અનોખા અંદાજમાં યોજાયા દીકરીના લગ્ન, વરરાજાની જગ્યાએ પોતે જ વાજતે ગાજતે જાન જોડીને નીકળી લગ્ન મંડપમાં જવા

MBA પાસ છોકરીએ વરરાજાની જેમ રોલ્સ રોય બગીમાં યોજ્યો પોતાનો વરઘોડો, બેન્ડ વાજા સાથે પહોંચી લગ્ન મંડપમાં લગ્ન કરવા, કારણ સામે આવ્યું તો લોકોએ પણ કરી વાહ વાહ

હાલ દેશભરમાં લગ્નનો માહોલ જામ્યો છે અને દરેક વ્યક્તિ પોતાના લગ્નને જેમ બને તેમ ખાસ બનાવવા માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે. ઘણા લગ્નની અંદર તમે જોયું હશે કે કેટલાક ખાસ આયોજનોના કારણે તે ચર્ચામાં આવે છે, તો ઘણીવાર લગ્નમાં કન્યાની એન્ટ્રી પણ લોકોના દિલ જીતી લે છે અને તેના વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે, પરંતુ હાલ જે લગ્ન સામે આવ્યા છે તે સાવ અનોખા છે.

આપણે મોટાભાગે લગ્નમાં જોયું હોય છે કે વરરાજા વાજતે ગાજતે વરઘોડો યોજી અને લગ્ન મંડપ સુધી આવતો હોય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં વરરાજા નહિ પરંતુ કન્યા વરઘોડો યોજી અને ઢોલ નગારાના તાલ પર ઝૂમતી ઝૂમતી મહેમાનો સાથે લગ્ન મંડપમાં આવી પહોંચી હતી. ત્યારે તેને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ રીતે વરઘોડો કાઢવાનું કારણ સામે આવતા જ લોકો પણ ભાવુક થઇ ગયા હતા.

આ અનોખા લગ્ન સામે આવ્યા છે યુપીના સંતકબીર નગરમાંથી. મૂળ કટિબંધુ ગામના નિવાસી અને બેઢીયા મોહલ્લામાં રહેવા વાળા જીવન વીમા સલાહકાર તરીકે કામ કરતા અખિલેશ સિંહ અને પરિષદ વિદ્યાલયમાં શિક્ષિકા બનાવતી તેમની પત્ની સુભદ્રા સિંહને કોઈ દીકરો નથી અને ફક્ત બે દીકરીઓ જ છે. મોટી દીકરી પૂજા સિંહ એમબીએ કરીને હૈદરાબાદની એમેઝોન કંપનીમાં કામ કરે છે અને નાની દીકરી પ્રજ્ઞા કમ્યુટર સાયન્સમાં બીટેક કરી ચુકી છે.

તેમને પોતાની દીકરીઓને દીકરાઓની જેમ ખુબ જ લાડ પ્રેમથી ઉછેરી છે. તેમની ઈચ્છા હતી કે જેમ દીકરાના લગ્નમાં વરઘોડો નીકળે તેમ દીકરીના લગ્નમાં પણ વરઘોડો યોજાય. ત્યારે હવે મોટી દીકરી પૂજાના લગ્ન નોઈડાની કંપનીમાં કામ કરતા એન્જીનીયર ભાનુપ્રતાપ સાથે યોજાયા ત્યારે તેને પોતાના માતા પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ધામધૂમથી રોયલ બગીમાં સવાર થઈને નાચતા ગાતા પોતાનો વરઘોડો યોજ્યો હતો.

Niraj Patel