અકસ્માત કેસમાં મૃત્યુ પામેલા એકના એક દીકરાના પરિવારજનો આકરા પાણીએ, કહ્યું કે નિર્દોષ લોકોના જીવ લેનાર નરાધમને અમારી સામે જાહેરમાં ફાંસી આપો

અમદાવાદના ગોઝારા અકસ્માતમાં ઘણા યુવાનો મોતને ભેટ્યા, તેમાં બોટાદના પણ 3 યુવાનો સામેલ છે. કૃણાલ, રોનક અને અક્ષર નામના યુવકોના મોત બાદ તેમના મૃતદેહોને વત ખાતે અંતિમવિધિ માટે લાવવામાં આવ્યા અને તે બાદ તો ત્રણેયના પરિવારો પર દુખોનો પહાડ તુટી પડ્યો. મૃતક અક્ષર કે જે તેના માતા-પિતાનો એકનો એક દીકરો અને તેની બહેનનો એકનો એક ભાઇ હતો તેના પરિવારે આ ઘટનાને લઇને રોષ વ્યક્ત કર્યો છે.

દીકરા સામે દીકરાના જીવની મૃતકના પરિવારની માંગ
એમબીએ માટે ફોર્મ ભરવા અમદાવાદ ગયેલા અક્ષરને તથ્ય પટેલે જેગુઆર કારથી ફંગોળતાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે અક્ષરના પરિવારે સરકાર પર રોષ ઠાલવ્યો અને કહ્યું, સહાયથી તેમનો પુત્ર પાછો નહિ આવે, જો તે પાછો આવી જાય તો અમે સરકારને પૈસા આપવા તૈયાર છીએ. તેમણે દીકરા સામે દીકરાના જીવની માગ કરી.  પરિવારજનોએ સરકાર સામે ન્યાય આપવાની વાત કરી છે અને હત્યારા તથ્ય માટે ફાંસીની સજાથી કાંઇ પણ ઓછું મંજૂર નથી તેવો રોષ પણ વ્યક્ત કર્યો.

નિર્દોષ લોકોના જીવ લેનાર નરાધમને અમારી સામે જાહેરમાં ફાંસી આપો
આ ઉપરાંત અક્ષરના માતા પિતા અને પરિવારના સભ્યોએ આક્રોશ ઠાલવતા કહ્યુ કે લાખો રૂપિયાને શુ કરવાં અમે સરકારને કહીએ છીએ અમારો લાડકવાયો અમને આપો અમે સરકારને રૂપિયા આપીશું. પોતાના શોખ માટે નિર્દોષ લોકોના જીવ લેનાર નરાધમને અમારી સામે જાહેરમાં ફાંસી આપે. આ ઉપરાંત તેમણે આગળ કહ્યુ કે, નરાધમ તથ્ય પટેલની ગાડીમાં છોકરીઓ અને ડ્રગ્સ તેમજ દારૂ પણ હતો, તેઓએ તથ્યને તાત્કાલિક આકરામાં આકરી ફાંસીની સજા આપવાની માંગ કરી.

Shah Jina