મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની કાળમુખી ઘટનામાં મોતના મુખમાં ધકેલાઈ ગયેલી દીકરીના જન્મ દિવસની પરિવારે કરી અનોખી ઉજવણી, જુઓ તસવીરો

30 ઓક્ટોબર 2022નો એ કાળમુખો દિવસ મોરબી શહેર જ નહિ આખું ગુજરાત ક્યારેય નહિ ભૂલી શકે. આજ દિવસે મોરબીની શાન કહેવામાં આવતો ઝૂલતો પુલ તૂટી ગયો હતો અને આ ગોઝારી દુર્ઘટનામાં 135 કરતા વધુ લોકો મોતને ભેટ્યા હતા. કેટલાય પરિવારોએ પોતાના વ્હાલસોયાઓને ખોયા હતા તો કેટલાય કાળજના કટકાની મરણ ચીસોથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું હતું. આ દિવસને યાદ કરતા આજે પણ આંખોએ કમકમીયા આવી જાય.

આ કાળમુખી ઘટનાની અંદર 135 કરતા વધારે લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે આ દુર્ઘટનામાં મોતને ભેટેલી એક દીકરીનો ગત રોજ જન્મ દિવસ પણ હતો. ત્યારે પરિવાર દ્વારા દીકરીના જન્મની ખુબ જ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ભાવુક કરી દેનારા દૃશ્યો પણ સર્જાય હતા. દીકરીના પરિવારજનો દ્વારા મોરબી દુર્ઘટનામાં મોતને ભેટેલી દીકરીના જન્મ દિવસ નિમિત્તે બટુક ભોજનનું આયોજન કર્યું હતું.

કાળનો કોળીઓ બની જનારી આ દીકરી મોરબીમાં આવેલા નજરબાગ નજીક ગાંધી સોસાયટીમાં રહેતી હતી. તેનું નામ મનીષા ચૌહાણ હતું. તેનો જન્મ 17 માર્ચ 2001ના રોજ થયો હતો. એક દીકરી માટે પિતાએ કેટ કેટલાય સપના જોયા હતા. પરંતુ મોરબીની આ કાળમુખી ઘટનાએ પિતાના બધા જ સપના પર પાણી ફેરવી દીધું. ત્યારે હાલ તેનો જન્મ દિવસ હોય પરિવાર દ્વારા તેને ફરીથી અનોખી રીતે યાદ કરવામાં આવી.

મનીષાના જન્મ દિવસ નિમિત્તે પરિવારજનોએ બટુક ભોજન કરાવ્યું હતું સાથે તેના ફોટો વાળી કેક કાપીને ઉજવણી પણ કરી હતી. દીકરી વગરના તેના આ જન્મ દિવસની ઉજવણીમાં ગાંધી સોસાયટીના લોકો પણ સહભાગી થયા હતા.દીકરીના જન્મ દિવસની ઉજવણીમાં હાજર રહેલા તમામ લોકો દીકરીને યાદ કરીને રડી પડ્યા હતા. તો પરિવારજનોનું દુઃખ પણ ફરી એકવાર છલકાયું હતું.

Niraj Patel