દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામ ખાતે કૌટુંબિક સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ભાભી સાથેના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. જેમાં, કૌટુંબિક ભાભી સાથે પ્રેમ સંબંધ ધરાવનારા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી. ગત બુધવારના રોજ ચંદ્રસિંહ જાડેજાએ 30 વર્ષીય વિરમદે સિંહ જાડેજા નામના વ્યક્તિની બોથડ પદાર્થ વડે ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.
મૃતક વીરમદે સિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજાની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. જે બાબતની ખબર ચંદ્રસિંહ જાડેજાને પડી જતા તેણે વિરમદે સિંહ જાડેજાને પોતાની વાડી ખાતે મળવા બોલાવ્યો હતો. જ્યાં માથાના પાછળના ભાગે બોથડ પદાર્થ વડે ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હતી. મૃતક વિરમદે સિંહ જાડેજા ખેતી કામના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે, કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 103 (1) મુજબ મૃતકના મોટાભાઈ સંજયસિંહ જાડેજા દ્વારા ચંદ્રસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ચંદ્રસિંહ તેમજ મારો ભાઈ વિરમદે સિંહ જાડેજા ઘણા સમયથી સાથે રહેતા હતા. તેમજ મારા ભાઈ તેના ઘરે પણ આવતો જતો રહેતો હતો. છેલ્લા એકાદ વર્ષથી ચંદ્રસિંહના પત્ની સાથે મારા ભાઈને પ્રેમ સંબંધ બંધાયાની મને જાણ થતા મે મારા નાના ભાઈને સમજાવીને ઠપકો પણ આપ્યો હતો.
બુધવારના રોજ સાંજના છ વાગ્યા આસપાસ મારા કૌટુંબિક ભાઈ અજીતસિંહ જાડેજાનો મને ફોન આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, આપણે ચંદ્રસિંહ જાડેજાની વાડીએ ઇમર્જન્સીમાં જવાનું છે. તમારો ભાઈ વિરમદે સિંહ ચંદ્રસિંહની વાડીએ પડેલ છે તેવું મને જાણવા મળ્યું હતું. ત્યારબીદ ચંદ્રસિંહની વાડીએ પહોંચતા કોઈ વ્યક્તિ ગોદડું ઓઢાડેલ હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. ગોદડું ઊચું કરતા મારો ભાઈ લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. વાડી ખાતે કામ કરનાર મજૂર લખનભાઈને પૂછતા એમને કહ્યું હતું કે, મને તમારા ભાઈ વિશે ખ્યાલ નથી. તેમજ વાડી ખાતે ચંદ્રસિંહ પણ જોવા નહોતો મળ્યો. તેને ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.