છોટાઉદેપુરમાં સગો ભાઈ જ બન્યો સેંથાના સિંદૂરને ઉજાડનાર, બનેવીને બંદૂકની ગોળીએ દીધા, ગર્ભવતી બહેન થઇ ગઈ વિધવા

છોટાઉદેપુરમાં ભાઈએ જીજાજીની હત્યા કરી, બહેને કહ્યું- હું પ્રેગ્નેટ છું, મારા ભાઈને ફાંસીએ લટકાવી દો…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણીવાર તો પરિવારની અંદર જ કોઈની હત્યા કરી દેવાના મામલાઓ પણ સામે આવે છે, ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં ભાઈએ જ બહેનના સેંથાનું સિંદૂર છીનવી લીધું અને તેના જ જીજાજીની હત્યા કરી નાખી. બહેનનો વાંક ફક્ત એટલો હતો કે તેણે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર આ ઘટના છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર  તાલુકામાં આવેલા ઘુટણવડ ગામમાં બની હતી. જ્યાં સાળાએ જ તેના જીજાજીની ગોળી મારીને હત્યા કરી નાખી. બહેનનો વાંક ફક્ત એટલો જ હતો કે તેને કોઈ યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો અને તે દોઢ વર્ષ પહેલા તેના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી તેના જ ઘરે રહેતી હતી. પરંતુ આ બાબતે રોષ રાખીને બેઠેલા ભાઈએ જીજાજીને મારી નાખવાની જ યોજના બનાવી દીધી.

પ્રાપ્ત માહિતી અનુસાર પાવીજેતપુર તાલુકાના કિકાવડા ગામમાં રહેતી સ્નેહા નામની યુવતીને ઘુટણવડ ગામના સુનિલ રાઠવા સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. અને દોઢેક વર્ષ પહેલા જ બંનેએ કોર્ટ લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ સ્નેહાના પરિવારજનોને આ બંનેનો પ્રેમ લગ્ન મંજુર નહોતો અને તે સ્નેહાને સુનીલના ઘરેથી ગમે તેમ કરીને પોતાની સાથે લઇ ગયા, જેના બાદ બાજુના જ ગામના એક યુવક સાથે સ્નેહાના બળજબરીથી લગ્ન કરાવી દીધા હતા.

પરંતુ સુનિલને પોતાનો પતિ માની બેઠેલી સ્નેહા તેના પતિના ઘરેથી સુનિલ સાથે જ ભાગી ગઈ અને સુનીલના ઘરે ઘુટણવડ ગામમાં જ રહેવા લાગી. આ વાતને લઈને સ્નેહાનો ભાઈ સચિન રાઠવા ખુબ જ ગુસ્સે હતો અને સુનિલ તેની આંખોમાં કણાની માફક ખૂંચવા લાગ્યો હતો જેના કારણે સચિને ગમેતેમ કરીને સુનિલની હત્યા કરવાનું મનોમન નક્કી કરી લીધી હતું.

ગત 25 ઓગસ્ટના રોજ સચિન તેના પિતાની લાયસન્સ વાળી બંદૂક લઈને ઘુટણવડ ગામ તેની બહેનના ઘરે પહોંચ્યો હતો. ભાઈના હાથમાં બંદૂક જોઈને બહેન અને જીજાજી બંને ગભરાઈ ગયા અને ભાગવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં જ સચિને ગોળી ચલાવી અને જે સુનિલને વાગી, હજુ આટલેથી સંતોષ ના પામેલા સચિને બંદૂકથી સુનીલના માથામાં પણ ફટકા માર્યા હતા. ત્યારે ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ બહાર આવી ગયા હતા. પરંતુ સચિનના હાથમાં રહેલી બંદૂક જોઈને લોકો પણ ડરી ગયા હતા.

ત્યારે કોઈએ 108ને ફોન કરતા 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ સચિને બંદૂકની ધાક બતાવી તેમને પણ નજીક ના આવવા દીધા, જેના બાદ કોઈએ પોલીસને પણ જાણ કરી દીધી હતી, પોલીસે સચિનની ધરપકડ કરી લીધી, અને સુનિલને હોસ્પિટલ મોકલ્યો પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ સુનીલનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. એવી પણ માહિતી મળી રહી છે કે સ્નેહા હાલમાં ગર્ભવતી હતી. ત્યારે હવે આ મામલામાં સ્નેહા તેના ભાઈને કડકમાં કડક સજા થાય એવી માંગ પણ કરી રહી છે.

Niraj Patel