વડોદરાના શિનોરમાં સંબંધોને શરમાવે એવી કરુણ ઘટના સામે આવી છે. દિયરે મિત્રો સાથે મળી મા સમાન વિધવા ભાભીને પીંખી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યુ છે. વડોદરાના શિનોરમાં 4 સપ્ટેમ્બરના રોજ તાલુકાના નૌકા તાલીમ કેન્દ્ર નજીક ઝાડી ઝાંખરા નજીકથી એક મહિલાનો નિર્વસ્ત્ર અને ઝાડ સાથે બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, આ પછી શિનોર પોલીસ દોડતી થઈ ગઇ હતી. પોલિસને પહેલા જ શંકા હતી કે કાંઈક ખોટું થયું છે.
આ પછી જ્યારે પોલિસ મૂળ સુધી પહોંચી તો ચોંકાવનારા ખુલાસા થયા. મૃતદેહનું પીએમ કરાવતા ગળાનું હાડકું તૂટી જવાથી મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યુ. આ ઉપરાંત ઘટના સ્થળેથી મહિલા સાથે કંઈક ખોટું થયું હોવાના ત્રણ સેમ્પલ પણ પોલિસને મળી આવ્યા. મૃતદેહ ડીકંપોઝ થઈ ગયો હોવાને કારણે વિસેરા લેવાની ફરજ પડી હતી. મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો.
આ પછી પોલિસ આ મામલાનો ભેદ ઉકેલવા માટે લાગી ગઇ હતી. આરોપીઓને શોધવા પોલીસ સહિત વિવિધ એજન્સીઓને કામે લાગી હતી. પોલિસે ઝડપી તપાસ હાથ ધરતા ચાર દિવસ પછી ગુનેગારોને ઝડપી પાડ્યા અને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો. જિલ્લા પોલીસે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી.
પૂછપરછમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા. છેલ્લા ઘણા સમયથી સંબંધ રાખવા માટે મૃતકનો દિયર દબાણ કરી રહ્યો હતો પણ મહિલાએ આડા સંબંધ રાખવાની સ્પષ્ટ ના પાડી દેતા દિયર રોષે ભરાયો અને મિત્રો સાથે મળી ભાભીનું કાસળ કાઢી નાખવા પ્લાન ઘડ્યો. મહિલા જ્યારે પોતાના સ્વજનના ઘરેથી ઘર તરફ પરત જઇ રહ્યા હતા ત્યારે દિયરે મિત્રો સાથે મળી ભાભીનો પીછો કર્યો.
જો કે, હવસખોરોની ચુંગાલથી બચવા મહિલાએ જીવ બચાવી દોટ મૂકી પણ આખરે તે હાથમાં આવી જતા દિયર સહિત ચાર નરાધમોએ ભેગા મળી સામૂહિક દુષ્કર્મ આચર્યું અને બાદમાં ગળે ટૂંપો દઇ મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં ઝાડ સાથે બાંધી દીધો. એવું સામે આવ્યુ છે કે મૃતક મહિલા વિધવા હતી અને તેના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હતા. આ ઘટનાની જાણ દિયરને થતાં તેણે ભાભી પર દાનત બગાડવાની શરૂ કરી પણ પોતાનો મનસૂબો પાર ન પડતાં તેણે ઘટનાને અંજામ આપ્યો.