. પણ હવે ઉમર થઇ ગઈ હતી એટલે લોકો એને ઘનાદા જ કહેતા હતા!! પહેરવેશ સાદો અને કાઠીયાવાડી હતો. સફેદ કેડિયું અને ચોરણી માથે મોટા આકારની પાઘડી!! હાથમાં લાઈટર લગભગ હોય જ કારણકે ઘના દા વારંવાર બીડી સળગાવતા!! ગાંધીનગર સરખેજ હાઈવે પર આવેલી એક હોસ્પિટલની બહાર ઘનાદા ઉભા હતા. ઘના દાદાની સાથે બીજા ત્રણ જણા હતા. એક દર્દી વિજય અને બે વિજયના ભાઈઓ કિરણ અને શૈલેશ!!

વિજયનું શરીર છેલ્લાં બે મહિનાથી સુકાતું જતું હતું. દર ચોથે દિવસે તાવ આવે. બે દિવસમાં વળી તાવ ઉતરે. શરીરમાં માંદગીને કારણે લતાડ લાગી ગયો હતો!! વિજયના બાપા વશરામભાઈને ઘનાદા એ પાંચ દિવસ પહેલા જ કીધું.
“ વશરામ છોકરાની સામું જો જરા.. એને અમદાવાદ બતાવી જો!! આજુબાજુના બધાજ ડોકટર તે ફેરવી નાંખ્યા છે પણ છોકરો સારો થતો નથી. હવે મોટે દવાખાને લઇ જા!! તારે સમય ન હોવ તો હું લઇ જાવ” અને વશરામે પોતાના મોટા બે ય દીકરાને વિજયની સાથે મોકલ્યાં!! અને ઘનાદા તો હોય જ!! બધા આવ્યા અમદાવાદ!! હોસ્પિટલ આગળ ઉભા હતા. હજુ કેસ લખાવવાનું શરુ નહોતું થયું.

“ હવે દસ જ મીનીટમાં એક લાલ ડ્રેસ વાળી છોકરી આવશે. આ ઝાડ છે ને ત્યાં એની નીચે એની એકટીવા મુકશે. મોઢે સફેદ ચુંદડી બાંધેલી હશે. એ ચુંદડી મોઢેથી દૂર કરીને એકટીવાની ડીકીમાં મુકશેને અંદરથી એક વાદળી રંગનો પાણીનો શીશો કાઢશે. એક ઘૂંટડો પાણી પીશે અને પોતાના પર્સમાંથી મોબાઈલની દટ્ટીઓ કાઢી કાનમાં નાંખશે અને એ કેબીનમાં જશે. અને પછી કેસ લખવાનું શરુ કરશે. કેસ લખાવવાના ૫૦૦ લેશે.” ઘનાદા હોસ્પીટલની આખી સિસ્ટમથી વાકેફ હતા. અને કેમ ન હોય???

ઘનાદા દવાખાનાના જાણકાર હતાં. પોતાનું બહોળું કુંટુંબમાં લગભગ ઘનાદા સિવાય બધા જ બીમાર પડતાં અને ઘનાદા જેવો રોગ હોય એ પ્રમાણે રાજકોટ અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં અલગ અલગ હોસ્પીટલમાં લઇ જતા અને સારવાર કરાવતા. પછી તો આખા અમદાવાદના ડોકટરોને ઓળખતા હતા. ગામમાં કોઈને મોટી બીમારી હોય અને શહેરમાં જાવાનું હોય તો ઘનાદા મોર્યના મોર્ય જ હોય!! દર્દીને કેવા પ્રકારનો રોગ છે એ જાણીને એ તરત જ ફાઈનલ આંકડો પણ કહી દે!!

“ જો જીવન તારી વહુને ગોળાનું ઓપરેશન કરવાનું હોય તો ભાવનગર વાળા વીસ હજાર લેશે. રાજકોટમાં કદાચ ત્રીસમાં પતી જાય અને અમદાવાદમાં પાંત્રીસ હજાર જેટલો ખર્ચ થાય. પણ અમદાવાદમાં સારવાર કરાવ એટલે એક જ મહિનામાં તારી વહુ ખેતરેથી ત્રણ મણનો ભરો લઈને ધોડતી ધોડતી ઘરે આવી જાય પછી એને મુદલ દુઃખાવો ના થાય એની ગેરંટી. બાકી રાજકોટ અને ભાવનગર આ ઓપરેશન સસ્તું પડે પણ દર્દીને ત્રણ મહિનાનો ખાટલો થાય એટલે હું તો એમ કહું છું કે તારી વહુને તાત્કાલીક સારી કરવી હોય તો અમદાવાદ જ જા! પછી તારી જેવી ઈચ્છા” અને જીવન ઘનાદા અને એની વહુને લઈને ઉપડે અમદાવાદ અને ઓપરેશન કરાવી લાવે!! વળી ઘનાદા હારે હોય એટલે બીજાને કોઈ ચિંતા જ નહીં!! અને હવે અમુક ડોકટરો પણ ઘનાદા ને સારી રીતે ઓળખવા લાગ્યા હતા!! ઘનાદા જાય એટલે દર્દીનો વારો પણ તરત જ આવી જાય!!

Image Source

થોડી વાર થઇ એટલે લાલ ડ્રેસ વાળી છોકરી આવી. ઘનાદાએ જે રીતે વર્ણન કર્યું હતું એ પ્રમાણે જ એણે પોતાની એકટીવા મૂકી અને વિજયના મોટાભાઈએ કેસ લખાવી દીધો. કલાક પછી વારો આવ્યો. વિજયની સાથે ઘનાદા ડોકટરની ચેમ્બરમાં ગયાં અને વિગતે વાત કરી.ડોકટરે જરૂરી પ્રશ્નો પૂછ્યા અને ઘનાદા એ જવાબ આપ્યાં. ડોકટરે બધું લખ્યું!! વિજયને ચેક કર્યો. અને પછી બોલ્યાં.

“બ્લડ અને યુરિનના રીપોર્ટની સાથે સાથે આંતરડાનો પણ એક્સ રે કરવો પડશે. એ કરાવીને આવો પછી ખબર પડશે કે હકીકતમાં કઈ જગ્યાએ તકલીફ છે. અત્યારે તો મને આ વિજયનું નાનું આંતરડું સંકોચાઈ ગયું હોય એમ લાગે છે. પણ કોઈ વધારે પડતી ગંભીર બાબત નથી” ઘના દા એ કાગળિયાં લીધા. ફટાફટ ત્રણેયના ટેસ્ટ થઇ ગયા અને ઘના દા બધા સાથે બહાર નીકળ્યાં અને બોલ્યાં.

“ હવે રીપોર્ટના કાગળિયાં લગભગ ચાર વાગ્યે આવશે. આ હોસ્પીટલના ડોકટરોની મોનોપોલી છે. એણે લેબોરેટરી વાળાને કીધેલું જ હોય કે બધાને ચાર વાગ્યા પછી જ રીપોર્ટ આપવા. નહિતર શું થાય કે ડોકટર બીજા દર્દીને ચેક કરતાં હોય ને રીપોર્ટ લઈને દર્દીઓ ડોકટરની ચેમ્બરમાં ધસી જાય!! માણસને દવાખાને પણ બહુ ઉતાવળ હોય!! જો કે ઘરે જઈને કાઈ કામનો હોય તોય ડોકટર સાહેબની કસ માર્યા રાખે એટલે બે વાગ્યા સુધી ડોકટર બધાને ચેક કરશે અને પછી એ જમવા જશે અને સાડા ચાર વાગ્યે આવશે એટલે વારફરતી બધાના રીપોર્ટ જોઈ જોઇને ફાઈનલ દવાઓ આપશે. હવે બાર વાગવા આવ્યાં છે આપણે બહાર જઈને કંઈક ખાઈ લઈએ”
ચારેય જણા બહાર નીકળ્યાં. અને ઘના દા વળી બોલ્યાં.

“આગળ અરધો કિલોમીટર એક કાઠીયાવાડી લોજ છે ત્યાં સાદું અને સસ્તું ખાવાનું મળે છે. બાકી તો આ રોડ પર મોટી મોટી રેસ્ટોરન્ટ છે તમે ખાવા જાવ એટલે તમને રીતસરના સબોડી જ નાંખે. આજથી ત્રણ વરસ પહેલા હું એક રેસ્ટોરન્ટમાં ભેખડે ભરાઈ ગયો હતો. અમે કૂલ ચાર જણા હતાં. પંજાબી ખાવાના દીકરા થયા.. ખાધું પણ ખરું.. મજા પણ આવી..પણ બિલ આવ્યું ત્યારે મજા બગડી ગઈ!! ચાર જણાના સોળસો ચૂકવ્યા!! હોસ્પિટલ કરતા ખાવાનું બિલ વધી ગયું. બસ ત્યારથી આપણે નિયમ કર્યો કે એંસી વાળી ગુજરાતી ડીશ ખાઈ લેવાની છે, પણ પંજાબીના દીકરા કોઈ દી નો થવું” ચારેય રસ્તા પર ચાલતા જતા હતા અને અચાનક ઘનાદાની નજર એક પાનની કેબીન પર ઉભેલા યુવાન પર ગઈ અને એ જોઈ રહ્યા!! ઉભા રહી ગયા અને જોઈ જ રહ્યા!! પેલો યુવાન પણ ઘનાદાને જોઈ રહ્યો હતો અને ઘનાદા બોલ્યાં!!

Image Source

“અલ્યા બકુલીયા તું??? બકુલ બુચ!!!” અને તરત જ તેમની પાસે પહોંચી ગયાં. પેલો યુવાન પણ ઘનાદાને ભેટી પડ્યો. વિજય અને એના બે ય મોટાભાઈઓ પણ બકુલ બુચને ઓળખી ગયા હતા. બધા પાનના ગલ્લે બાંકડા પર બેઠાં. બકુલે ઘનાદા માટે એક સિગારેટ લાવી આપી અને બીજા બધાને પણ આગ્રહ કરી કરીને પાન મસાલા ખવરાવ્યા. અને ઘનાદા બકુલ ની સામે જોઈ જ રહ્યા. સાત વરસ પહેલા બકુલ બુચ ગામનું અને આજુબાજુ વાળાનું બુચ મારીને ભાગી ગયો હતો. પછી એનો કોઈ અતો પતો નહોતો આજ અચાનક જ એ ઘનાદાને અમદાવાદમાં ભેગો થઇ ગયો હતો!!

“ ઘનાદા, વિજયભાઈ, શૈલેશભાઈ, કિરણભાઈ તમને જોઇને ખુબ જ આનંદ થયો છે. બસ એકાદ મહિનામાં હું ગામડે આવવાનો છું. જેટલાના પૈસા લીધા છે એ બધાને હું પાછા આપી દેવાનો છું. મારા બાપા અને બાની માફી પણ માંગવાનો છું. ભલે એણે મને ઘરની બહાર કાઢ્યો. મને એ વખતે બદનામ કર્યો.પણ ઘના દા મા બાપ અને ભાઈઓનું ક્યારેય ખોટું ના લગાડવાનું હોય!! મને અમદાવાદ આવીને ભાન થઇ ગયું છે. મેં પણ ઘણું સહન કર્યું છે..અનીતિનો પૈસો ક્યારેય ટકતો નથી. મારે પણ એવું જ થયું. ગામડામાંથી બુચ મારેલો પૈસો એક જ વરસમાં વપરાઈ ગયો. મારો આત્મા એટલો બધો ડંખતો હતો કે હું અને વર્ષા મરી આપઘાત કરવાના હતા. પણ વર્ષાના પેટમાં એ વખતે બાળક હતું!! અને એ વખતે મેં અને વર્ષાએ નક્કી કર્યું કે હવે જાગ્યા ત્યારથી સવાર!! આવનાર બાળકના બાપની એક અલગ જ ઓળખ હશે. બસ ત્યારથી મેં બુચ મારવાના ધંધા બંધ કર્યા છે. અત્યારે મારો છોકરો પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે અને એ પણ ઈંગ્લીશ મીડીયમમાં !! હું અને વર્ષા એક કંપનીમાં ક્લાર્ક તરીકે રહી ગયા. પછી છ વરસમાં પગાર પણ સારો થઇ ગયો!! અને અત્યારે બોપલમાં ઘરનું ઘર છે. કંપનીએ લોન આપી છે. એક ફોર વ્હીલ છે. બસ સામે જે આઠ માળની ઈમારત દેખાય છે એના આઠમાં માળે હું અને વર્ષા નોકરી કરીએ છીએ. આજ તમારે બધાએ અમારા ઘરે રોકાઈ જવાનું છે!! ના પાડો તો તમને મારા સોગંદ છે!!” બકુલ ઉર્ફે બકુલ બુચ બોલતો હતો બાકીના બધા સાંભળતા હતા!! ઘનાદાના મગજમાં સાત વરસ પહેલાની બકુલ બુચની આખી ઘટના યાદ આવી ગઈ નહિ પણ એનું આખું જીવન યાદ આવી ગયું!!

Image Source

બકુલ બુચ!! આજુબાજુના સાત આઠ ગામનું જાણીતું નામ હતું. હોંશિયાર હતો. બુદ્ધિ પણ હતી.. પણ બુદ્ધિ અવળા માર્ગે વાપરતો હતો. અને આમેય બુચ મારવાવાળા પાસે બમણી બુદ્ધિ હોય છે!! સવજી પરશોતમને ત્રણ છોકરાં હતા. બકુલ સહુથી નાનો હતો.પણ નાનપણથી થોડો લાડકોડમાં ઉછરેલો એટલે હાથ છૂટો થઇ ગયેલો!! દસ સુધી ભણેલો પછી સવજીભાઈએ એને સુરત હીરા ઘસવા મોકલેલો. સુરત જે જાય એ બે ટાઈપના થઇ જાય લગભગ!! કા કામધંધામાં વળગી જાય અને કા બુચ મારું થઇ જાય!! મોટા ભાઈ સાથે એકાદ મહિનો બકુલ માંડ ટક્યો કારણકે છુટામાં ચરેલ વાછરડાને બંધીયારમાં કેમ કરીને ફાવે!! પોતાની રીતે એ રહેવા લાગ્યો. પંદર દિવસ કામે જાય!! પંદર દિવસ સુરતમાં આંટા મારે!! આવે એ પૈસા વાપરી નાંખે.

વળી ખૂટે એટલે કામ પર બેસે!! શેઠિયાને વાતમાં નાંખીને ગાળી નાંખે!! ઉપાડ લે અને પછી વળી કારખાનું ફેરવે!! સગા સબંધી પાસે પૈસા લે પણ પછી ચુકવે નહિ!! વરસ દિવસે ભાંડો ફૂટ્યો અને લગભગ બે લાખ જેટલી રકમ સવજીભાઈએ બકુલે જેના જેના લીધા હતા એને ચૂકવી અને સગા સબંધીને કહી દીધું.
“ હવે હું એક પણ રૂપિયો આપવાનો નથી. જે આપે એણે બકુલ પાસેથી લઇ લેવાના. બકુલને હું નોખો કરી દેવાનો છું. આવાને રાખીને મારે શું કામ?? મહેરબાની કરીને બકુલને મારા નામે કોઈ પૈસા આપશો નહિ. એની સંગત ફેર થઇ ગઈ છે” બકુલને દિવાળીએ ગામડે બોલાવીને એને એનો ભાગ આપીને કરી દીધો છૂટો!!અને બકુલભાઈ ને લહેર પડી ગઈ!!
હવે કોઈ કહેવા વાળું હતું નહિ એટલે બે ત્રણ મહિના સુધી તો બકુલ અલગ અલગ મોંઘી મોંઘી હોટેલમાં જમ્યો અને રહ્યો. જેમ આઠ આની પાનાને આઠ આની બોલ્ટ મળી જ જાય એમ બકુલનો ભેટો વર્ષા સાથે થયો!! વર્ષા સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ એક મોટી હોટેલમાં રિસેપ્શન કાઉન્ટર સંભાળતી હતી. બકુલ પણ રૂપાળો અને વર્ષા પણ રૂપાળી એક બીજાને બને ગમી ગયાં!! વર્ષાને પણ એના મા બાપે છૂટી જ મુકેલી હતી. આવું જ બકુલને હતું!! બને એ કોર્ટ મેરેજ કરી લીધા અને સંસાર શરુ થયો!! શરૂઆતમાં એક નવી જ ઉગી નીકળેલી વીમા કંપનીમાં બને જોડાયા.

બેય વીમાનું કામ કરવા લાગ્યા!! વરાછા અને કતારગામમાં તો કાઠિયાવાડી લોકો બકુલને ઓળખી જાય એટલે બકુલે ઉધના અને ડભોલી બાજુનો વિસ્તાર પસંદ કર્યો અને વર્ષાને વરાછા અને કતારગામ વિસ્તાર પસંદ કર્યો.. જ્યાં લોકો એને એના ભરાવદાર બાંધાથી જ ઓળખતા હતા પણ એનું બ્રેક ગ્રાઉન્ડ જાણતા નહોતા!! વળી બકુલ અને વર્ષા ક્યારેય એકસાથે દેખાયા પણ નહિ!! અને હોટેલમાં જ કાયમી રૂમ રાખીને રહેતા હતા એટલે આડોસ પાડોશ વાળા ઓળખી જાય એવું પણ બને નહિ!! બેય રૂપાળા અને વાકછટા પણ સારી અને ખાસ કરીને વર્ષાનો દેખાવ!! એની આંખો!! એની નજર જ એવી હતી કે વિમાની નો જરૂર હોય એવા લોકો પણ વીમો ઉતરાવવા લાગ્યાં!! એકાદ વરસ સુધી બને એ સારું એવું કામ કર્યું. કમીશન પણ સારું મળ્યું. વિમાની નવી કંપની હતી. સહુથી વધુ પ્રીમીયમ વર્ષા અને બકુલ લાવતાં એટલે એ બને ને પ્રમોશન મળ્યું.!! છ માસ પછી લોકોએ ભરવા આપેલ પ્રીમિયમની મોટી રકમ ભેગી કરીને બકુલ વર્ષા સાથે ગામડે આવી ગયો!! ગામમાં કોઈને ખબર પણ ના પડેલી કે આ લોકો સુરતમાંથી બુચ મારીને આવતાં રહ્યા છે!! ગામનું જ એક મકાન એણે વેચાતું રાખી દીધું!! એક મોટું બુલેટ પણ લીધું. વર્ષાને જોઇને ગામ લોકો કહેતાં કે બકુલ ગમે તેવો હોય પણ એણે પત્ની ફૂલ ફટકા જેવી ગોતી જાણી!!

ગામમાં ઘનાદા હારે બકુલને પહેલેથી નાતો હતો. ઘનાદાને બકુલે મોટી મોટી વાતો કરેલી!! એકવાર છ મહિના સુધી સુરત રહેલો કોઇપણ કાઠીયાવાડી કોઈ દિવસ નાની વાતો ના કરે!! એની વાતોમાં લાખો અને કરોડો રૂપિયા જ હોય!! અને આમેય બકુલના બાપા સવજીભાઈ અને ઘનાદા બેય ભાઈબંધ પણ હતાં!!
“ ઘના દા હવે ગામડાના લોકોની સેવા કરવી છે. બધા જ લોકો શહેરમાં ધંધો કરે છે પણ ગામડામાં કોઈ ધંધો નથી કરતાં. આપણે ગામડામાં બાઈકો વેચવાની છે અને એ પણ શહેર કરતાં ૫૦૦૦ રૂપિયા સસ્તી!! તમારે ગમે ત્યાં ભાવ પૂછી લેવાનો!! ગાડી પણ ઓરીજનલ આપવાની છે.. સસ્તી એટલા માટે આપવાની કે શહેરમાં મોટા મોટા શો રૂમ હોય!! એમાં લાઈટ પંખા બળે!! માણસો રોકેલા હોય!! એટલે એનું વ્યાજ ચડે કે નહિ!! પણ ગામડામાં ગાડી ઉપર મારે કોઈ વેરેનટાઈઝ નથી ચડતું એટલે એનો લાભ આપણી ગામડાની પબ્લિકને આપવા માંગુ છું!! પૈસા પહેલા નથી લેવાના બાઈક લઇ જવાની પછી બે દિવસે પૈસા આપવાના છે.” અને અઠવાડિયામાં બકુલના ઘરે એક બોર્ડ લાગી ગયું!! એકદમ ડીઝીટલ લાઈટ્સ વાળું નિયોન બોર્ડ જેમાં લખ્યું હતું!!

Image Source

વર્ષા ઓટો સેન્ટર
અમારે ત્યાંથી બ્રાંડ ન્યુ ગાડી ફેકટરીના ભાવે મળશે.
પ્રો. શ્રીમતી વર્ષાદેવી બકુલભાઈ
અને ગામ લોકો નવાઈ પામી ગયા. લોકો બધો તમાશો જોઈ રહ્યા હતા. ચાર દિવસ પછી બકુલ ચાર નવી બાઈકો લાવ્યો. બે ગામમાં અને બે બહારગામમાં વેચી દીધી અને એ પણ શહેર કરતાં પાંચ હજારના સસ્તા ભાવે!! સવજીભાઈને આ વાત પસંદ ન આવી. એ બકુલને રાતે મળ્યાં અને કહ્યું.
“ તું આ ગામ છોડી દે!! તારે આ ગામમાં રહેવાનું નથી!! તને છૂટો કરી દીધો છે ને મેં પછી આ ગામમાં શું કરવા આવ્યો છું!!
“ હું ગમે ત્યાં રહી શકું છું.. આ ગામ તમારા ખાતે તો નથી કરી દીધુને?? તમે મને કહેવા વાળા કોણ?? તમે તો મને જુદો જ કરી દીધો છે ને?? બાકીના બેય ભાઈને તમે પરણાવ્યા છે. મારી પાછળ તો તમે એ ખર્ચો પણ નથી કર્યો!! તમને મારી સફળતાથી બળતરા થતી હોય તો તમે ગામ છોડી શકો છો પણ હું ગામ નથી છોડવાનો!! તમારે થાય તે કરી લો”” બકુલ બોલતો હતો અને સવજીભાઈ સાંભળતા હતાં. અને જયારે તમારું સંતાન તમને એમ કહે કે તમારાથી થાય એ કરી લો ત્યારે તમારાથી કશું જ ન થઇ શકે!!

બીજે દિવસે સવજીભાઈ નિશાળે ગયા અને આચાર્ય પાસેથી એક જૂનું કાળું પાટિયું લઇ આવ્યાં. એમાં ચોકથી મોટા અક્ષરે લખ્યું. જાહેર ચેતવણી આથી ગામના તમામ ગ્રામજનોને જણાવવાનું કે બકુલ સાથે કોઈએ વ્યવહાર કરવો નહિ . એ મારા કહ્યામાં નથી. એનો ધંધો બુચ મારવાનો છે. કોઈના પૈસા ખોટા થાય તો હું આપીશ નહિ જેની સર્વેએ નોંધ લેવી.
લિ. સવજી પરશોતમ ( બુચમાર બકુલનો બાપ)

પણ ગામલોકોને વિશ્વાસ બેસતો ગયો. ધીમે ધીમે બાઈકનું વેચાણ વધવા લાગ્યું. બકુલ બધાને કહેતો.
“ વર્ષાના પપ્પાને બાઈકની કંપનીના માલિક સાથે ઘરોબો છે. આખા ગુજરાતમાં મને જ સસ્તી બાઈક મળે છે. અને હું ગામલોકોને, આજુબાજુના નાગરિકોને સસ્તા ભાવે આપું છું પણ અફસોસ એક વાતનો છે કે તમને વિશ્વાસ છે પણ મારા સગા બાપને વિશ્વાસ નથી બોલો આવું છે!! ભગવાન બધાને બધું નથી આપતો!! કોઈકને સંપતિ આપે તો કોઈકને બાપનો સ્નેહ આપે!! સંપતિ અને બાપાનો સ્નેહ એકીસાથે બધાના નસીબમાં નહોતો” આટલું બોલીને બકુલ વળી આંસુડા પાડતો. લોકો બકુલ અને વર્ષાની વાતોમાં આવવા લાગ્યા અને સવજીભાઈને નફરત કરવા લાગ્યાં કે કે કેવો બાપ છે છોકરાના ધંધા પર પાટુ મારે છે!!
છ મહિના પછી બકુલે એક સ્કીમ કાઢી કે પહેલા ફક્ત પાંચ હજાર ભરો દર મહીને!! દર મહીને બાઈકનો ડ્રો કરવામાં આવશે. ડ્રોમાં બાઈક લાગે એને પછી હપતા નહિ ભરવાના!! એને બાઈક ફક્ત પાંચ હજારમાં મળશે.. બીજા મહીને બીજી બાઈક!! વરસ દિવસમાં સાઈંઠ હજાર ભરવાના છે. વરસે બધાને બાઈકો મળી જશે જેને ડ્રોમાં વારો ન આવ્યો હોય એને પણ!!
અને સ્કીમ ઉપડી!! કેમ ન ઉપડે!! સ્કીમના કાગળિયાં અને બીજું કામ વર્ષા કરતી હતી. બકુલ તો હવે શહેરમાં બાઈકો લેવા જતો હતો. વર્ષા બધાની પાસે રેશન કાર્ડની ઝેરોક્ષ , આધાર કાર્ડની નકલ, ચૂંટણી કાર્ડની નકલ અને અનેક ફોર્મમાં સહીઓ લેતી હતી. જામીનની સહીઓ પણ લેતી રંગબેરંગી ફોટાઓ પણ લેતી અને પાંચ પાંચ હજાર ઉઘરાવતી હતી!! કોઈ વળી પૂછ્યું કે બાઈક લેવા માટે આની વળી શું જરૂર છે?? ત્યારે આંખો નચાવીને વર્ષા બોલતી કે!!
“ અમે એક સાથે આટલી બધી બાઈકો ન ખરીદી શકીએ ને એટલે તમારે નામે અમે ખરીદીએ છીએ. બેંકમાં બધાનું ખાતું ખોલવાનું છે. તમારી રકમ એમાં જમા થશે અને એમાંથી બાઈકની કંપનીને નાણા ચુકવાશે!! અમે બધું કાયદેસર કરીએ છીએ અને તમે મને પૂછ્યું એ ખુબ જ ગમ્યું. પૂછવું જ જોઈએ!! બોલો બીજું શું પૂછવું છે” કહીને એવી આંખ પટાવે કે પેલો તો લગભગ બે દિવસ સુવે નહિ!!

વળી બીજી વાત કે વર્ષા આવા બધા કાગળિયાંમાં સામેની વ્યક્તિ પાસે સહી કરાવતી હોય ત્યારે એની સાવ નજીક બેસે વર્ષા સરસ મજાનું અતર વાપરતી એની ખુશ્બુ એટલી મસ્ત હતી કે એની પાસે જે ફોર્મ ભરવા બેઠો હોય એ આડેધડ બધે સહીઓ કરી દે!! અમુકને તો આ બાબત એટલી બધી ગમતી કે સગા સબંધીઓને પણ બાઈક લેવા બોલાવે. અને વળી પાછા આગ્રહ કરે!!
“ સાવ સસ્તી પડે છે બાઈક.. જો પેલા ડ્રોમાં લાગી જાય તો..પાંચ હજારમાં ઘરમાં પડે.. બીજા ડ્રોએ લાગે તો દસ હજારમાં પડે.. અને ડ્રોમાં ન લાગે તો છેલ્લે મૂળ ભાવમાં જ બાઈક પડે છે અને અત્યાર સુધીમાં આજુબાજુના ગામો વાળા લાભ લઇ ગયા છે. તમે મારું માનો નહીતર રહી જશો!!” લગભગ ગામના દરેક સંબંધીઓ આવી રીતે ઝપટમાં આવી ગયા!! દર મહીને બકુલના ઘર પાસે ડ્રો થાય!! વર્ષા અલગ રંગની સાડી પહેરીને આવે!! તે એક ચિઠ્ઠી ઉપાડે અને જેનું નામ નીકળે એને બાઈકની ચાવી આપે!! અને બધા તાળીઓ પાડે અને બાઈક વાળો ધન્ય થઇ જાય!!
ત્રણ મહિના પછી એકી સાથે દસ બાઈકો આવી. એક મઝદા આઈશરમાં બાઈકો સ્ટેન્ડ પર ગોઠવાયેલી હતી. બધા માણસો બકુલના ઘર પાસે ભેગા થઇ ગયાં. વર્ષા બોલી.

“ આવતી પહેલી તારીખથી એક ડ્રો નહિ થાય દસ ડ્રો થશે.. દર મહીને દસ દસ બાઈકો આપવામાં આવશે.. હવે લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંતે ગ્રાહક એ ભગવાનનો માણસ નહિ પણ ગ્રાહક એજ ભગવાન!! તમારો સંતોષ એ જ અમારો નફો છે!! તો મળીયે પેલી તારીખે અહીયાજ અને “નસીબવાળા બાઈક લે જાયેંગે!!” કહીને વર્ષાએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની હિરોઈન કાજલની જેમ બને હાથ લાંબા કરીને એક જોરદાર એક્ટિંગ કરી.!!
અને લોકો પાંચ પાંચ હજાર લઈને તૂટી પડ્યા. લોકો લાઈનમાં ઉભા રહ્યા. અમુકની પાસે બાઈક હતી તોય લખાવતાં હતા. ભાગ્ય ખુલે અને પહેલે જ ધડાકે લાગી જાય તો કામ થઇ જાય ને!! વર્ષા આખો દિવસ ગ્રાહકોને પાસે બેસાડી બેસાડીને ફોર્મ ભરતી રહી!! અને બકુલ એ પૈસા લઈને સુટકેસમાં ગોઠવતો રહ્યો. પહેલી તારીખને ચાર દિવસની વાર હતી. આજુબાજુના ઘણા ગામના લોકો પણ પૈસા જમા કરાવી ગયા હતા. બધાને પહેલી તારીખની રાહ હતી!! અને એક દિવસે સવારે ગામમાં ખબર પડી કે રાતોરાત બકુલ અને વર્ષા જતા રહ્યા છે. રાતે એક ટ્રક આવ્યો હતો. બકુલ અને વર્ષાનું ઘર ગામને છેવાડે અને દૂર હતું એટલે કોઈને પણ ખબર ના પડી અને ચુપચાપ સામાન ભરાઈ ગયો!! લોકો સુરત અને ભાવનગર વગેરે શહેરોમાં જઈ આવ્યાં. બકુલ અને વર્ષાનો કોઈ પત્તો ના લાગ્યો જાણે કે હવામાં ઓગળી ગયા!! ઘણા ફરિયાદ લખાવવા ગયા પણ કોઈની પાસે પ્રૂફ નહોતું!! લોકોએ બકુલને પ્રૂફ આપ્યાં હતાં પણ બકુલે પાંચ પાંચ હજાર ઉઘરાવતો દર મહીને એનું કોઈ પ્રૂફ કોઈને આપતો નહિ કે કોઈ માંગતું જ નહિ!! બધાને વર્ષાની અતર વાળી સુગંધ એવી તો અંતરમાં ઉતરી ગઈ હતી કે કોઈ કશું માંગતું જ નહિ!!

જે જે લોકોને બાઈકો સસ્તામાં એક બે હપ્તામાં લાગી હતી એ લોકો ખુશ હતા. પણ એમની ખુશી બે મહિના સુધી જ ટકી. ત્રીજે મહીને એ બધાને નોટીસો આવી કે તમે બાઈકના આપેલા એડવાન્સ ચેક પાછા ફરે છે તમારા ખાતામાં પૈસા નથી!! ત્યારે લોકોને ખબર પડી કે આ બધી બાઈકો જેને ડ્રોમાં લાગી છે એ હપ્તેથી લાગેલી છે. જેને બાઈકો લાગી હતી એના ખાતામાં બકુલ હપ્તાની રકમ ભરી દેતો અને બાર માસના ચેક એકી સાથે લોન વાળાને આપી દીધેલા હતા એ બધાના ખાતામાં હપતા જેટલી રકમ બકુલ નાંખી દેતો અને બધાની પાસબુક એ રાખતો કોઈને સહેજ પણ ખ્યાલ ન આવ્યો કે આપણે આબાદ જાળમાં આવી ગયા છીએ. અમુકે હપતા ભર્યા અને બાઈકો રાખી જેણે ન ભર્યા એની બાઈકો ફાઈનાંસ વાળા ખેંચી ગયા. કાગળીયાઓમાં કરેલી સહીઓ બધાને ભારે પડી રહી હતી.
સવજીભાઈ સાચું કહેતા હતા પણ ગામ વાળા કે પરગામ વાળા માન્યા જ નહિ. એકાદ વરસ ચણભણાટ થયો પછી લોકો ભૂલી ગયા!! અને આજે બકુલ ઘનાદા ને મળી ગયો હતો. દવાખાનાની વાતો થઇ અને બકુલ બોલ્યો!!
“ તમે જમવા જ નીકળ્યા છો ને તો ચાલો આજે હું તમને જમાડું!! આજ તમારે બધાએ મારે ત્યાં રોકાવવાનું છે” કહીને રોડની પેલી સાઈડ આવેલી એક મોટી હોટેલમાં પરાણે બકુલ બધાને ખેંચી ગયો!! બધા હા ના કરતાં કરતાં જમવા બેસી ગયા!! હોટેલ ભવ્ય હતી. અંદર ડેકોરેશન ગજબનું હતું!! એ જોઇને ઘનાદા બોલ્યા.
“ આ બહુ મોંઘુ હશે નહિ!! આ ચાર ચાર એસી!! આ લાઈટો!! આ ટેબલ!! આ સજાવટ!! આના કરતાં સસ્તી હોટેલમાં ગયા હોત તો જામત અને ખર્ચ પણ ઓછો થાત” તરત જ બકુલ બોલ્યો.
“ તમારું બધાનું ઋણ માથા પર છે એ મારે હજુ ઉતારવાનું કે નહિ!!?? બે મહિના પછી મારે ગામમાં આવવાનું છે. જે જે લોકોએ મને પૈસા આપ્યા હતા એને ડબલ પૈસા આપવાના છે. આમેય સાત વરસે તો ડબલ થઇ જ જાય ને પણ મારા છોકરાને કોઈ એમ ન કહેવું જોઈએ કે આ બકુલ બુચમારૂનો છોકરો છે!! તમ તમારે મોજથી જમો!! અને બકુલ ઓર્ડર આપતો ગયો!!

“પાંચ હોટ એન્ડ સોર સૂપ!! પાંચ ફિંગર ચિપ્સ સ્ટાર્ટર એકદમ ક્રિસ્પી જોઈએ!! બે કાજુ કરી સબ્જી!! બે વેજ હાંડી!! બે પનીર ટીકા બે મલાઈ કોફતા, ત્રણ સિઝલર!! દસ બટર રોટી!! પાંચ પંજાબી બટર મિલ્ક!! પાંચ મસાલા પાપડ!! દસ રસગુલ્લા સ્પેશ્યલ!! દસ કાલા જામ સ્પેશ્યલ!! પાંચ રજવાડી રબડી!! ત્રણ દાલ તડકા અને ત્રણ જીરા રાઈસ!! અત્યારે તો આટલું જ બાકી જોઇશ એ મંગાવી લઈશું” આટલું બોલીને એણે વેઈટરના ખિસ્સામાં સો રૂપિયાની નોટ નાંખી દીધી. વેઈટર જતો રહ્યો એટલે બકુલ બોલ્યો!!
“જમ્યા પછી બધા જ ટીપ્સ આપે પણ એ શા કામની ટીપ પહેલા આપવાની એટલે વેઈટર કોટામાં રહે અને આપણને સારી સારી વસ્તુ પીરસે!! હું અને વર્ષા અને મારો છોકરો કોઈ પણ હોટેલમાં જમવા જઈએ એટલે વેઈટર દોડતાં દોડતાં આવે.. કારણ એક જ હું એને પહેલા સો રૂપિયા ટીપ્સ આપી દઉં અને ભોજન પછી બસો રૂપિયા આપું છું. છેલ્લે જે ટીપ્સ આપીએ એમાં બધા વેઈટરનો ભાગ હોય!! પણ પહેલાં ટીપ્સ આપીએ એ વેઈટરની સુવાંગ ટીપ ગણાય!! આમેય ઘણું કમાયો છું ક્યાં વાપરવું એનો સવાલ છે હવે તો”

Image Source

બધા દાબી દાબીને જમ્યા.. કલાક વાર લાગી જમવામાં.. ઘના દાદા ખુશ હતા.. છેલ્લે વળી બધા માટે ચેરીનો આઈસ્ક્રીમ ડેઝર્ટ માટે મંગાવ્યું. સહુ પરાણે પરાણે ખાતા હતા ત્યાં બકુલ બોલ્યો!!
“ ઓહ શીટ મારા મોબાઈલની બેટરી ઉતરી ગઈ છે શૈલેશ તારો ફોન લાવ્ય તો હું ઓફિસે કહી દઉં કે મારે ગેસ્ટ આવ્યા છે એટલે બપોર પછી હું નથી આવતો અને વર્ષાને પણ કહી દઉં કે સાંજે બધા આપણા ઘરે રોકાશે કોઇએ ના પાડવાની નથી. વિજયભાઈને કદાચ રોકાવાનું થાય તો મારા ઘરે જ રોકાઈ જશે.” એમ કહીને બકુલે શૈલેશ પાસેથી સેમસંગનો કીમતી ફોન લઈને હલ્લો હલ્લો કરતો વોશ રૂમ બાજુ ગયો!! બધા જ આઈસ્ક્રીમ જમતા હતા!! આટલું બધું દાબી દાબીને કોઈએ ક્યારેય ખાધું નહોતું!! બકુલે બધાને સોગંદ દઈ દઈને ખવરાવ્યુ હતું!! ભોજન પૂરું થઇ ગયું. બધા બેઠાં બિલ આવી ગયું હતું!! ઘના દા એ બિલ જોયું!! આંકડો ૩૬૦૦ રૂપિયાનો હતો!! પણ બકુલ ક્યાય ન દેખાયો!! વેઈટર બિલ લેવા આવ્યો!! ઘનાદા એ બાવા હિન્દીમાં ઠપકાર્યું.

“બિલ વો બકુલ ભાઈ દેનેવાલે હૈ.. બકુલભાઈ બાથરૂમકી ઓર ગયે હૈ!! વો બિલ દેંગે!!” “વો કબકે ચલે ગયે મુઝે ઈશારા કરકે ચલે ગયે!!! બિલ આપ લોગોકો દેના પડેગા!! વો તો ચલે ગયે!!” અને બધાના મોઢા કાળા મેશ થઇ ગયા. કાઉનટર પર બેઠેલો મેનેજર મામલો સમજી ગયો અને એ આવીને બોલ્યો.

“ એ ચીટર છે.. ઘણી વાર એ અને એની પત્ની અહિયાં આવે છે,, બેય જણા ચીટર છે..લોકોને ફસાવીને પૈસા પડાવે અને મોજ કરે છે. એક સ્થાનિક રાજકારણી સાથે સારા સંબંધો છે કોઈ પોલીસવાળા એને કશું નથી કહેતાં. એ બને સતત અલગ અલગ શહેરોમાં ફરતાં રહે છે. છ મહિનાથી નહોતા દેખાણા પણ પાછા અમદાવાદ આવ્યા લાગે છે. હું એના બધા ધંધા જાણું છું. મેં એને એક વાર હોટેલમાં આવવાની ના પણ પાડી હતી તો મારા શેઠ મને ખીજાયા!! હું સમજી ગયો પછી એને વતાવતો નથી!! એની પત્ની રૂપાળી છે એનો એ ફાયદો ઉઠાવે છે!! પણ તમે ગામડાના માણસો એની ઝપટે કયાંથી આવ્યા??” ઘનાદાએ બિલ ચુકવ્યું અને બોલ્યા.

“અમે નાનપણથી જ એની ઝપટે આવી ગયા છીએ અમારું આખું ગામ એની ઝપટે આવી ગયું હતું હું એક જ નહોતો આવ્યો પણ આજ ૩૬૦૦ રૂપિયામાં મને પણ ઝપટે લઇ લીધો એનો બાપ સવજી સાચું જ કહેતો હતો પણ કોઈ માન્યું જ નહિ ને!!” કહીને સહુ ઉભા થયા. “પણ મારો ફોનેય લેતો ગયો છે એનું શું??” શૈલેશ બોલ્યો.

“ ફોન ગયો હવે નહિ આવે પાછો!! અમુક માણસો લેણું લેવા આવ્યા હોય છે!! એ લઈને જ જાય!! હાલ્ય હવે વિજયના રીપોર્ટ આવી ગયા હશે.. જ્યારે જયારે હું પંજાબી ખાવાનો દીકરો થાવ છું ત્યારે ત્યારે હું ભેખડે જ ભરાવ છું.” ઘનાદા બોલ્યાં!! સારી એવી હોટેલમાં જમ્યા પછી માણસો ખુશ હોય છે પણ આ ચાર લોકો દુઃખી હતા!!
કેટલાક લોકો જ્ન્મેને ત્યારે જ એના ડીએનએમાં બાય ડીફોલ્ટ “ બુચ મારવાનો” અવગુણ પ્રી ઇન્સ્ટોલ કરેલો હોય છે. એ કોઈ કાળે દૂર કરી શકાતો નથી. આવા લોકો જીવનના છેલ્લા શ્વાસ સુધી જગતનું બુચ મારતા હોય છે!!

લેખક:- મુકેશ સોજીત્રા

૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks