બોલિવુડના 80 અને 90ના દાયકાના ખૂંખાર વિલન ડૈની ડેંજોંગ્પા આજ કાલ છે કયાં ?

ડૈનીને આજે પણ આપણે કાંચા ચીના, બખ્તાવર, શેર ખાન અને કાત્યાના નામથી ઓળખીએ છીએ, આજ-કાલ કયાં છે ? જુઓ

બોલિવૂડની ફિલ્મોને વિલન વિના અધૂરી માનવામાં આવે છે અને આ ટ્રેન્ડ 60ના દાયકાથી ચાલી રહ્યો છે. ખાસ કરીને 80 અને 90ના દાયકામાં વિલનનું પાત્ર ફિલ્મના હીરો જેટલું જ જોરદાર હતું. બોલિવૂડમાં ઘણા ‘વિલન’ બની ચૂક્યા છે, પરંતુ ડૈની ડેંજોંગ્પાની વાત અલગ છે. 80 અને 90ના દશકની બોલિવૂડ ફિલ્મોમાં ડૈની પોતાની ડરામણી એક્ટિંગથી ફિલ્મના હીરોને પણ ગભરાવી દેતા હતા. ફિલ્મના હીરો સાથે છેતરપિંડીથી માંડીને દાણચોરી અને એ તમામ કામ જે તે સમયે હિન્દી ફિલ્મોના વિલન કરતા હતા. ફિલ્મોમાં ભયાનક દેખાતો ડૈની વાસ્તવિક જીવનમાં ખૂબ જ સરળ વ્યક્તિ છે. ડૈનીનો જન્મ 25 ફેબ્રુઆરી, 1948ના રોજ સિક્કિમના યુક્સોમમાં થયો હતો. તેનું પૂરું નામ શેરિંગ ફિન્સો ડેંજોગ્પા છે.

ડેનીનું શાળાકીય શિક્ષણ નૈનિતાલની ‘બિરલા વિદ્યા મંદિર’ સ્કૂલમાંથી કર્યું હતું, જ્યારે તેમણે દાર્જિલિંગની સેન્ટ જોસેફ કૉલેજમાંથી કૉલેજ ગ્રેજ્યુએશન કર્યું હતું. વર્ષ 1964માં, કોલેજ પૂર્ણ કર્યા પછી, તેઓ ‘ઇન્ડિયન આર્મી’માં પસંદ થયા, પરંતુ તેમની માતાની ના પર, તેમણે સેનામાં જોડાવાની ઇચ્છા છોડી દીધી. ડૈનીને બાળપણથી જ ગાયન અને અભિનયમાં ખૂબ જ રસ હતો. તેથી, અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે તેમણે પુણેની પ્રખ્યાત ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થા’માં પ્રવેશ લીધો. પુણેમાં અભ્યાસ કરતી વખતે મિત્રો ઘણીવાર તેના દેખાવ અને નામ માટે તેની મજાક ઉડાવતા હતા, જેના કારણે તે ખૂબ જ પરેશાન રહેતા હતા.

આ દરમિયાન તેમની મુલાકાત જયા ભાદુરી (જયા બચ્ચન) સાથે થઈ અને બંને સારા મિત્રો બની ગયા. એક દિવસ જયાએ તેને કહ્યું કે તારે તારું નામ ‘શેરિંગ ફિન્સો ડેંજોંગ્પા ‘ને બદલે ‘ડૈની ડેંજોંગ્પા’ રાખવું જોઈએ. આ પછી ‘શેરિંગ ફિન્સો ડેંજોંગ્પા’ કાયમ માટે ‘ડેની ડેંજોંગ્પા’ બની ગયા. ડૈનીએ વર્ષ 1971માં બીએ પૂર્ણ કર્યું. તેમણે ઈશરાની ફિલ્મ ‘જરૂરત’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેમણે હીરો-હિરોઈનના મિત્રનું પાત્ર ભજવ્યું હતું. આ પછી તેમને ગુલઝારની ફિલ્મ મેરે અપને (1971)માં મોટો બ્રેક મળ્યો. પરંતુ બી. આર. ચોપરાની ફિલ્મ ધૂન (1973)માં મહત્વની ભૂમિકા ભજવીને તેમને વાસ્તવિક ઓળખ મળી.

70ના દાયકામાં, ડૈની ઘણી ફિલ્મોમાં સેકન્ડ લીડ તરીકે સકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન તેણે ‘ફકીરા’, ‘ચોર મચાયે શોર’, ‘દેવતા’, ‘કાલીચરણ’, ‘બુલંદી’ અને ‘અધિકાર’ જેવી ફિલ્મોમાં પણ સકારાત્મક પાત્રો ભજવ્યા છે.વર્ષ 1975માં રમેશ સિપ્પીએ ગબ્બરનો રોલ ઓફર કર્યો હતો. પરંતુ તારીખોના અભાવને કારણે તે આ રોલ કરી શક્યો ન હતો. પછી અમજદ ખાને હિન્દી સિનેમાના ઇતિહાસમાં ગબ્બર સિંહના પાત્રને અમર કરી દીધું. આ પછી તેને બિગ બજેટ ફિલ્મો ‘આશિક હું બહારોં કા’, ‘પાપી’, ‘બંધિશ’, ‘ધ બર્નિંગ ટ્રેન’ અને ‘ચુનૌટી’માં નેગેટિવ રોલ કરવા મળ્યા અને ડૈની વિલન તરીકે ફેમસ થયા. આ દરમિયાન તેણે વિલન તરીકે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું અને ડેનીનો વિલનનો રોલ પણ યાદગાર બની ગયો.

પછી તે ‘કાત્યા’ હોય, ‘બખ્તાવર’ હોય કે ‘કાંચા ચીના’ હોય. ડૈનીએ 70થી 90ના દાયકા સુધી ઘણી બોલીવુડ ફિલ્મોમાં અભિનેતા, વિલન, સેકન્ડ લીડ રોલ અને કોમેડિયન તરીકે કામ કર્યું હતું. ડૈનીએ માત્ર ફિલ્મોમાં જ અભિનય નથી કર્યો, પરંતુ ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ફિર વહી રાત’ હિન્દી સિનેમાની ટોચની 5 શ્રેષ્ઠ હોરર સસ્પેન્સ ફિલ્મોમાંની એક ગણાય છે.તે એક લેખક અને શિલ્પકાર પણ છે. તેમણે આશા ભોસલે સાથે બોલિવૂડ ફિલ્મ ‘કાલા સોના’માં ગીત ગાયું છે જે તેમના પર ફિલ્માવાયું હતું.

બોલિવૂડમાં પ્રવેશતા પહેલા તે નેપાળી ગીતો ગાતા હતા. તેમણે અત્યાર સુધીમાં લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે વર્ષ 2019માં કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી’માં જોવા મળ્યા હતા. આ પહેલા તે બાયોસ્કોપવાલા (2018), નામ શબાના (2017), બેબી (2015), બેંગ બેંગ (2014) અને જય હો (2014) જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. ડૈની સિક્કિમ સ્થિત બીયર કંપની યુક્સોમ બ્રેવરીઝના માલિક છે. આ કંપની દર વર્ષે બિયરના 30 લાખ કેસ વેચે છે. યુક્સોમ ભારતની ત્રીજી સૌથી મોટી ‘બીયર બ્રાન્ડ’ પણ છે. ડૈનીએ 1987માં તેની શરૂઆત કરી હતી. હાલમાં તે સિક્કિમમાં રહીને કંપનીની દેખરેખ કરી રહ્યા છે. તેઓ 223 કરોડની કુલ સંપત્તિના માલિક છે.

Shah Jina