લગ્નના દિવસે જ કન્યાને થયો કોરોના, તો PPE કીટ પહેરીને વર કન્યાએ કરી લીધા લગ્ન, જુઓ અનોખા લગ્નની તસવીર

કોરોનાના વધતા જતા સંક્રમણના  કારણે હવે ઘણા લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે. ઘણી ખબરો એવી પણ આવે છે જે આપણને પણ ચોંકાવી દે. આ કોરોના કાળની અંદર લગ્નની પણ પ્રથાઓ બદલાઈ ગઈ છે. ત્યારે હાલમાં જ એક અનોખા લગ્ન જોવા મળ્યા. જ્યાં વર કન્યાએ પીપીઈ કીટ પહેરી અને લગ્ન કર્યા.

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના લાટ ગામની અંદર એક લગ્ન સમારંભમાં ત્યારે હડકંપ મચી ગયો જયારે કન્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. રાજસ્થાનના બીકાનેરથી આ ગામની અંદર જાન આવી હતી.

કોરોના સંક્રમિત દુલ્હને પીપીઈ કીટ પહેરીને લગ્ન કર્યા. વરરાજા અને લગ્ન કરાવવા વાળા બંને પક્ષના પંડિતો દ્વારા પણ પીપીઈ કીટ પહેરવામાં આવી. લગ્ન પૂર્ણ થયા બાદ જાન કન્યા વગર જ પાછી જતી રહી. દુલ્હનને ઘરમાં જ આઇસોલેટ કરવામાં આવી.

લાટ ગામની રહેવાસી વનિતા ઉર્ફે વિમલાના લગ્ન બિકાનેર રાજસ્થાન નિવાસી ભુપેન્દ્ર સાથે નક્કી થયા હતા. બુધવારના રોજ ગામની અંદર મહિલા સંગીત પણ સંપન્ન થઇ ગયું હતું. ગુરુવારે ગામની અંદર જાન આવવાની હતી. સવારે જયારે કોવિડ હોસ્પિટલમાંથી કન્યાના પરિવારજનોને ફોન આવ્યો ત્યારથી હડકંપ મચી ગયો. ખબર પડી કે દુલ્હન વનિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ દરમિયાન કન્યાના ઘરે બીકાનેરથી જાન પણ આવી ગઈ. કન્યાના પોઝિટિવ આવવાના કારણે રંગમાં ભંગ પડી ગયો, પરંતુ વનિતાએ પીપીઈ કીટ પહેરી અને ભુપેન્દ્ર સાથે લગ્નના સાત ફેરા ફર્યા.

આ લગ્ન ઘરેથી થોડે દૂર એક ખેતરમાં સંપન્ન કરવામાં આવ્યા. જ્યાં વર કન્યા સહીત પંડિતે પણ પીપીઈ કીટ પહેરી. લગ્ન મંડપની અંદર આ ચાર સિવાય બીજું કોઈ હાજર નહોતું. લગ્ન પૂર્ણ થયા બાદ જાન કન્યાને લીધા વિના જ પાછી ચાલી ગઈ. કન્યાનો ક્વોરેન્ટાઇન પિરિયડ પૂરો થતા તેને લઈ જવામાં આવશે એવું વરરાજા પક્ષ તરફથી જણાવવામાં આવ્યું.

આ લગ્ન માટે ઘણું મોટું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કન્યાના પોઝિટિવ આવવાની સાથે જ બધું જ આયોજન અટકી ગયું. જેમાં કન્યાના પરિવારજનોને મોટી ખોટ પણ સહન કરવી પડી હતી.

Niraj Patel