કર્ણાટકમાં લોકાયુક્તની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ ગુરુવારે મોટી કાર્યવાહી કરી હતી. બીજેપી ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના પુત્રની 40 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ધરપકડ કરવામાં આવી છે. ધારાસભ્યના પુત્ર પ્રશાંતને લોકાયુક્ત અધિકારીઓએ તેમની ઓફિસમાંથી લાંચ લેતા ઝડપ્યા હતા. ભ્રષ્ટાચાર વિંગે ભાજપના ધારાસભ્યના કાર્યાલયમાંથી 1.7 કરોડ રૂપિયા અને તેમના ઘરેથી 6 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.
લોકાયુક્તને લાંચ માંગ્યાની ફરિયાદ મળી હતી જે આધારે કાર્યવાહી કરવામાં આવી અને તે બાદ મદલ વિરુપક્ષપ્પાએ કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું. એવું કહેવાય છે કે ભાજપના ધારાસભ્યના પુત્ર સામે લેવાયેલી આ કાર્યવાહી ચૂંટણીનો મુદ્દો પણ બની શકે છે. અહીં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ લાંચકાંડ ભાજપ માટે શરમજનક તરીકે જોવામાં આવી રહ્યો છે.
રીપોર્ટ અનુસાર, બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડના ચીફ એકાઉન્ટ્સ ઓફિસર પ્રશાંત ગુરુવારે (2 માર્ચ) કર્ણાટક સોપ એન્ડ ડીટરજન્ટ લિમિટેડ (KSDL) ઓફિસમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 40 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. વિરુપક્ષપ્પા KSDLના ચેરમેન છે અને પ્રશાંત કથિત રીતે પિતા વતી લાંચની પહેલી કિસ્ત લઇ રહ્યો હતો તેવું કહેવાઇ રહ્યુ છે. પોલીસકર્મીઓને KSDL ઓફિસમાંથી રોકડ ભરેલી ત્રણ બેગ પણ મળી આવી હતી. લોકાયુક્ત અધિકારીઓએ ધરપકડ બાદ તરત જ પ્રશાંતના ઘરે દરોડા પાડ્યા અને શુક્રવારે (3 માર્ચ) પણ તેમનું ઓપરેશન ચાલુ રાખ્યું.
શુક્રવારે તેઓએ પ્રશાંતના ઘરેથી 6 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. સાબુ અને ડિટર્જન્ટના ઉત્પાદન માટે KSDLને જરૂરી કેમિકલ સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટર પાસેથી પ્રશાંત લાંચ લેતા પકડાયો હતો. ધારાસભ્યના પુત્રએ 81 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને 40 લાખ રૂપિયા પહેલો હપ્તો હતો. કોન્ટ્રાક્ટરે લાંચની માંગણી અંગે ફરિયાદ કરીને એક અઠવાડિયા પહેલા લોકાયુક્તનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ છટકું ગોઠવવામાં આવ્યુ.
જણાવી દઇએ કે, પ્રશાંતના પિતા એટલે કે ધારાસભ્ય મદલ વીરુપક્ષપ્પાએ કહ્યું- તેમને આ અંગે કોઈ જાણકારી નથી અને તેમને મીડિયા દ્વારા જ આ વાતની ખબર પડી હતી. તેમણે એ પણ જણાવ્યુ કે, આ અંગે તેમણે દીકરા સાથે વાત કરી નથી, કેમ કે તે લોકપાલની કસ્ટડીમાં છે. તેમણે કહ્યુ કે તે કોઈ ટેન્ડરમાં સામેલ નથી. આ મામલે કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે બધું જ લોકાયુક્ત સામે છે, તેમની તરફથી સ્વતંત્ર અને ન્યાય સંગત તપાસ થવી જોઈએ. જેની પણ ભૂલ થશે તેને સજા ચોક્કસ મળશે.
The anti-corruption branch of Lokayukta yesterday arrested Prashanth Maadal, son of BJP MLA Maadal while taking a bribe of Rs 40 lakh.
Over Rs 1.7 crore in cash recovered from his office. Prashanth Maadal is chief accountant BWSSB: Karnataka Lokayukta #RS6 #RS40 #BJPMLA pic.twitter.com/dZIMYvXVnC— Rashmi Jasrotia (@JasrotiaRashmi) March 3, 2023