ઘણીવાર આપણો નજીકનો કોઈ ખાસ સંબંધ પણ ઘણીવાર કોઈ ભૂલના કારણે તૂટી જતો હોય છે, વર્ષો સુધી ટકાવી રાખેલી એક મિત્રતા પણ પળવારમાં તૂટી જતી હોય છે, વર્ષો સુધી કોઈ એક જ વ્યક્તિને પ્રેમ કર્યો હોય અને એક ભૂલ એ પ્રેમને નફરતમાં ફેરવી દેતી હોય છે, જે પતિ પત્નીએ જીવનના કેટલાય વર્ષો સાથે વિતાવ્યા હોય એ સંબંધ પણ ઘણીવાર એક ભૂલના કારણે છૂટાછેડા સુધી પણ પહોંચી જતો હોય છે, જીવનમાં ઘણીવાર આવી છે અને તેનો કોઈ ઉપાય પણ નથી મળતો સિવાય અફસોસ, માણસ અફસોસ સિવાય બીજું કરી પણ શું શકે?

આવી જ એક વાર્તા હું તમને સંભળાવીશ જે વાર્તામાં તમને તમારા જીવનમાં થયેલી એવી ભૂલનો પણ અફસોસ થશે.

એક ખુબ જ મોટું રાજ્ય હતું એ રાજ્યનો એક રાજા હતો. રાજની કીર્તિ ગામે ગામ ફેલાયેલી, લોકો તેમને ન્યાયના દેવ સમાન માનતા. રાજા ન્યાયપ્રિય હતા, જેના કારણે લોકોમાં તેમની ચાહના વધારે હતી, દૂર દૂરથી લોકો પોતાની ફરિયાદ રાજા પાસે લઈને આવતા અને રાજા તેમની ફરિયાદ દૂર કરતા અને જો કોઈ અપરાધીએ ભૂલ કરી હોય તો તેની કઠોર સજા પણ તેઓ આપતા.
રાજાએ સજા આપવા માટે 10 કુતરાઓ રાખ્યા હતા. આ 10 કુતરાઓ ખુબ જ ભયાનક હતા, રાજા તેમને સારું સારું ખવડાવતા અને એક પાંજરામાં જ પુરી રાખતા, જો કોઈ અપરાધ કરે તો તેને આ કુતરાના પાંજરામાં જ નાખી દેવામાં આવતો જેના કારણે તેમના રાજ્યમાં કોઈ અપરાધ કરવાનું વિચારતું પણ નહીં.

એક દિવસ રાજાનો રાજ્ય દરબાર ચાલુ હતો, રાજાના એક મંત્રીએ રાજાની વિરુદ્ધમાં એક નાની વાત કરી અને રાજા ગુસ્સે થઇ ગયા, તરત જ એ મંત્રીને કુતરાના પાંજરામાં નાખવાની સજા રાજાએ દરબારમાં જ સંભળાવી દીધી. મંત્રીએ રાજાને ખુબ જ આજીજી કરી, પોતાને બક્ષવા માટે કહ્યું પરંતુ રાજાએ તેની વાત સાંભળી નહિ, મંત્રીએ કહ્યું કે: “મેં આપની દસ વર્ષો સુધી સેવા કરી છે.” પરંતુ રાજાએ તેને ભૂલ માટે પણ સજા મળશે જ એમ કહી તેની વાત ફગાવી દીધી.
મંત્રી પણ હોશિયાર હતો, તેને છેલ્લે રાજા પાસે એક વિનંતી કરી કે: “હું મારી ભૂલની સજા ભોગવવા માટે તૈયાર છું, પરંતુ મને દસ દિવસનો સમય આપો, જેથી હું મારા પરિવાર અને બાળકો સાથે સમય પસાર કરી શકું, આ દસ દિવસ હું મારી મરજી મુજબ જીવી શકું, હું મારી ઈચ્છા મુજબના કામ કરી શકું.”

રાજાએ મંત્રીની એ વાતનો સ્વીકાર કર્યો અને તેને દસ દિવસ તેનું ધાર્યું કરવાની છૂટ આપી, સાથે ચેતવણી પણ આપી કે “આજથી અગિયારમા દિવસે તેને કુતરાના પાંજરામાં નાખવામાં આવશે.” મંત્રી પણ તેમની વાતમાં સહમત થયો.
મંત્રી દરબારમાંથી નીકળી સીધો જ એ કુતરાના પાંજરા પાસે ગયો, ત્યાં જઈને તેના રખેવાળને દસ દિવસ સુધી રજા ઉપર જવા માટે કહ્યું, હવેથી દસ દિવસ સુધી કૂતરાઓની ચાકરી તે પોતે કરશે એમ જણાવ્યું. રાજાનો આદેશ હતો કે તેની ઈચ્છા પ્રમાણે કામ કરવા દેવું માટે કુતરાનો રખેવાળ પણ દસ દિવસ રજા ઉપર ચાલ્યો ગયો.

મંત્રીએ કૂતરાને સારું સારું ખવડાવવા લાગ્યો, જૂના રખેવાળ કરતા પણ વધારે તેની ચાકરી કરવા લાગ્યો અને આમ ને આમ દસ દિવસ પણ પુરા થઇ ગયા. જૂનો રખેવાળ પાછો આવી ગયો અને મંત્રી રાજ દરબારમાં પાછો પહોંચી ગયો. રાજાના હુકમ પ્રમાણે મંત્રીને સજા આપવાનો દિવસ હોવાથી, સૌનિકો દ્વારા તેને રાજાની સામે જ કુતરાના પાંજરામાં નાખવામાં આવ્યો, પરંતુ તે કુતરાઓ તેને કરડવાના બદલે તેના પગ ચાટી રહ્યા હતા આ જોઈને રાજાને નવાઈ લાગી.
મંત્રીએ કહ્યું કે “રાજાજી તમે મુંઝાશો નહિ, આ કૂતરાઓની સેવા મેં માત્ર દસ દિવસ કરી છે તો પણ તેઓ મને ઓળખી ગયા અને કરડવાને બદલે મારા પગ ચાટી રહ્યા છે, જયારે મેં તો તમારી દસ વર્ષ સુધી સેવા કરી છે અને તો પણ મારી એક ભૂલ માટે તમે મને મૃત્યુદંડ જેવી સજા આપી દીધી.”

મંત્રીની વાત સાંભળી રાજાને પણ પોતે આપેલી સજા ઉપર અફસોસ થયો, તેમને મંત્રીને બહાર બોલાવી તેની સજા માફ કરી અને પોતાના રાજ્યમાં તેને બીજું ઊંચું પદ પણ આપ્યું.
એમ આપણે પણ કોઈની એક નાની ભૂલ માટે પણ સામેની વ્યક્તિને મોટી સજા આપી દેતા હોઈએ છીએ, આપણે પણ ક્યારેય પાછળનું વિચારતા નથી, ના તેને ભૂલ કયા કારણથી કરી છે તે વિચારીએ છીએ, આપણે તો સજા આપી અને તેમાંથી મુક્ત થઇ જઈએ પરંતુ સામેના વ્યક્તિને તેનો અફસોસ કેવો થાય છે તે પણ આપણે નથી વિચારતા.

મિત્રો જીવનમાં ભૂલ એક સામાન્ય બાબત છે, જો ભૂલ થાય તો એક પાનું ફાડી શકાય, પરંતુ આખું પુસ્તક ફાડી નાખવું એ મૂર્ખતા છે, જો તમે પણ જીવનમાં આવી મૂર્ખતા કરી હોય તો હજુ પણ સમય છે, તમે પણ માફી માંગી અને એ સંબંધને પાછો જીવંત કરી શકો છો, કારણ કે જીવનમાં ઘણું બધું મળી જાય છે પરંતુ એ સંબંધ નથી મળતા જે સંબંધ દિલથી જોડાયેલા હોય છે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.