દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“બ્લેક સુટકેસ – ધ થ્રીલર ” – આજે વાંચો મુકેશ સોજીત્રાની કલમે એક સસ્પેન્સ સ્ટોરી….

ત્રિવેણી બોરીવલી સ્ટેશન પર બેઠી હતી. વરસ દિવસ પહેલા આજ સ્ટેશન પર રાતના આઠેક વાગ્યે સુરતથી આવતી એક ટ્રેનમાં એ આવી હતી. આજ પ્લેટફોર્મ પર અને આજ બાંકડા પર એ બેઠી હતી. નિલય એને લેવા આવ્યો હતો ત્યારે એ ખુબ જ ખુશ હતી. વરસ દિવસ પહેલા એ એકદમ બોલ્ડ બનીને ઘર પરિવાર ત્યાગીને પોતાના મનના માણીગર એવા નિલય સાથે એ ભાવી જીવનના સપના આંખોમાં સજાવીને એ આવી હતી. સ્ટેશન ખાસ બદલાયું નહોતું. એ જ ભીડ!!, એજ હાંફતા અને સતત ધબકતા રેલવેના પાટાઓ.. કોલાહલથી ભરપુર રેલવે સ્ટેશન!! દસ દસ મીટરના અંતરે સ્ટોલ વાળા!! તમાકુનો પ્રતિબંધ હોવા છતાં.. ગુટખા વેચતા નાના ટાબરિયાઓ.. ઓવર બ્રિજની બને બાજુ ફુલ વાળાઓ!! રમકડા વાળાઓ અને કંગાળ હાલતમાં લોકોનું ભવિષ્ય ભાખતા જ્યોતિષીઓ!! બને બાજુ વડા પાવ વાળાની લારીઓ અને વચ્ચે બેઠેલી ત્રિવેણી એકીટશે રેલવે ટ્રેક પર તાકી રહી હતી. ઘરેથી નીકળી ત્યારે જ નક્કી કર્યું હતું કે સૌરાષ્ટ્ર બાજુ જતી કોઈ પણ ગાડીમાં એ બેસી જશે!! સ્ટેશન પર આવીને એણે ટાઈમ ટેબલ જોયું!! સુરત તરફ જતી મેમુ ટ્રેઈન ને આવવાની હજુ અડધો કલાકની વાર હતી. મોબાઈલ સાડા છ નો સમય બતાવી રહ્યો હતો.!! હજુ અરધો કલાક બાકી હતો. પોતે નિલયનો કાયમ માટે ત્યાગ કરી ને પોતાની સહેલી રીમા પાસે જઈ રહી હતી. રીમા સુરતમાં સેટલ હતી!! રીમાએ પોતાના માતાપિતાનું માન્યું હતું. અને પોતે પોતાના મનનું માન્યું હતું. અને વરસ દિવસમાં જે આપત્તિઓ આવી પડી હતી એનાથી એ કંટાળી ગઈ હતી. જોકે એ ભાગ્યને દોષ દઈને બેસી રહે એવી યુવતી તો નહોતી જ!! પોતે લીધેલા પગલાનું જે કાઈ પરિણામ આવે એ પોતે એકલી જ ભોગવવા તૈયાર હતી. અને આમેય એ જિંદગી સામે લડી લે એટલી તો સક્ષમ હતી જ!! એણે આંખો મીચી દીધી. બને પગ વચ્ચે બ્લેક સુટકેશ દબાવીને અને પોતાનું પર્સ ખોળામાં નાંખીને એણે નજર નીચી કરી આંખો મીંચીને એ પોતાના જ ભૂતકાળને વાગોળતી રહી!! સુરત તરફ જવાની મેમુ ટ્રેઈનને આવવાની હજુ અરધો કલાકની વાર હતી.!!

image source : themobileindian.com

ત્રિવેણી!!
નાથાભાઈ અને હંસાબેનનું ત્રીજું સંતાન!! ત્રીજું સંતાન એટલે નામ પાડ્યું હતું ત્રિવેણી!! મોટા બે ભાઈઓ અને એ એકજ દીકરી એટલે લાડકોડ તો હોય જ ને!! પ્રાથમિક શાળાનું ભણતર ગામડામાં પૂરું કર્યું!! માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બાજુના ગામડામાં પૂરું કર્યું!! બીએસસી નર્સીંગમાં એ વલ્લભ વિદ્યાનગરમાં દાખલ થઇ!! પોતાની સાથેજ પોતાના બાજુના ગામની રીમા સાથે હોસ્ટેલમાં રહીને ત્રીવેણીએ નર્સિંગનો અભ્યાસ શરુ કર્યો. સોશ્યલ મીડિયાનો જમાનો શરુ થયો હતો. પોતાના પિતાજીએ ત્રિવેણીને સેમસંગનો ચેમ્પ નામનો એન્ડ્રોઇડ ફોન લઇ દીધો હતો. ત્રિવેણીના મગજમાં ફેસબુક પ્રવેશી ચુક્યું હતું. વોટ્સએપ અને વી ચેટ આવી રહ્યું હતું. સંબંધોની દુનિયા ગાઢ બની રહી હતી. દેશ દેશાવર અને મેટ્રો સીટી વચ્ચેનું અંતર ઘટી રહ્યું હતું!! બી એસસી નર્સિંગના પ્રથમ વરસના પહેલા જ સત્રમાં એની ઓળખાણ નિલય સાથે થઇ હતી!! પ્રોફાઈલ પર સરસ મજાનું ચિત્ર હતું અને નીચે લખ્યું હતું!! “નિલય ધ બાદશાહી બરકરાર”!!

image source : blogspot.com

રોજ લગભગ અરધો ડઝન ફોટાઓ નિલય ફેસબુક પર અપલોડ કરતો. અવનવા જીન્સમાં અને શર્ટ લેસ બોડીમાં નીલયનું ખડતલ શરીર અસંખ્ય લાઈક્સ અને કોમેન્ટ્સ અપાવી જતું હતું. સબંધોનો દોર આગળ વધી રહ્યો હતો. પ્રોફેશનમાં નિલય “ ફીટનેશ જીમમાં ફીઝીકલ ઇન્સટ્રકર અને માસ્ટર ટ્રેઈનર હતો!! બે ત્રણ બાઈકો રાખતો નિલય અવારનવાર બાઈક્સ સાથેના ફોટાઓ મુકતો!! ત્રિવેણી અને નિલયે ફેસબુકના માધ્યમથી સંબંધોની શરૂઆત કરી. કલાકોના કલાક સુધી બને ફેસબુક પર ચેટ કરતા. એકબીજાના મોબાઈલ નંબરની આપ લે થઇ અને વોટ્સએપ થકી વાતોનો દોર આગળ ચાલ્યો. ત્રિવેણીના જન્મ દિવસે યામાહા ડબલ સાયલેન્સરવાળું બાઈક લઈને નિલય વલ્લભ વિદ્યાનગર આવ્યોને ત્રિવેણીને જીવનનું મોટું સરપ્રાઈઝ આપ્યું. ત્રિવેણી માટે એ બે પિંક ડ્રેસ લાવ્યો હતો. એક રત્ન જડિત વીંટી હતી. શાસ્ત્રીમેદાનમાં વૃક્ષોની નીચે ત્રિવેણી અને નિલય બેઠા. પ્રેમનો એકરાર થઇ ગયો. બે દિવસ નિલય વલ્લભ વિદ્યાનગરમાં રોકાયો. બને પ્રેમી પંખીડા વડતાલ કરમસદ અને આણંદમાં બાઈક્સ પર ઘૂમી વળ્યા. એલ્કોન ગાર્ડનમાં એકબીજા સાથે ફોટાઓ પણ પડાવ્યા. રીમાને જોકે આ ન ગમ્યું. નિલય ગયા પછી રીમાએ ત્રિવેણીને તતડાવી!!
“ત્રિવેણી આ બરાબર નથી.. ફ્રેન્ડશીપ સુધી વાંધો નથી પણ બે બે રાતો હોટેલમાં કોઈ અજાણ્યા છોકરા સાથે વિતાવવી અને બે દિવસ હરાયા ઢોરની જેમ એની બાઈક પાછળ બેસીને રખડ્યા કરવું આ આપણને ના શોભે!! નીલયને તું નામ સિવાય નથી જાણતી..અરે એના કુટુંબ વિષે પણ તને પુરતી માહિતી નથી અને આ રીતે તું એના પર ઓળઘોળ થઇ જા એ વાજબી છે!! કાલે સવારે તારા માતા પિતાને ખબર પડે તો મને એ ખીજાય કે નહિ!!”

“અરે કઈ દુનિયામાં જીવે છે તું નીમું!! અરે આ તો ગ્લોબેલાઈજેશનનો જમાનો છે. દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ!! અરે હવે એ જમાના ગયા કે દીકરીને ગાય દોરે ત્યાં જાય!! હવે તો એ જમાનો આવ્યો છે કે દીકરીને ગાય માથું મારીને ખાય!! અને રહી વાત નીલયની તો એ મને ભરપુર ચાહે છે. એના કુટુંબ વિષે મને એટલી ખબર છે કે એના માતા પિતાએ છૂટાછેડા લીધેલા છે. નિલયના ખાતામાં દર મહીને એના માતા પિતા એક ચોક્કસ રકમ નાંખી દે છે!! આ ઉપરાંત એને બોરીવલીમાં એક ફ્લેટ છે. અમે લોકો સાદાઈથી લગ્ન કરી લેવાના છીએ. બસ બે વરસ રાહ જોવાની છે. મને મારા નિલય પર પૂરો ભરોસો છે!! અને આમાં તારે મને સહકાર આપવાનો છે.. બોલ આપીશ ને માય જાનું” ત્રિવેણી બોલતી હતીને અચાનક જ એણે રીમાના ગાલ પર એક વળ દઈને ચીંટીયો ભરી લીધો.

image source : chromegeek.com

“ તું ઘરે પૂછ્યા વગર લગ્ન કરવાની છો?? આવું ન કરાય ત્રિવેણી એ ખરાબ દેખાય!! તું કદાચ શહેરમાં રહેતી હો તો આ બધું ક્ષમ્ય ગણાય પણ ગામડામાં રહે છો.. આવી ભણેલી ગણેલી છોકરી પોતાના માતા પિતાને પૂછ્યા વગર અચાનક જ ભાગીને લગ્ન કરી લે તો તારા માતા પિતાને ગામમાં મોઢું બતાવ્યા જેવું ન રહે!! તને કદાચ ખ્યાલ ન હોય પણ ગામડામાં આવી એકલ દોકલ ઘટના બને પછી બીજા મા બાપ પણ પોતાની દીકરીને અધ વચ્ચેથી ભણતી ઉઠાડી લે છે. તારે નિલય સાથે જ પરણવું હોય તો તારે તારા માતા પિતાને વાત કરાય. ધામધુમથી એ તને પરણાવશે!!” રીમા સમજાવવાના પ્રયત્નો કરતી હતી જોકે એને ખબર જ હતી કે આ છોકરીમાં બીજાની સમજણ સ્વીકારવાનો કોઈ ડેટા જ ઇન્સ્ટોલ નથી થયેલો!! પોતે જ પોતાનું ધાર્યું કરશે.
“ અરે એને જ રોમાંચ અને રોમાન્સ કહેવાય મારી વહાલી રીમુ!! એ જવાની જવાની નહીં જિસકી કોઈ કહાની ના હો!!” કહીને ત્રિવેણી બિન્દાસ અને ખડખડાટ હસી.

બી એસ સી નર્સિંગ પૂરું થયા પછી વડોદરાની એક હોસ્પીટલમાં ત્રીવેણીએ જોબ પણ લઇ લીધી. આ ગાળા દરમ્યાન તે અવારનવાર મુંબઈ પણ જતી. નિલય સાથે કેટલાક દિવસો તે મુંબઈમાં વિતાવતી. રીમા અને ત્રિવેણીના સ્વભાવમાં ઘી અને ઘાસલેટ જેટલો ફરક હતો. રીમા એકદમ શાંત અને સમજુ છોકરી!! જયારે ત્રિવેણી એકદમ અલ્લડ અને મસ્તીખોર છોકરી!! સમાજથી સામે પ્રવાહે ચાલવું એ જાણે એનો શોખ બની ગયો હતો. રીમાના લગ્ન સુરતમાં થયા. એનો પતિ એક આયુર્વેદ ડોકટર હતો. ત્રિવેણીના માતા પિતાએ હવે ત્રિવેણી માટે છોકરાઓ જોવાના શરુ કરી દીધા હતા. અને પછી છ જ માસમાં ત્રિવેણી પોતાનો બધોજ સામાન પેક કરીને નિલય પાસે મુંબઈ રહેવા આવી ગઈ હતી. ઘાટકોપરમાં આવેલ એક મંદિરમાં આર્યસમાજની રીતી રીવાજ મુજબ બને પરણી ગયા હતા!! જતી વખતે રીમા સાથે દસેક મિનીટ વાત કરી હતી ત્રિવેણીએ !!

image source : findhealthtips.com

પાંચ દિવસ પછી ત્રિવેણીના પિતા અને એની માતા નાથાભાઈ અને હંસાબેન રીમાના ઘરે સુરતમાં આવી પહોચ્યા. રીમાના પતિ ગૌરાંગને આખી વાતની ખબર હતી એણે નાથાભાઈને સાંત્વના આપી.
“ જુઓ મને રીમાએ બધી જ વાત કરેલી છે.. અત્યારના યુગમાં મોડા જાગવાની અને બીજાની સાથે ભાગવાની એક ફેશન થઇ ગઈ છે. તમારી દીકરી થોડી મટી જવાની છે એ.. એક કામ કરીએ એકાદ માસ પછી હું અને રીમા મુંબઈ જઈશું.. જમાઈ નિલયને અને ત્રિવેણીને ઠપકો આપીશું. એને અહી લાવીશું.. એ બને તમારી માફી માંગી લેશે.. તમારે દીકરી અને જમાઈને સ્વીકારી લેવાના!! તમારું દુઃખ હું સમજુ છું.. રીમા મારફતે મેં સાંભળ્યું છે કે નિલય સારું એવું કમાય છે.. ત્રિવેણી દુઃખી તો નહીં થાય એની ખાતરી છે મને” થોડીવાર પછી નાથાભાઈ બોલ્યા.
“સમાધાન કરવા માટે કે મારું દુઃખ વ્યકત કરવા હું નથી આવ્યો.. રીમાની બહેનપણી છે એટલે એ છોકરી એના કોન્ટેકમાં હશે જ!! બસ હવે એ છોકરીને કહી દે જો કે જે પરિણામ આવે એ એકલી ભોગવી લે!! મારી દીકરી હતી એ જયા સુધી મર્યાદામાં હતી. એણે પોતાની મર્યાદા છાંડી એટલે મારા માટે હવે એ છોકરી છે. એણે મને એક ટપાલ લખેલી છે. વાંચીને મેં સળગાવી નાંખી છે. આ જુઓ રેશન કાર્ડ.. મેં એનું નામ પણ કઢાવી નાંખ્યું છે.. ખાલી આ વસ્તુ કહેવા આવ્યો છું કે એ છોકરી મારો કોઈ જ કોન્ટેક ના કરે. એ સુખી થાય કે દુઃખી થાય આ નાથા રણછોડના ખાનદાન ને કોઈ ફેર નહિ પડે ક્યારેય! મને એ મોઢું ના બતાવે એ જ એના હિતમાં છે આટલું એને તમે ઠેકીને કહી દેજો” આંખમાં અંગારા સાથે નાથાભાઈ અને હંસાબેન ચા કે પાણી પીધા વગરના રીમાના ઘરેથી ચાલતા થયા!!

બે દિવસ પછી ત્રિવેણીનો ફોન આવ્યો અને રીમાએ બધી વાત કરી. ત્રિવેણી કશું જ બોલી નહિ.

બોરીવલી વેસ્ટમાં નીલયને એક એપાર્ટમેન્ટમાં ચોથા માળે બે બેડરૂમ હોલ કિચ નો ફ્લેટ હતો. બને જણા શરૂઆતમાં તો ખુબ જ ખુશીથી રહ્યા. માથેરાન, મહાબળેશ્વર, પંચગીની , એલીફન્ટાની ગુફાઓ, ફરી વળ્યાં. આમ તો બધું ઠીક ઠાક ચાલતું હતું. ત્રિવેણી માંગે ત્યારે પૈસા મળતાં. ઘરમાં કોઈ વસ્તુની અછત ક્યારેય ન વર્તાતી. પ લગ્નના છ માસમાં જ ત્રિવેણીને એ સમજાયું કે નિલયની નોકરી જે પ્રકારની છે એમાંથી આટલી બધી આવક શક્ય નથી.ઉપરાંત નિલય આખો દિવસ બહાર રહેતો અને હવે કયારેક આખી રાત પણ બહાર જ રહેતો. શબ્દોની ચકમક શરુ થઇ ગઈ હતી.

image source : .pinimg.com

“તમે મને કહેશો કે તમારો અસલ ધંધો શું છે?? જીમમાં ટ્રેઈનર છો એટલે સોળ સોળ કલાક ટ્રેઈનીંગ આપો છો કે બીજો કોઈ સાઈડ બિઝનેશ પણ છે??”
“તારે રોટલાથી કામ છે કે ટપાકા થી !! થાક્યા પાક્યા ઘરે આવીએ અને ઘરે આવ્યા પછી પણ ઘાણી કરવાની છે તારે!!” મેં તને આવી નહોતી ધારી!!” નિલય વડકુ કરી લેતો.

“તો પછી કેવી ધારી હતી?? મારા બાપનું રજવાડું છોડીને હું આવી છું એ સમજી લે જો!! હું પ્રશ્નો તો કરીશ જ અને એના જવાબ આપવા તમારી ફરજ પણ છે!!” ત્રિવેણી સામી દલીલ કરતી.

“ હું તને લેવા નહોતો આવ્યો!! તું તારી રીતે સામેથી ચાલીને આવી છો!! બાપાનું રજવાડું છોડવાનું મેં તને કીધું હતું?? તને શી વાતની કમી છે!! તને કમાવવા મોકલું છું?? ખાઈ પીને જલસા કર્ય!! વિરોધપક્ષની જેમ વિરોધ કરવો રહેવા જ દે જે” સામે નિલય પણ ગાંજ્યો જાય તેમ નહોતો. આવી બધી લમણાઝીંક થયા પછી રાતે પાછું ઘીના ઠામમાં ઘી પડી જતું. ત્રિવેણી અવળું ફરીને થોડુક રોવે..નિલય પણ ઘડીક વળ રાખે. પણ પાછો વળી ત્રીવેણી ને મનાવી લે..પાછા બને એક થઇ જાય!! જાણે કઈ જ બન્યું ન હોય!! વળી બે ચાર દિવસ થાય ને તણખા ઝરે!!

પછી તો નિલય બે બે દિવસ સુધી ઘરે ના આવે કહી દે કે જીમના માલિક સાથે બહાર જવાનું છે.. કરજાતમાં નવી બ્રાંચ ખોલવાની છે!! ઘાટકોપર વેસ્ટમાં એક કામ આવી ગયું છે..ખંડાલામાં શેઠ સાથે જાવ છું.. બસ આ મહિનામાં પછી ક્યાય બહાર નહિ જાઉં!!

image source : istockphoto.com

ત્રીવેણીને એ ખ્યાલ તો આવી જ ગયો કે નિલય કોઈ એવા ધંધા સાથે સંકળાયેલો છે કે જેમાં જોખમ ભરપુર છે. પોતે હવે મનોમન પસ્તાતી હતી.પણ પોતાનો અહમ જ એવો હતો કે મનોમન એ માનતી કે ગમે તેવી પરિસ્થિતિમાં એ માર્ગ કરી જ લેશે!!
પણ છેલ્લા એક મહિનાથી એ હવે ખરેખર તંગ આવી ગઈ હતી. ઝગડાનું સ્વરૂપ હવે લડાઈએ લીધું હતું. વાતવાતમાં નિલય એની પર હાથ ઉપાડવા
લાગ્યો હતો. ઘણીવાર એ બારીમાંથી બહાર જોતી કોઈ સ્ત્રી નીલયને એપાર્ટમેન્ટ ના ગેઇટ સુધી મુકવા આવતી હતી. એ બાબત લીને બને વચ્ચે ગરમાગરમ ચર્ચા થતી અને પરિણામે નિલય ક્યારેક હાથ ઉપાડી લે તો હતો.. ત્રિવેણી હવે રીસાતી તો એને નિલય મનાવવા પણ આવતો નહોતો.!!
રીમા સાથે એણે વાત કરી લીધી હતી. એ સુરત આવવા માંગતી હતી. કોઈક દવાખાનામાં નર્સનું કામ શોધીને એ એકલી રહેવા માંગતી હતી. રીમા આ માટે તૈયાર પણ હતી એણે એક દવાખાનામાં વાત પણ કરી લીધી હતી. અને કાલે રાત્રે છેલ્લે જે કાઈ બન્યું એ જોઇને ત્રીવેણી એ આજે વહેલી સવારે ઘર છોડી દીધું હતું!!

કાલ રાત્રે લગભગ બાર વાગ્યે નિલય આવ્યો. વારંવાર એને ફોન આવતા હતા.. એ ધીમે ધીમે ગેલેરીમાં વાત કરતો હતો. નિલય કોઈ મોટા તણાવમાં હતો એ ત્રિવેણી એ જોયું. એણે કારણ જાણવા પ્રયાસ કર્યો અને જવાબમાં ગાલ પર બે તમાચા પડ્યા અને ત્રિવેણીનું પ્રેમનું બધું જ ભૂત ઉતરી ગયું!!
“ મારતા જ આવડે છે કે બીજું કાઈ?? સહેજ શરમનો છાંટો પણ નથી!! કેવા કેવા સપના લઈને હું આવી હતી?? સ્ત્રી પર હાથ ઉપાડો છો એમાં તમે
કઈ બહાદૂરી નથી બતાવતા.. હવે હું આ ઘરમાં એક મિનીટ પણ નહિ રહું” ત્રિવેણી રડતા રડતાં બોલી.

“તો મેં ક્યાં તને બાંધીને રાખી છે.. તારા માટે આ ઘરના દરવાજા ખુલ્લા જ છે!! તું ગમે ત્યારે જઈ શકે છે!! મારી સાથે રહેવાનો નિર્ણય પણ તારો જ હતો અને ક્યારે જવું એ નિર્ણય પણ તારે જ કરવાનો છે!! કંટાળી ગયો છું તારાથી” નિલય બબડતો હતો એના ચહેરા પર ગુસ્સો હતો.

image source : .ftcdn.net

“ કોઈ છે તમારા જીવનમાં એ નક્કી!! નહીતર તમારા આવા શબ્દો ન હોય!! ઠીક છે હું મારો માર્ગ કરી લઈશ.. મરીશ નહિ પણ જીવીશ..એકલી જીવીશ…. યાદ રાખજો તમે લેવા આવશો તો પણ હું આવીશ નહિ!! પસ્તાવાનો પાર નહિ રહે!! નક્કી કોઈ ઉંદરડી ભટકાણી છે કે જેણે ઉંદર કામા કર્યા છે અને મારા સ્નેહના તાંતણાને કાપી નાંખ્યો છે..પણ યાદ રાખજો મારા જેવી કોઈ જ મળશે નહિ.. એ ઉંદરડી કમોતે મરવાની છે ત્યારે મને યાદ કરજો. મેં તમારા માટે ઘર બાર સમાજ ને છોડ્યો છે બાકી મારા બાપાની હું ખુબ જ લાડકી હતી..રીમા સાચી હતી મને કહેતી હતી કે આ બરાબર નથી!! પણ હું જ ન માની!! જેને કંચન માન્યો એ જ કથીર નીકળ્યો!! સહુને આ જન્મમાં જ ભોગવવાનું છે કોઈ છટકી નહિ શકે”!! ગુસ્સાના આવેશમાં એ બોલતી રહી!! શું બોલતી હતી એનું પણ એને પણ ભાન નહોતું.. ઘણીવાર એ રોઈ લગભગ એક કલાક સુધી!! ફોન પર ફોન આવતા હતા નીલયને એટલે એ નીકળી ગયો હતો!! રાતના ત્રણેક વાગ્યા હતા!! ત્રિવેણી ફ્લેટમાં એકલી હતી!!

એ ઉભી થઇ મોઢું ધોયું. કાળી સુટકેશમાં એણે પોતાના કપડા ભર્યા. કબાટમાંથી પોતાના ઘરેણા લઇ લીધા!! કબાટમાં પૈસા પણ હતા. બે હજારની નોટોનું એક બંડલ પણ હતું. એપણ લઇ લીધું!! ફ્લેટમાં છેલ્લી વાર એણે નજર નાખી!! વોટ્સએપ ખોલ્યું!! રીમાને મેસેજ કરી દીધો એ સુરત આવી રહી હતી!!

રેલ્વેનું સમય પત્રક જોયું. બોરીવલીથી મેમુ ટ્રેન સાત વાગ્યે ઉપડતી હતી. બીજી ટ્રેઈન પણ હતી. પણ અંધારામાં નીકળવું એને વાજબી ના લાગ્યું. છ વાગ્યે ઘરેથી નીકળવાનું એણે નક્કી કરી લીધું. મનમાં ઊંડી ઊંડી આશા એ પણ હતી કે કદાચ નિલય આવી જાય અને એને રોકી પણ લે!! છ વાગ્યે એ ઘરેથી નીકળી!! ફ્લેટ તરફ છેલ્લી નજર નાંખી!!

સ્ટેશન પર એનાઉન્સમેન્ટ થયું..!! ત્રીવેણીએ આંખો ખોલી.. બોરીવલી સુરત મેમુ ટ્રેઈન આવી રહી હતી. મહિલાઓના સ્પેશ્યલ કોચમાં એ બેસી ગઈ.. આખા ડબ્બામાં એણે નજર કરી ફક્ત સાત કે આઠ જેટલી સ્ત્રીઓ જ હતી!! ટ્રેઈન અહીંથી જ ઉપડતી હતી એટલે કોઈ ગીર્દી નહોતી.!!
સાત ને પાંચે મેમુ ટ્રેન ઉપડી!! બારી બહાર એણે નજર નાંખી!! પર્સમાંથી એણે મોબાઈલ કાઢ્યો.રીમાનો મેસેજ હતો!!

“કોઈ ચિંતા ન કરતી!! સુરત આવી જા!! બધું જ થઇ રહેશે!!”

૭ અને ૨૫ મિનીટ થઇ ટ્રેન વસઈ રોડ પહોંચી હતી. અહિયાથી ઘણી સ્ત્રીઓ ડબ્બામાં ચડી.પોતાની સામે જ એક છોકરી ગોઠવાઈ ગઈ. બ્લેક ટી શર્ટ અને બલ્યુ જીન્સ માં એ છોકરી એની સામે તાકી રહી હતી. છોકરી પાસે પણ એક બ્લેક સુટકેસ હતી. એ આજુ બાજુ જોતી હતી.એની આંખો ચકળ વકળ થતી હતી. મોઢા પર પરસેવો હતો. છોકરી હાંફી રહી હતી. છોકરીએ પોતાની બ્લેક સુટકેશ ત્રિવેણીની સુટકેસ પાસે મૂકી ને આંખો મીંચી ગઈ!! ગાડી આગળ ચાલી!!

સાત ને ત્રીસે ગાડી વિરાર પહોંચી!! પેલી છોકરી બારીની બહાર જોતી હતી!! અચાનક એક આદમીની આંખો સામે એની આંખ ટકરાણી અને કાળીયો એકદમ બોલી ઉઠ્યો!!

image source : meroshopping.com

“એ ય પાટીલ ઇધર આ સાલી ડોલી ઇધર હી હૈ!! દબોચ લે પાટીલ!!
અને આ સાંભળતાં જ ડોલી ઉભી થઇ અને બ્લેક સુટકેસ લઈને ભાગી!! ત્રિવેણી આ જોઈ રહી હતી!! બીજા પ્લેટફોર્મ તરફ ભાગેલી ડોલી ની પાછળ બે અલમસ્ત અને હટાકટા કાળિયા પડ્યા હતા. એકે ડોલીના હાથમાંથી સુટકેસ પકડી અને ઝપાઝપી થઇ. અને પ્લેટફોર્મની ધારે ઉભેલી ડોલી એ સુટકેસ છોડતી નહોતી અને અચાનક જ સુટકેસ ડોલીના હાથમાંથી સરકી ગઈ અને ડોલી રેલવેના ટ્રેક પર પડી અને એ પ્લેટફોર્મ પર એજ વખતે એક માલગાડી આવતી હતી એના એન્જીન સાથે ડોલી અથડાઈ!! એન્જીનનો ધક્કો એટલો જોરદાર હતો કે ડોલી ટ્રેક પર આગળ ફંગોળાઈ ગઈ હતી. અને લોકોમાં દેકારો મચી ગયો.. રેલવે પોલીસ આવી અને સુટકેસ લઈને ભાગતા કાળિયા પર ફાયરીંગ થયું. સુટકેશને ગોળી વાગી અને સુટકેસ આકાશમાં ઉછળી અને ખુલી ગઈ એમાંથી લેડીઝ કપડા પ્લેટફોર્મ પર પથરાઈ ગયા. માલ ગાડી ઉભી રહી ગઈ હતી એના બે ડબ્બાની વચ્ચેથી બે ય કાળિયા નાસી છૂટવામાં સફળ થયા. ત્રિવેણીએ બારીમાંથી આ આખું દિલ ધડક દ્રશ્ય જોયું!! ઉછળતી સુટકેસ જોઈ!! એમાંથી ફંગોળાતા કપડાં પણ જોયા!! ત્રિવેણી ટ્રેનમાં એમને એમ બેસી જ રહી બાકીના બધા એની ટ્રેનમાંથી બધા જ ઉતરીને ડોલી જ્યાં પડી હતી તે માલગાડીના એન્જીન આગળ એક મોટું ટોળું હતું ત્યાં ગયા!!

સુટકેસમાંથી ઉછળેલા કપડા જોઇને ત્રિવેણીને કશું યાદ આવ્યું. એણે પોતાની બ્લેક સુટકેશ બર્થ નીચેથી બહાર કાઢી ને અવાચક બની ગઈ!! આ એની સુટકેસ નહોતી.. વજન પણ વધુ લાગ્યું!! એણે સુટકેસ ખોલી અને એની આંખોમાં નવાઈનો પર ન રહ્યો!! સુટકેસમાં સોનાના બિસ્કીટ અને હીરાઓ હતા!! ઝડપથી એણે સુટકેસ બંધ કરી!! એની આજુ બાજુ કોઈ નહોતું!! પોતાના ડબ્બામાંથી સહુ આ ઘટના જોવા ગયા હતા!! પોલીસનો મોટો કાફલો આવી રહ્યો હતો!! સ્ટેશન માસ્તરને એણે કહેતા સાંભળ્યા!! મેમુ ટ્રેન ઉપાડવાની નથી..પોલીસ તપાસ કરે પછી ઉપાડવાની છે!!
ત્રિવેણીના ના મગજમાં આખી વાત ગોઠવાઈ ગઈ!! ઉતાવળમાં ડોલી ત્રિવેણીની સુટકેસ લઈને ભાગી હતી.!! ડોલીની સુટકેશ અહી જ પડી હતી!! હવે પોલીસ આખી ટ્રેન ચેક કરે અને આ સુટકેશ પણ ચેક થાય તો!! વગર કારણે આખી જિંદગી જેલમાં જવું પડે એ ભયથી એ થથરી ઉઠી અને એ ઉભી થઇ!! પ્લેટફોર્મથી વિપરીત દિશાના ટ્રેનના બારણા તરફ એની નજર ગઈ!! ત્યાંથી એ ઉતરીને એ આગળ ચાલવા લાગી!! ત્રણેક ટ્રેક વટાવ્યા પછી એક રેલ્વેની હદ દર્શાવતું સિમેન્ટના પોલનું ફેન્સીંગ આવ્યું. એક જગ્યાએથી ફેન્સીંગ તૂટેલું હતું. મોટી સંખ્યામાં લોકો ત્યાંથી આવ જા કરતા હતા. રેલવે સ્ટેશનની આ ખાસિયત આખા દેશમાં સમાન છે.. જ્યાં રેલવે સ્ટેશનનો મુખ્ય ગેઇટ હોય ત્યાંથી બહુ ઓછા લોકો સ્ટેશન પર આવતા હોય છે.. તૂટેલા ફેન્સિંગના શોર્ટ કટથી આવવા વાળા અને જવા વાળની સંખ્યા વધુ હોય છે. એક જગ્યાએથી ફેન્સીંગ વટાવીને એ સીધી એક રસ્તા પર આવી પહોંચી અને એણે જોયું કે એક રસ્તો સ્ટેશન તરફ જતો હતો!! ત્યાં પોલીસની ગાડીઓ આવી રહી હતી!! તે અવળી દિશામાં ચાલવા લાગી!!
ભલે તે આ વિસ્તારમાં પહેલી વાર આવી હતી પણ તોય તેને ખ્યાલ આવી જ ગયો કે એ જે રસ્તે જઈ રહી હતી એ રસ્તો નાલા સોપારા તરફ જઈ રહ્યો હતો. ત્રિવેણીનું મગજ ઝડપથી વિચારી રહ્યું હતું. ડોલી દાણચોરીના ધંધા સાથે સંકળાયેલી હશે કે શું?? પોતે હવે આ સુટકેશનું શું કરશે?? પોલીસને સોંપી દેવી જોઈએ એવો પણ વિચાર આવ્યો વળી એને થયું કે પોલીસને સોંપવાથી પણ છાપામાં નામ તો આવે જ!! પોતે મુંબઈમાં શું કરે છે?? વગેરે વગેરે પ્રશ્નો પણ પોલીસ કરે તો?? કદાચ દાણચોરી સાથે પોલીસના માણસો સંકળાયેલા હોય તો!! ત્રિવેણીના મગજમાં ઘમાસાણ ચાલી રહ્યું હતું.
રસ્તા પર એ મક્કમતાથી ચાલી રહી હતી. જેમ જેમ રેલવે સ્ટેશનથી દૂર જતી ગઈ એમ ત્રિવેણીના મગજમાં વિચારો શાંત થવા લાગ્યા.રસ્તામાં દુકાનોના બોર્ડ એ વાંચતી ગઈ બોર્ડ પરથી એ વિરાર ઇસ્ટમાં નાલા સોપારા બાજુ ચાલતી હતી. આગળ જતા બે રસ્તા ફંટાયા એક એસબીઆઈ તરફ જતો હતો. અને બીજો રસ્તો. સેન્ટ પીટર્સ પ્રાથમિક શાળા તરફ જતો હતો અને.. ત્રિવેણી સીધી ચાલી આગળ અમન સ્પોર્ટ્સનું બોર્ડ આવ્યું અને તેની સામેજ એક બગીચો હતો. અને અચાનક જ એ બગીચામાં ચાલી ગઈ. આગળ એણે જોયું કે ડોલીની સુટકેશ ઉઠાવનાર બે કાળિયાઓ દોડતા દોડતા એની સામે જ આવી રહ્યા હતા!!

image source : .businessinsider.com

વિરાર ગાર્ડનમાં એક ઘટાદાર વ્રુક્ષોના એક ઝુંડ પાછળ એ ઉભી રહી ગઈ. પાછળની બાજુમાં DHFLની બિલ્ડીંગ હતી. પેલા બને કાળિયાઓ ગાર્ડનમાં આવ્યા અને એક બાંકડા પર બેઠા હતા. ગાર્ડનનો એક દરવાજો વેસ્ટ તરફ હતો. ત્રિવેણીનું હર્દય ધડકી ઉઠયું જયારે બીજા બે માણસો સાથે એણે નીલયને એ દરવાજેથી પ્રવેશતો જોયો. બધાના ચહેરા પર ઉચાટના ભાવ હતા. બે કાળિયાઓ જ્યાં બેઠા હતા ત્યાં નિલય બીજા બે માણસો સાથે પહોંચી ગયો હતો. ત્રિવેણી એ બધાને જોઈ શક્તિ હતી. વાતો સાંભળી શક્તિ હતી. પણ એ પાંચેયમાંથી કોઈનેય ખ્યાલ નહોતો કે એની વાતો કોઈક સાંભળી રહ્યું છે.!!
“ જ્હોનનો ફોન હતો. રેલવે પોલીસ લાશ લઇ ગઈ છે ડોલીની!! ડોલીના પર્સમાંથી એનો મોબાઈલ મળ્યો છે, એ પણ પોલીસ લઇ ગઈ છે. હવે આપણા બધા ફોન નકામાં છે, બધા પોતાના ફોન મને આપી દો. આ તમામ ફોનને એસીડમાં બોળી દેવાશે. આપણે અહીંથી છુટા પડ્યા પછી કોઈ કોઈના કોન્ટેકમાં નહિ રહે!! ઓકે.. ચાર દિવસ પછી બપોરે બાર વાગ્યે બધા ગેટ વે ઓફ ઇન્ડિયાની સામે આવેલ ગોલ્ડન ડ્રેગનમાં ભોજન માટે ભેગા થઈશું. ત્યારે તમને એક એક નવો ફોન આપવામાં આવશે અને એક નવો નંબર!! આપણે બધા જ ત્યાં સુધી જુદા પડીએ છીએ” એક મજબુત બાંધાનો સોનેરી દાંત વાળો વ્યક્તિ બોલતો હતો.

“પણ બોસ ડોલીની સુટકેશમાં થી ખાલી લેડીઝ કપડાં જ નીકળ્યાં. એના ફ્લેટ પરથી એ નીકળી ત્યારે જ મેં એનો પીછો કર્યો હતો. રસ્તામાં એ ક્યાય ગઈ પણ નથી. તો એણે પહેલા હીરા અને સોનું ક્યાં સંતાડ્યું હશે?? કોઈકને આપી દીધું હશે?? એ આ મેમુ ટ્રેનમાં ક્યાં જતી હશે??” એક બાઠીયા એ પ્રશ્ન કર્યો. જવાબમાં સોનેરી દાંત વાળો બોલ્યો.

image source : c4assets.com

“ હવે એ પ્રશ્ન ડોલીના મરવાથી હાલ પુરતો તો મટી ગયો છે.. જે ગુમાવ્યું છે એ આપણા બાપદાદાની મહેનતનું તો હતું નહિ!! પરમ દિવસે આપણે એ મેળવ્યું હતું.. આજે ગુમાવી દીધું!! આ મુંબઈ છે..અહી સફળ થાવું હોય તો અફસોસ ના કરવો!! પણ દુઃખ એક વાતનું છે કે આપણા ગ્રુપમાંથી પહેલી વાર કોઈએ એટલે કે ડોલી ડબલ ક્રોસ કરી ગઈ. જયારે આપણે છ દિવસ પછી મળીશું ત્યારે અ બાબતે વિચાર કરીશું!! તો યાદ રહે આજથી બરાબર છ દિવસ પછી આપણે ગોલ્ડન ડ્રેગનમાં મળીયે છીએ!! ત્યાં સુધી કોઈ વિરાર બાજુ ફરકશે પણ નહીં!! ઓકે !!! ઇટ્સ માય ઓર્ડર!! ચાલો નીકળો સહુ!!” સોનેરી દાંત વાળાએ આવું કહ્યું અને સહુ ફટાફટ વિખરાઈ ગયા.!! ફક્ત નિલય જ થોડી વાર ત્યાં બાંકડા પર બેસી રહ્યો!!
ત્રિવેણીના મગજમાં આખી વાર્તા આવી ચુકી હતી. કદાચ આ સુટકેસને કારણે જ એ પરેશાન હતો ને!! અચાનક પોતે શું કરે છે એ એના ખ્યાલમાં પણ ના રહ્યું અને સીધી જઈને નીલયની સામે જઈને ઉભી રહી અને બોલી!!
“ નિલય… તારી ડોલી તો ગઈ.. પણ તારી આ સુટકેશ મને સોંપતી ગઈ છે!! જોઈ લે એમાં સોનું અને હીરા અને ઝવેરાત ઓછું તો નથી થયું ને”!! આટલું બોલીને ડોલીએ સુટકેસ નીલયના હાથમાં આપી દીધી. નિલય તો જાણે પથ્થરનું પુતળું બની ગયો હતો. એને માન્યામાં નહોતું આવતું. કે આ સમયે ત્રિવેણી અહી હશે અને એ પણ આ સુટકેશ લઈને!! નીલયનું મગજ તમ્મર ખાઈ ગયું હતું. સામે ત્રિવેણી ઉભી હતી. એક મક્કમતા સાથે અને નિલયે સુટકેસ ખોલી અંદર સોનાના બિસ્કીટ , હીરા અને કીમતી ઝવેરાત હતું.!!

તરત જ એણે સુટકેશ બંધ કરી અને ત્રિવેણીનો હાથ પકડીને એ બહાર રસ્તા પર આવ્યો. ત્રિવેણીને હાથના ઈશારા થી મૂંગા રહેવા જણાવ્યું અને ઝડપથી બને કમલકાંત ચૌધરી સ્વાતંત્ર્ય સેનાનીનું બાવલું વટાવીને ગણેશ મંદિર પાસે આવ્યા. ગણેશ મંદિરની સામે જ રંજન ગાર્ડન હોલ હતો અને ત્યાં નીલયની કાર પાર્ક કરેલ હતી. ત્રિવેણી અને નિલય કારમાં ગોઠવાયા. કાર દત્તા મંદિર વટાવીને કારગીલ નગર તરફ આગળ વધવા લાગી. અર્ધો કલાક પછી કાર વાપી તરફ જતા નેશનલ હાઈવે પર આવીને ઉભી રહી. પેલી સુટકેશ અંદર જ રહેવા દઈને નિલય અને ત્રિવેણી નેશનલ હાઈવેની જમણી તરફ આવેલ મયુર રાજસ્થાની ઢાબા તરફ ગયા. આમ સાવ નિર્જન વિસ્તાર પણ એક બાજુ પર્વતો અને ખીણો!! ઉંચાઈ પરથી નીચે દેખાતી મુંબઈ નગરી જાણે એક અદ્ભુત દ્રશ્ય દેખાતું હતું. એક ખૂણામાં રાખેલ ખાટલામાં બને બેઠા. વેઈટર પાણીની બોટલ આપી ગયો. આલું પરાઠા અને લચ્છીનો ઓર્ડર આપીને નિલયે પ્રથમ સવાલ એ કર્યો!!

image source : .mumbailive.com

“ તું આ બધું લઈને જઈ શક્તિ હતી.. મને શા માટે આ બધું આપ્યું?? તને એ ખ્યાલ તો હશે ને કે આમાં જે હીરા છે જે ઝવેરાત છે એ વેચીએ તો કેટલા રૂપિયા મળી શકે!! એટલા રૂપિયા કે તે જે સપનામાં પણ નહીં જોયા હોય!!!
“ હું મુંબઈ આવી ત્યારે આ ઝવેરાત માટે કે પૈસા માટે નહોતી આવી!! મારો કોઈ એવો ગોલ પણ એવો નહોતો.. હું કેવળ એક વ્યક્તિને ચાહીને આવી હતી.. વરસ દિવસના અંતે મને સમજાયું કે મારું ધ્યેય પૂરું નથી થયું.. એટલે હું મારી રીતે જાવ છું..પણ તું જેની પાછળ પાગલ હતો..એ આ પૈસા.. તારા જ છે ને?? ભલે મારું ધ્યેય સિદ્ધ ના થયું પણ તારું ધ્યેય તો સિદ્ધ થશે જ ને!! એટલે જ આ સુટકેશ તને આપી દીધી છે. બસ હવે અહીંથી સુરત જતી કોઈ પણ બસમાં હું બેસી જઈશ.. તું આ પૈસા લઈને બીજી કોઈ ત્રિવેણી કે ડોલીને શોધી લે જે!! બાય ધ વે તારી પસંદગી બહુ જ સારી હોય છે!! ડોલી વસઈથી ચડી અને વિરારમાં ઉતરી ગઈ એટલું જ નહિ પણ ઉકલીય ગઈ!! સુંદરતાની સફર કેટલી નાની હોય છે નહિ”!! ત્રિવેણી બોલતી હતી અને નીલયના ચહેરા પર અપરાધની લાગણીઓ આકાર લઇ રહી હતી!!

“ હું થાકી ગયો છું!! કંટાળી ગયો છું રીયલી!! બસ હવે શાંતિ જોઈએ છે!! મારી હું ભૂલ સ્વીકારું છું!! હું હવે તારી સાથે જ ઠરી ઠામ થવા માંગુ છું!! પ્લીઝ ત્રિવેણી હવે હું મુંબઈ છોડવા માંગુ છું!! આ સુટકેસમાં છે એમાંથી આપણી લાઈફ આરામથી વીતી જશે!! બસ હવે તું જ નક્કી કર કે મને સારા રસ્તે લઇ જવો છે કે આ મુંબઈમાં વળી પાછો એકલો મુકવો છે!! એકલા માણસો મુંબઈમાં કા ડરીને રહેતા હોય છે અથવા બીજાને ડરાવતા હોય છે!! ત્રીજો કોઈ વિકલ્પ જ નથી!! મુંબઈનો આ એક વણલખ્યો નિયમ છે!! કા ડરીને રહો અથવા બીજાને ડરાવીને રહો!!” ત્રિવેણીના બને હાથ પકડીને નિલય બોલતો હતો. એની આંખમાંથી નીકળતા આંસુઓ ગંગાજળથી જરા પણ ઓછા નથી એમ ત્રીવેણીને લાગ્યું. નીલયનો હાથ લઈને એણે પોતાના ગાલ પર અડાડ્યો!! બસ પહેલી વાર આવી જ રીતે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રીમેદાનમાં નીલયના બને હાથ પોતાના ગાલ પર અડાડીને પ્રેમનો એકરાર કર્યો હતો!!

image source : tripadvisor.com

અને પછી નિલયે ટૂંકમાં વાત કરી.
પોતે જીમ ટ્રેઈનર જ હતો. પગાર ઓછો પડતો હતો. સોનેરી દાંત વાળો હતો એ શિવા સોલકર હતો. જીમમાં જે જે ધનાઢ્ય લોકો આવે એની સમગ્ર ડીટેઇલ નિલય કઢાવી લે તો એની સાથે ઘરોબો કેળવીને એના વ્યવસાય વિશેની તમામ માહિતી એટલું જ નહીં.. રોજ એનો રૂટીન ક્રમ પણ જાણી

image source : pfguru.com

લેતો.. બસ શિવા સોલકરના બાકીના સભ્યો સમય મળ્યે એ વય્ક્તિને લુંટી લે અથવા ઘરેથી ચોરી પણ કરી લે.. જે રકમ મળે એના સરખા ભાગ પડી જતા!! પણ ખાસ કશું મળતું નહિ!! નિલય ના મગજમાં એક અદ્ભુત આઈડિયા આવ્યો. પોતાના જીમમાં આવતી એક ખુબસુરત છોકરી ડોલીને આ ગેંગમાં સામેલ કરી. અને એનો ધંધો જામી ઉઠ્યો. ડોલીનું કામ સવારમાં જીમમાં જઈને પોતાની સુંદરતા વેરવાનું હતું. કયો માણસ ટાર્ગેટ કરવો.. એ નિલય સૂચવે.. એકાદ મહિનામાં એ માણસનો તોડ થઇ જતો.. આવી રીતે ડોલી અને નિલય એકદમ નજીક આવી ગયા!! બોરીવલી ગોરાઈ બીચ ની નજીક આવેલા ઓમકાર રોડ પરના બંગલાના એક ઝવેરી પ્રીતમરાય નિલય અને ડોલીના ટાર્ગેટમાં આવી ગયા. નિલયે બધી માહિતી મેળવી લીધી. ડોલીએ કીધું કે આ વખતે જે રકમ આવે એ લઈને આપણે બને ભાગી જઈશું!! દહાણું બાજુ એના મામાનું ગામ છે.. ત્યાં જઈને ચીકુની ખેતી કરીને સુખેથી જીવન જીવીશું. નિલય ડોલી સાથે સંમત થયો.પ્રીતમ રાય દર શુક્રવારે બોરીવલીના હીરા માર્કેટમા એના ઘણા આંગડીયા આવતા હતા. એ બધી વસ્તુઓ એક સુટકેશમાં ભરીને એ પોતાના ઘરે લાવતા હતા. ડોલીએ પ્રીતમરાયને પોતાની જાળમાં ફસાવ્યા. નિયત સમયે પ્રીતમરાય પોતાની કાર લઈને નીકળ્યા કે અગાઉ ગોઠવ્યા મુજબ ડોલી તેને રસ્તામાં જ મળી.પ્રીતમરાયે તેને હોંશે હોંશે બેસાડી!! ડોલીએ પોતાની જાળમાં ફસાવીને લોંગ ડ્રાઈવ માં મીરાં ભાયંદર અને વસઈ બાજુ લઇ ગઈ. નાય ગામ બાજુ એકાંતમાં બને કાર પાર્ક કરીને રોડ પર ઉભા જ હતા! શિવા સોલકરના બાકીના સાગરીતો બાઈક લઈને પાછળ જ હતા. પ્રીતમ રાયના નાકમાં બેહોશીનો સ્પ્રે છાંટીને ડોલી એ ફટાફટ કારમાંથી ઉતરીને એક સાગરીતની ગાડીમાં બેસી ગઈ!!
વસઇના માણિકપુર વિસ્તારમાં એક જાહેર ટોઇલેટ પાસે ડોલીએ બાઈક ઉભી રખાવી અને ટોઇલેટ જવા માટે સુટકેશ લઈને ગઈ!! બહાર પેલા બે જણા ઉભા રહ્યા. અર્ધો કલાક ઉભા!! પોણો કલાક ઉભા પણ ડોલી ના આવી.. એક જણો અંદર ગયો તો ટોઇલેટ નો બીજો જાહેર દરવાજો હતો ત્યાંથી ડોલી ક્યારનીય નીકળી ચુકી હતી!! સોલકર મેં જાણ કરી!! સોલકર ને નવાઈ લાગી.. પણ તોય તેને હિમત રાખી અને કહ્યું કે રાતે આઠ વાગ્યે ડોલી દહીંસર નદી પાસે આવેલા સાઈ બાબા ના મંદિરે ભેગા થશે. આ ટોળકી ભાગ પાડવા માટે બનાવના દિવસે આઠ વાગ્યે સાઈ બાબાના મંદિરે ભેગી થતી. એક તો બહુ ભીડ નહિ શાંત વિસ્તાર!! પોલીસની પણ કોઈ રંઝાડ નહિ એટલે પૂરી સલામતી હતી!! આઠના દસ વાગ્યા પણ ડોલી ન આવી. નિલયે પણ ખુબ જ ટ્રાય કરી. ડોલીના તમામ નંબરો બંધ આવતા હતા. અને પછી આખી રાત શોધ ખોળ શરુ થઇ. રેલવે સ્ટેશન પર નજર રાખવામાં આવી અને સવારે ડોલી વસઈ થી બેઠી અને વિરારમાં ઉતરી અને કમોતે ગઈ!! નિલયે વાત પૂરી કરી અને બોલ્યો.
“કદાચ આ ખજાનો એના ભાગ્યમાં નહિ હોય અથવા ત્રિવેણી તારા શ્રાપ લાગ્યા હશે!! જે હોય તે પણ હવે આ રસ્તે તો નથી જ જવું!!” ત્રીવેણીએ સુરત જવાનું નક્કી કર્યું નિલય તો હવે એ જે કહે તે કરવા તૈયાર હતો. ત્રિવેણીએ રીમા સાથે વાત કરી લીધી. એ પણ જણાવ્યું કે નિલય સાથે સમાધાન થઇ ગયું છે અને એ કાયમ માટે સુરત આવી રહી છે.પોતે નર્સ તરીકે કામ કરશે અને નિલય બીજો કોઈ ધંધો કરી લેશે!! બસ બ્લેક સુટકેશના ખજાનાની કોઈ જ વાત ના કરી!!
“ આ કાર પણ હવે રસ્તામાં જ છોડવી પડશે.. ગુજરાત બોર્ડર પર કાર ચેક થાય તો આ સુટકેસનું શું!!?? એક કામ કરીએ પાલઘર સુધી આ કાર લઇ જઈએ અને પાલઘરથી જે ગાડી મળે એમાં સુરત જતા રહીએ!! એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે ટ્રેન શ્રેષ્ઠ છે!! ટ્રેનમાં ભાગ્યેજ કોઈ ચેક પોસ્ટ હોય છે!!

નિલય પોતાના ફલેટે પણ જવા તૈયાર નહોતો. જે છે એ બધું છોડીને ત્રિવેણી સાથે પાલઘર બાજુ નીકળી પડ્યો.. રેલવે સ્ટેશન પાસેના એક નિર્જન વિસ્તારમાં લાકડાની એક જૂની મિલ આવેલી છે ત્યાં કાર છોડી દીધી!! બપોરની ત્રણ વાગ્યાની લોકલ ટ્રેનમાં એ સુરત જવા નીકળી ગયા. ટ્રેને જયારે મહારાષ્ટ્રની બોર્ડર વટાવીને ગુજરાતમાં પ્રવેશી ત્યારે ત્રિવેણી અને નિલયે હાશકારો લીધો.!! નિલય અને ત્રિવેણી ખુશ હતા.. જીવનમાં ઝંઝાવાત શમી ગયો હતો.. ત્રિવેણીને સુટકેશ મારફતે અધધ કહી શકાય એવી સંપતિ જ નહિ પણ આડા રસ્તે ગયેલ નિલય હવે સીધા રસ્તે ચાલવાનો હતો એની ખાતરી પણ મળી ગઈ હતી!! કાળો રંગ અપશુકનિયાળ ગણાય!! પણ કાળા રંગની સુટકેશ ત્રિવેણી માટે લકી સાબિત થઇ હતી!! ટ્રેન ચાલતી હતી.. રેલવે સ્ટેશન પર રીમા સાથે એના પતિદેવ ઉભા હતા.. નવું જીવન ત્રિવેણી અને નીલયનું સ્વાગત કરવા ઉભું હતું!!
“ મુંબઈનો એક વણલખ્યો નિયમ છે કા ડરીને રહો!! કા બીજાને ડરાવીને રહો!! ઓન્લી ટુ ઓપ્શન!! ધેર ઈઝ નો થર્ડ ઓપ્શન ઇન મુંબઈ!!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ. મુ.પો. ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks