ઘરમાં કરી હત્યા, નદીમાં ફેંકી લાશ….BJP મહિલા નેતાના હત્યારાનું કબૂલનામુ- જાણો સમગ્ર મામલો

લાપતા BJP નેતાની થઇ હત્યા, નોકર બોલ્યો- માલિકની કારમાંથી ધોયા હતા લોહીના ધબ્બા

Sana Khan Murder : મહારાષ્ટ્રના બીજેપી અલ્પસંખ્યક મોરચાના મહામંત્રી સના ખાન છેલ્લા એક સપ્તાહથી જબલપુરમાં ગુમ હતી. ત્યારે આ મામલે જબલપુર પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે સના ખાનની હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૈસાના વિવાદમાં સનાની હત્યા કરવામાં આવી હતી અને સના ખાનનો હત્યારો કોઇ બીજો નહિ પણ તેનો પતિ છે. જબલપુર અને નાગપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી અમિત ઉર્ફે પપ્પુ સાહુની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં અમિતે સના ખાનની હત્યાની કબૂલાત કરી છે.

બીજેપી અલ્પસંખ્યક મોરચાના મહામંત્રી સના ખાનની પતિએ જ કરી હત્યા
અમિતે પોલીસને જણાવ્યું છે કે તેણે પહેલા સનાની ઘરમાં ડંડા વડે મારીને હત્યા કરી અને પછી લાશને જબલપુરથી લગભગ 45 કિમી દૂર હિરણ નદીના પુલ પરથી નીચે ફેંકી દીધી. પોલીસ સમક્ષ સનાની લાશને શોધવાનો મોટો પડકાર છે. પોલીસના જણાવ્યા અનુસાર સના અને અમિત પતિ-પત્ની હતા. તેમની વચ્ચે ઘણા સમયથી પૈસા બાબતે ઝઘડો ચાલતો હતો. આ વિવાદને કારણે સના ખાન અમિતને મળવા નાગપુરથી જબલપુર આવી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો અને આ ઝઘડામાં જ અમિતે સનાના માથામાં ડંડા માર્યા, જેના કારણે તેનું મોત થઇ ગયુ.

આરોપીએ પોલિસ સામે કબૂલ કર્યો પોતાનો ગુનો
પોલીસનું કહેવું છે કે આ સમગ્ર મામલામાં અન્ય એક વ્યક્તિ સામેલ છે, પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. જણાવી દઈએ કે સના ખાન 2 ઓગસ્ટના રોજ નાગપુરથી જબલપુર આવી હતી, જે બાદ તે ગાયબ થઈ ગઈ હતી. સનાના પરિજનો સનાની શોધમાં જબલપુર આવ્યા પણ તેના વિશે કશું જ ન મળતા તેમણે સનાની હત્યાની શક્યતા વ્યક્ત કરી હતી. તે બાદ જબલપુર અને નાગપુર પોલીસે મળીને સનાની શોધ શરૂ કરી. મોબાઈલના લોકેશનના આધારે સના અને અમિતની શોધખોળ કરવામાં આવી રહી હતી, જે શુક્રવારે પૂરી થઈ.

2 ઓગસ્ટ બાદથી ગાયબ હતી સના ખાન
પરિવારે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે પુત્રી જબલપુરમાં તેના બિઝનેસ પાર્ટનર પપ્પુ શાહુને મળવા ગઈ હતી. પરંતુ, તેનો કોઈ પત્તો નથી. તેનો ફોન પણ બંધ છે. રિપોર્ટ નોંધ્યા બાદ પોલીસની એક ટીમ જબલપુર ગઈ હતી. ટીમ પહોંચે તે પહેલા જ પપ્પુ શાહુ ફરાર થઈ ગયો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી હતી. આ ક્રમમાં પોલીસે શુક્રવારે તેની ધરપકડ કરી અને આરોપીએ હત્યા કર્યાની કબૂલાત પણ કરી.મીડિયા રીપોર્ટ અનુસાર, પપ્પુ સાહુનો એક ભાઈ પણ પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ સનાની લાશ હજુ સુધી મળી નથી.

પોલિસને હજુ સુધી નથી મળી સનાની લાશ
નોકરોએ પોલીસને નિવેદન આપ્યું છે કે પપ્પુની ગાડીની ડેકીમાં લોહી હતુ અને તેને બે નોકરોએ સાફ કર્યુ હતુ. ટીવી 9 સાથે વાત કરતા સના ખાનની માતાએ ફોન પર જણાવ્યું કે અમિત ઉર્ફે પપ્પુ સાહુએ થોડા મહિના પહેલા તેની પુત્રીને ફસાવીને કોર્ટ મેરેજ કર્યા હતા, પરંતુ પરિવારના સભ્યોને આ કોર્ટ મેરેજ અંગે કોઈ માહિતી નથી. સનાની માતાએ દાવો કર્યો હતો કે તેણે સના સાથે છેલ્લી વખત 2 ઓગસ્ટના રોજ વાત કરી હતી.

Shah Jina