28 લોકોએ તડપી તડપીને જીવ ગુમાવ્યો, બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં FSL રિપોર્ટની અંદર થયો મોટો ખુલાસો

બોટાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, 24 લોકોના મોત બાદ હવે 28 લોકોના મોત થયાની ખબર સામે આવી રહી છે. વેજળકા ગામે વધુ 2 લોકોનાં મોત તથા પોલારપુર ગામે 1નું મોત નીપજ્યું છે. આ મામલામાં બરવાડા પોલીસે 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ત્યારે હવે આ મામલામાં FSLના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, આ પીણામાં 98.71 ટકા મિથાઇલ આલ્કોહોલ ભેળવવામાં આવ્યું હતુ. આ મામલામાં 28 લોકોના મોત ઉપરાંત હજુ પણ 40થી પણ વધુ લોકો સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, સાથે જ હજુ પણ મૃત્યુઆંક વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ પણ કરવામાં આવી છે. 600 લીટર જેટલું કેમિકલ આરોપીએ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ. ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી છે.બરવાળાના મૃતકોને આજે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો અને આ દરમિયાન એકસાથે આટલા લોકોના અંતિમ સંસ્કારથી ધરતી પણ દહેલી ઉઠી હતી. આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. જે દ્રશ્ય ખરેખર દર્દનાક છે.

અગાઉ સામે આવેલા મોતના આંકડામાં બરવાળા તાલુકાના રોજીદ ગામના 6 લોકો, ઉંચડી ગામ અને ચંદરવા ગામના 2-2 લોકો, ધંધૂકાના આકરુ ગામ અને અણીયાળી ગામના 3-3 લોકો, રાણપુર તાલુકાના દેવગણા ગામના 2 લોકોના મોત થયા છે. ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 32 લોકોમાંથી 4 લોકોની હાલત ખુબ જ ગંભીર જણાવવામાં આવી રહી છે.

Niraj Patel